કોર્ટનો ચુકાદો:દારૂ પી ધમાલ કરતાં પીપળાવના શખસને કોર્ટ ઉઠતા સુધીની સજા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રણ વર્ષ પહેલા બનેલી ઘટનામાં સોજિત્રા કોર્ટનો ચુકાદો
  • સજા ઉપરાંત અેક હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો

સોજિત્રા તાલુકાના પીપળાવમાં દારૂ પીને ધમાલ કરતાં યુવકને સોજિત્રાની કોર્ટે તકશીરવાર ઠેરવી કોર્ટ ઉઠતાં સુધીની સજા અને રૂપિયા એક હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ સાત દિવસની સાદી કેદ તથા આગામી છ માસ સુધી મુદતના રૂપિયા પાંચ હજારના જામીનખત તથા એટલી જ રકમના જાતમુચરકા કોર્ટમાં આપવાની સજા ફટકારી છે.

આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વર્ષ 2018ના 20મી ઓક્ટોબરના રોજ મહિલા હેલ્પલાઈન પર વર્ધી મળી હતી. જેમાં જણાવ્યું હતું કે, પીપળાવ ગામના કલાવતીબેન સુરેશભાઈ પંડ્યાનો દીકરો હેમલ ઉર્ફે ભૂરીયો દારૂની પીને ધમાલ કરે છે. જોકે, બીજી તરફ આ બનાવની હકીકત સોજિત્રા પોલીસને જણાવતા પોલીસ દ્વારા પણ તુરંત જ સ્થળ પર પહોંચી જઈને તપાસ કરતાં ઈસમ દારૂ પીધેલી હાલતમાં હતો.

પોલીસે પ્રોહિબિશનના ગુના અંતર્ગત તેની ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. દરમિયાન, કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જ્યાં સરકારી વકીલ જે. એ. ભટ્ટે દલીલ કરતાં જણાવ્યું હતું કે, ઈસમ દારૂ પીવાની ટેવ ધરાવનારો છે. જો ઓછી સજા કરાશે તો બીજાને પણ પ્રોત્સાહન મળશે.

જેને પગલે સોજિત્રા કોર્ટે યુવકને તકશીરવાર ઠેરવી કોર્ટ ઉઠતાં સુધીની સજા અને રૂપિયા એક હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ સાત દિવસની સાદી કેદ તથા આગામી છ માસ સુધી મુદતના રૂપિયા પાંચ હજારના જામીનખત તથા એટલી જ રકમના જાતમુચરકા કોર્ટમાં આપવાની સજા ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...