વિવાદ:સરદાર પટેલ યુનિવર્સિટીમાં નાયબ કુલસચિવની જગ્યા ભરાયાના 24 કલાકમાં જ વિરોધ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકારી નાયબ કુલસચિવ મયંક ભટ્ટ દ્વારા સમગ્ર મામલે વાંધા અરજી રજૂ કરી RTI હેઠળ માહિતી માગવામાં આવી

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં નાયબ કુલસચિવની જગ્યા ભરાયાના 24 કલાકમાં જ કાર્યકારી નાયબ કુલસચિવ તરીકે ફરજ બજાવતા મયંક ભટ્ટે નાયબ કુલસચિવની જગ્યા પર કરાયેલી ભરતી મામલે વાંધો રજૂ કર્યો છે. જેને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ મામલે તેમણે ઈન્ટર્વ્યૂમાં પૂછાયેલા પ્રશ્નો અને લેખિત પરીક્ષામાં મળેલા માર્કસ, તથા સીસીટીવી ફૂટેજ સહિતની તમામ માહિતી આરટીઆઈ હેઠળ માંગી છે.

સમગ્ર બનાવની હકીકત એવી છે કે, સરદાર પટેલ યુનિવર્સિટીમાં લાંબા સમયથી રજિસ્ટાર, સબ રજિસ્ટારની મહત્વની જગ્યા ઇન્ચાર્જથી ચાલતી હતી. જેની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં રજિસ્ટાર તરીકે ડો. ભાઇલાલ પી. પટેલની નિમણૂંક કરવામાં આવી છે.આ ઉપરાંત ડેપ્યુટી રજિસ્ટારમાં સૂર્યકાંતભાઈ પરીખ અને ડો. બિરજ પટેલની પસંદગી કરવામાં આવી છે અને ગુરૂવારે યોજાયેલી સિન્ડીકેટ બેઠકમાં તેને લીલી ઝંડી આપવામાં આવી હતી.

જોકે, નાયબ કુલસચિવ (ઓપન કેટેગરી)માં કરાયેલી બિરજ પટેલની નિમણુંકને લઈને કાર્યકારી નાયબ કુલસચિવ મયંક ભટ્ટે વાંધો રજૂ કર્યો છે. લેખિતમાં આપેલા વાંધામાં જણાવ્યું હતું કે, તેઓ યુનિવર્સિટીમાં 16 વર્ષની નોકરી તથા નાયબ કુલસચિવ (ઓપન કેટેગરી)ની જગ્યા માટે તેઓ ધારણાધિકાર ધરાવે છે. વધુમાં તેમની અરજી તેમણે સિન્ડીકેટ સભામાં રજૂ કરવા વિનંતી કરી હતી. પરંતુ અરજીને સિન્ડીકેટ સભામાં સમાવેશ કરાયો નહોતો. જેને પગલે તેમણે પુન: રજૂઆત કરી હતી.

આ બાબતે તેમના દ્વારા યુનિવર્સિટીના ભૂતકાળમાં ધારણાધિકારી અંગેની રજૂઆતમાં કોઈ કાયદાકીય અભિપ્રાય મેળવવામાં આવ્યો હતો કે નહીં તે અંગે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય ન મેળવતાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય બાદ, આ અરજી સિન્ડીકેટ સમક્ષ રજૂ કરી સિન્ડીકેટની મંજૂરી મેળવી કાયદાકીય અભિપ્રાય માટે મોકલી જરૂરી કાર્યવાહી કરાશે તેમ તેમને જણાવ્યું હતું. પરંતુ તેમની અરજીને સિન્ડીકેટમાં રજૂ કરાઈ નહોતી અને નાયબ કુલસચિવ તરીકે બિરજ પટેલની પસંદગી કરાઈ હતી. જેને પગલે તેમણે લેખિતમાં વાંધો રજૂ કર્યો હતો.

આ મામલે તેમણે જણાવ્યું હતું કે, હાલમાં પસંદ કરાયેલા ઉમેદવાર પાસે એકેડેમિક અનુભવ છે. પરંતુ વહીવટીય અનુભવ નથી. આ મામલે તેમણે ગુરૂવારે જ વાંધા અરજી રજૂ કરતાં જણાવ્યું હતું કે, જે સમયે ઈન્ટર્વ્યૂ થયા તે સમયે વાઈસ ચાન્સેલરની રૂમના સીસીટીવી ફૂટેજ ઓડિયો સાથેના તેમજ ઈન્ટર્વ્યૂમાં હાજર રહેલા ઉમેદવારના નામ અને તેમને કેટલાં માર્કસ મળ્યા છે તે તમામ હકીકતો તેમણે આરટીઆઈ હેઠળ માંગી છે. આરટીઆઈ એક્ટ હેઠળ 48 કલાકમાં યુનિવર્સિટી દ્વારા આ માહિતી પૂરી પાડવામાં નહીં આવે તો તેઓ પ્રથમ અપીલમાં જશે.

ફૂટેજ આપવા ટેકનિકલ કારણ આગળ ધરાયું
અરજદાર મયંક ભટ્ટ દ્વારા જે તે સમયે ઈન્ટર્વ્યૂ થયા તે સમયના સીસીટીવી ફૂટેજ માંગવામાં આવ્યા હતા. જોકે, યુિનવર્સિટી સત્તાધીશો દ્વારા ટેક્નીકલ કારણોસર કારણ આગળ ધરીને ફૂટેજ આપવા ઈન્કાર કર્યો છે. જોકે, બીજી તરફ સમગ્ર વિવાદ મામલે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડો. નિરંજનભાઈ પટેલનો સંપર્ક કરતાં તેમણે પણ ફોન રીસીવ ન કરીને જવાબ આપવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...