કેદીનો કીમિયો કામ ન લાગ્યો:બોરસદ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લવાયેલો કેદી ભાગી ગયો, પોલીસે ગણતરીના કલાકોમાં ઘરે પહોંચી પકડી પાડ્યો

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેદીએ પેટમાં દુઃખતું હોવાની ફરિયાદ કરતાં સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયો હતો

બોરસદ સબ જેલમાં રહેલા કાચા કામના કેદીએ પેટમાં દુઃખવાની ફરિયાદ કરતાં તેને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સ્ટાફ નર્સને ધક્કો મારી ભાગી ગયો હતો. જોકે, પેરોલ ફર્લોના સ્ટાફે ગણતરીના કલાકોમાં તેના ઘરે પહોંચી પકડી પાડ્યો હતો.

બોરસદ શહેર પોલીસે પશુને કતલખાને લઇ જવાના કેસમાં આકાશ જગદીશ ઠાકોર (રહે.નવાખલ, આંકલાવ)ને પકડી પાડ્યો હતો. જે બોરસદ સબ જેલમાં કાચાકામના કેદી તરીકે હતો. દરમિયાનમાં 13મી જાન્યુઆરી,22ના બપોરે પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. આથી, તેને તાત્કાલિક બોરસદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પીસીઆર વાનમાં લઇ જવામાં આવ્યો હતો.

સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જ તેણે પેટ પકડીને બુમો પાડતો હતો, આળોટતો હતો અને રડતો હતો. આ મામલો ગંભીર લાગતા ડોક્ટરે તેને વોર્ડ નં.7માં લઇ જઇ સારવાર કરવા કહ્યું હતું. જે બાદ નર્સ છાયાબહેન અને વોચમેન સંજય તેને વોર્ડ નં.7માં લઇ ગયાં હતાં. ત્યાં બેડ પર સુવડાવી ઇન્જેકશન આપવાની અને બોટલ ચડાવવાની તૈયારી કરતાં હતાં, ત્યારે એકદમ નર્સને ધક્કો મારી વચ્ચેના ખુલ્લા બારણામાંથી બહાર ભાગી ગયો હતો.

આ અફડા તફડીના પગલે પોલીસ ટીમ તેની પાછળ દોડી હતી. પરંતુ તે પહેલા તે દિવાલ કુદી પાછળની બાજુ ભાગી ગયો હતો અને જોત જોતામાં નવી સિવિલ હોસ્પિટલની બીજી દિવાલ કુદી ભાગી ગયો હતો.

આ અંગે વાયરલેસ પર મેસેજ આપતાં તાત્કાલિક જિલ્લા પોલીસ ટીમ એલર્ટ બની ગઈ હતી. જેમાં પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. ભાટીની ટીમે બાતમી આધારે આકાશ ઠાકોર (રહે.નવાખલ, આંકલાવ)ના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાં તે મળી આવતાં પોલીસે કોર્ડન કરી ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો. આ અંગે બોરસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...