• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Pro BJP Candidates Win Senate Elections At Vidyanagar's Sardar Patel University, Cong Leader Alpesh Purohit Loses For First Time

સેનેટ સભ્યની ચૂંટણી:વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં સેનેટ સભ્યની ચૂંટણીમાં ભાજપ તરફી ઉમેદવારો વિજેતા બન્યાં,કોંગી નેતા અલ્પેશ પુરોહિતને પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય પક્ષના આગેવાન કાર્યકરો આ ચૂંટણીઓમાં ખાસ ભાગ લેતા હોય છે
  • ચૂંટણી વિજયમાં ભાજપ જિલ્લા મંત્રી જગત પટેલ મોટા રણનીતિકાર સાબિત થયા

વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીમાં શનિવારે ફેકલ્ટી ઓફ આર્ટસ એન્ડ એજ્યુકેશન, ફેકલ્ટી ઓફ સાયન્સ, ફેકલ્ટી ઓફ બિઝનેસ સ્ટડીઝ એન્ડ મેનેજમેન્ટ અને ફેકલ્ટીસ ઓફ લૉ, મેડિસીન, હોમિયોપેથી, ફાર્માસ્યુટીક્લસ અને હોમસાયન્સ માટે રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની સેનેટ સભ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મતદાન કરવા માટે સવારથી વિદ્યાર્થીઓ અને મતદારો ઉમટી પડ્યા હતા. રાજકીય પક્ષના આગેવાન કાર્યકરો આ ચૂંટણીઓમ ખાસ ભાગ લેતા હોય છે. ભાજપના આગેવાનો પણ તથા અન્ય પક્ષના આગેવાનો પણ વિદ્યાનગર ખાતે સેનેટની ચૂંટણીને લઈને પોતાની તરફેણમાં મતદાન કરાવવા મતદાન મથકથી દુર મતદારોને રીઝવવાનો પ્રયાસો કરતા જોવા મળ્યા હતા. સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચાર સેનેટ સભ્યોની ચૂંટણીમાં લો ફેકલ્ટી અને આર્ટ્સ ફેકલ્ટીના ઉમેદવારોને લઇ ચકમક ઝરી હતી. એક સમયે સમર્થકો પણ ઉશ્કેરાયાં હતાં. આખરે સ્થળ પર પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો. મોડી સાંજે મતગણતરી સમયે પણ લો ફેકલ્ટીમાં રિકાઉન્ટીંગ માંગવામાં આવ્યું હતું.

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં 4 સેનેટ સભ્યોની ચૂંટણી અને મતગણતરી શનિવારના રોજ યોજાઇ હતી. જેમાં સવારે મતદાન બાદ મતગણતરી થઇ હતી. જે સાંજે પૂર્ણ થઇ હતી. જોકે, આ ચૂંટણી ભારે રસાકસીભરી રહી હતી.ખાસ કરીને લો ફેકલ્ટી અને આર્ટ્સ ફેકલ્ટીમાં ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં બપોરના સમયે લો ફેકલ્ટી ખાતે મતદાન દરમિયાન ઉમેદવારોના સમર્થકો આમને સામને આવી જતાં વાતાવરણ તંગ બની ગયું હતું. જેમાં થોડા સમય માટે ઉશ્કેરાટ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટોળાંઓને વિખેર્યાં હતાં. આ ચૂંટણીની મતગણતરીમાં પણ ભારે હાઈડ્રામા સર્જાયો હતો. એક સમયે રિકાઉન્ટીંગ સુધી મામલો પહોંચી ગયો હતો. પરંતુ બાદમાં બધુ થાળે પડ્યું હતું.

મહત્વનું છે કે આર્ટસ એન્ડ કોમર્સ ફેકલ્ટીની ચૂંટણીમાં મજબૂત ઉમેદવાર ગણાતા કોંગ્રેસ યુવા નેતા તેમજ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિતને હરાવવા ભાજપ જિલ્લા મંત્રી જગત પટેલે અંગત મિત્ર અને ભાજપના યુવા આગેવાન રિતેશ આહીરને હરીફ ઉમેદવાર તરીકે ઉતારી ખાસ વ્યૂહ રચના થકી બાજી મારી હતી.કોલેજકાળથી અજેય ગણાતા કોંગી નેતા અલ્પેશ પુરોહિતને આ ચૂંટણીમાં પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો હતો.આ જીતને લઈ ભાજપના જિલ્લા આગેવાનોએ વિજેતા ઉમેદવાર રિતેશ આહીર અને યુવા નેતા જગત પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આર્ટ્સ વિભાગની ચૂંટણી જ્ઞાનોદય પરીક્ષા ભવનમાં, સાયન્સની હ્યુમીનીટીઝ બિલ્ડીંગમાં, બિઝનેસ સ્ટડીઝની ભાઈકાકા લાઈબ્રેરીમાં અને એમ.બી. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં અન્ય ફેકલ્ટીની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં વિવિધ ફેકલ્ટીમાં મતદાન યોજાયું હતું. જેને લઈને યુનિવર્સિટી દ્વારા તમામ ફેકલ્ટીમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કઇ ફેકલ્ટીમાં કોણ વિજેતા બન્યાં?

હોમિપોપેથી, ફાર્માસ્યુટીકલ્સ એન્ડ મેડિસિન- શૈલેષકુમાર અરવિંદભાઈ પટેલ

ફેકલ્ટી ઓફ સાયન્સ- કેતનકુમાર પરસોત્તમદાસ પટેલ

ફેકલ્ટી ઓફ બિઝનેસ સ્ટડીઝ એન્ડ મેનેજમેન્ટ- કમલેશકુમાર દેવેન્દ્રસિંહ ડાભી

ફેકલ્ટી ઓફ આર્ટ્સ એન્ડ એજ્યુકેશન- રિતેશકુમાર કાનજીભાઈ આયર

અન્ય સમાચારો પણ છે...