કમૌસમી વરસાદ:આણંદ જિલ્લામાં વાવાઝોડા-ગાજવીજ સાથે વરસાદ, કમૌસમી માવઠાંને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આંકલાવ, બોરસદ, પેટલાદ અને ખંભાતમાં પાણી ભરાયાં

સમગ્ર દિવસ દરમિયાન વાતાવરણમાં ભારે ઉકળાટ વર્તાયા બાદ આણંદ શહેર અને જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. જેમાં આણંદ શહેર ઉપરાંત અન્ય તાલુકા પેટલાદ, બોરસદ અને આંકલાવ, ખંભાતમાં ગાજવીજ, પવન સાથે વરસાદ વરસ્યો હતો. જોકે, અચાનક આવી પડેલા વરસાદને પગલે આણંદ જિલ્લાના ખેડૂતો તૈયાર થયેલા પાકને લઈને ચિંતિત બન્યા હતા. આણંદ શહેરમાં પવન સાથે માત્ર થોડાં છાંટા જ પડ્યા હતા.

જોકે, સખત પવનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ, બીજી તરફ આંકલાવ, બોરસદ, પેટલાદ અને ખંભાતમાં વરસાદી ઝાપટું પડતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જિલ્લામાં ભરઉનાળે વરસાદ પડતાં ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. કમૌસમી વરસાદને પગલે ઉનાળુ બાજરી, કેરી, લીલા શાકભાજી જેવા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે આણંદમાં 15મી જૂન પછી વરસાદનું આગમન થતું હોય છે પરંતુ મે અંતમાં જ વરસાદ વરસતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા. નોંધનીય છે કે, વરસાદને કારણે આણંદના બે ડિવિઝનમાં વીજળી ડુલ થવાની કુલ છ ફરિયાદ મળતાં વિભાગ દ્વારા તુરંત જ તેનું નિવારણ લાવવામાં આવ્યું હતું.

નડિયાદના વાતાવરણમાં ટાઢોડું પ્રસર્યું
નડિયાદ શહેરમાં એકાએક આભમાં વાદળોએ ડેરાતંબુ જમાવી દીધાં હતા અને રાત્રિના તો વાતાવરણમાં પલટો આવ્યો હતો.  તેજ પવન ફૂંકાવાના લીધે શહેરીજનોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો. હવામાન પલટાવાના લીધે વરસાદના છાંટણા વરસવાની શક્યતા પ્રબળ બની હતી. જો કે, વરસાદ નહીં પડતાં નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો.

જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે
હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમ્યાન આકાશ અંશત: વાદળછાયું રહેશે. શુક્રવારે મહતમ તાપમાન 40થી 42 ડીગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 થી 28ડીગ્રી સે. નોંધાયું હતું.
આણંદમાં ઝાડ ધરાશાયી થતાં વીજપુરવઠો ખોરવાયો
આણંદ જિલ્લા ડિઝાસ્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવારે સુસવાટાભેર પવન ફૂંકાતા શહેરના રામજી મંદિર પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું. જેના પગલે સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો. આ બાબતે ડિઝાસ્ટર કચેરીમાં ફરિયાદ આવતા પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત તાત્કાલિક વન વિભાગને જાણ કરી ઝાડને હટાવાયું હતું. જોકે, લોકડાઉન હોય ટ્રાફિકની સમસ્યા સર્જાઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...