DJ મામલે કાર્યવાહી:આણંદની જીટોડીયા કોર્ટ પાસે લગ્નપ્રસંગમાં મોટેથી ડીજે વગાડતા બે સામે કાર્યવાહી

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરારાજાના પિતાની ધરપકડ કરવામાં આવી

આણંદની જીટોડીયા કોર્ટ પાસે કોઇ પણ પરવાનગી વગર ડીજે વગાડતા બે શખસને આણંદ ગ્રામ્ય પોલીસે પકડી કાર્યવાહી હાથ ધરી હતી. આ ડીજે લગ્ન પ્રસંગમાં વાગતું હતું, જેના પગલે વરરાજાના પિતાની અટક કરી હતી.

આણંદના જીટોડીયા કોર્ટ પાસે મોટે મોટેથી ડીજે વાગતું હોવાની ફરિયાદ આણંદ ગ્રામ્ય પોલીસને મળી હતી. આથી આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પાર્થકુમાર વિનોદભાઈ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં જિલ્લા ન્યાયાલય જીટોડીયા કોર્ટ આણંદ, એડીશનલ રજીસ્ટ્રારે લેખિતમાં ફરિયાદ દાખલ કરવા યાદી આપી હતી. જે આધારે કોર્ટની સામે તથા રહેણાંક વિસ્તારની નજીક જીટોડીયા ગામના રોડ પર મોટા અવાજથી ધ્વની પ્રદૂષણ થાય તેમજ આસપાસમાં રહેતા લોકોને ત્રાસ થાય તે રીતે એક ડીજે મ્યુઝીક સીસ્ટમ મિની ટ્રકમાં માઉન્ટ હતી અને વાગતી હતી.

ડીજે વાહનવાળાને રોકી પૂછપરછ કરતાં તે જીતેન્દ્રકુમાર ડાહ્યાભાઈ પરમાર (ઉ.વ.48, રહે. બદલપુર) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે ડી.જે. મ્યુઝીક સિસ્ટમ જાહેરમાં વગાડવાની મંજુરી નહતી. આ ઉપરાંત ડીજે લઇ રાજેન્દ્રસિંહ બાધરસિંહ સોલંકી (રહે.જીટોડીયા)ને ત્યાં દીકરાના લગ્ન પ્રસંગમાં આવ્યાં હતાં અને ડીજે મંજૂરી મેળવી ન હોવાનું જણાવ્યું હતું. આથી, પોલીસે સ્થળ પરથી મીનીટ્રક, લેપટોપ, વગાડવાની એમ્પીલીફાયર સહિત કુલ રૂ.3.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડીજેના માલીક જીતેન્દ્ર ડાહ્યા પરમાર અને વરરાજાના પિતા રાજેન્દ્રસિંહ બાધરસિંહ સોલંકી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...