વેટરનરી ઈન્ટર્ન તબીબોએ ઈન્ટર્નશીપ ભથ્થા વધારવાની માંગ સાથે રેલી યોજી સુત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીને આવેદનપત્ર પાઠવ્યો હતો, અને કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરી રોષ વ્યકત કર્યો હતો. આ અંગે વેટરનરી ઈન્ટર્ન તબીબોએ જણાવ્યું હતું કે, ઈન્ટર્ન સ્ટાઈપેન્ડ વધારવા માટે અનેક વખત રાજ્ય સરકારને માંગ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી રાજ્ય સરકાર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મેડીકલ ઈન્ટર્ન તબીબોનું ભથ્થુ વધારીને પ્રતિમાસ 18,500 રૂપિયા કરવામાં આવ્યું છે પરંતુ નાણાંકીય વિભાગ દ્વારા આ ભથ્થા વધારાની ફાઇલ કોઈક કારણસર અટકેલી પડી છે,ત્યારે આ ભથ્થામાં વધારો કરવાની અમારી માંગ છે.
આ અંગે સ્ટુડન્ટ નેતા શીસપાલ બિશ્નોઈ એ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અને પશુપાલન તેમજ દૂધ ઉત્પાદનમાં અગ્રેસર હોવા છતાં દેશના અન્ય રાજ્યોમાં જેમ કે કેરળમાં રૂ.20 હજાર, કર્ણાટકમાં 17 હજાર,રાજસ્થાનમાં 17હજાર, પંજાબમાં 15 હજાર સામે ગુજરાત સરકાર વેટરનરી ઈન્ટર્ન ડોક્ટરને અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત રાજ્યની ચાર વેટરનરી કોલેજોના વિદ્યાર્થીઓને ઈન્ટર્ન ભથ્થાના નામે માત્ર 7140 ભથ્થું અપાય છે. જે નરેગા યોજનાના મજૂરો કરતા પણ ઓછું છે. આ અંગે આજે કલેક્ટર કચેરી ખાતે અંદાજે સો ઉપરાંતની સંખ્યામ વેટરનરી ઈન્ટર્ન ડોક્ટરો એ સુત્રો પોકારી માગણી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.