• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Prime Minister Narendra Modi Will Join Virtual, Give Special Guidance To Farmers On Natural Farming And Zero Budget Agriculture

આણંદમાં પ્રી-વાઇબ્રન્ટ ઇવેન્ટ:PM મોદીએ કહ્યું- એ ભ્રમ છે કે કેમિકલ વગર સારી ખેતી ન થાય, આ વહેમ કાઢી કેમિકલના વિકલ્પો પર કામ કરવું પડશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમિત શાહે કહ્યું- સહકાર મંત્રાલયની સ્થાપના કરી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય
  • એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ – એન્ટરિંગ એ ન્યૂ એરા ઓફ કો-ઓપરેશન શીર્ષક હેઠળ આણંદમાં ત્રિદિવસીય કાર્યક્રમો યોજાયા હતા

આણંદ ખાતે કૃષિ યુનિવર્સિટીના યજમાનપદે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ત્રીજા અને અંતિમ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આઠ કરોડ ખેડૂતો આપણી સાથે જોડાયેલા છે. મેં આજે વિદ્યાર્થીની જેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વાતો સાંભળી, હું ખેડૂત નથી, પણ આચાર્ય દેવવ્રતની વાત સાંભળીને મને ઘણું શીખવા મળ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કૃષિ વિશે સારું માર્ગદર્શન આપ્યું છે. વિશ્વભરમાં ખેતીને પણ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. નવા પડકારો સામે ખેતીમાં પરિવર્તન લાવવું જરૂરી છે. માટીની તપાસથી લઇને બિયારણના સારા ઉત્પાદન માટે તમામ પગલાં લેવાયાં છે. જ્યારે માટી જવાબ આપી દેશે ત્યારે શું થશે એ મોટો સવાલ છે. આપણા મનમાં ભ્રમ છે કે કેમિકલ વગર ખેતી સારી નહીં થાય, પણ એ સત્યથી વિપરીત છે. પહેલાંના જમાનામાં પણ ખેતી થતી હતી અને આવક પણ થતી હતી, જેથી આ વહેમ કાઢી કેમિકલના વિકલ્પો પર કામ કરવું પડશે.

નવા પડકારો સામે ખેતીમાં પરિવર્તન લાવવું જરૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં ખેતીને પણ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, પણ નવા પડકારો સામે ખેતીમાં પરિવર્તન લાવવું જરૂરી છે. જ્યારે માટી જવાબ આપી દેશે ત્યારે શું થશે એ મોટો સવાલ છે. ગુજરાતમાં કહેવત પાણી પહેલાં પાળ બાંધો, જેથી માટીની તપાસથી લઇને બિયારણના સારા ઉત્પાદન માટે તમામ પગલાં લેવાયાં છે. બિયારણોથી લઇને બજારો સુધી ખેડૂતો માટે અનેક કામો કરવામાં આવ્યાં છે.

પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો બમણી આવક કરી શકે છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ઓછી સિંચાઇવાળી જમીન કે વધારે ભેજવાળી જમીનમાં પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો બમણી આવક કરી શકે છે અને આ બમણી આવક એ જ પ્રાકૃતિક ખેતી છે, જેથી ખેતીને પ્રાકૃતિક પ્રયોગશાળા સાથે જોડવી પડશે. બેક ટુ બેઝિકનો મતલબ પોતાના મૂળથી જોડાયેલા રહેવું, જેથી આપણે પણ આપણી મૂળ ખેતી સાથે જોડાયેલા રહેવું પડશે.

અત્યારે આપણે મનમાં ધારી લીધુ છે કે કેમિકલ વગર ખેતી નહીં થાય
પહેલાંના જમાનામાં પણ ખેતી થતી હતી અને ખેડૂતો આવક મેળવતા હતા. અત્યારે આપણે મનમાં ધારી લીધું છે કે કેમિકલ વગર ખેતી નહીં થાય, એ વહેમ આપણે કાઢવો પડશે. કેમિકલના વિકલ્પો પર પણ કામ કરવું પડશે. પ્રાકૃતિક ખેતીનો મંત્ર એટલે ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતીનું સંકલન.

છેલ્લાં 6-7 વર્ષમાં ખેડૂતની આવક વધારવા અનેક પગલાં લેવાયાં
આઝાદી પછીના દાયકાઓમાં દેશમાં કૃષિ કઈ રીતે થઈ, કઈ દિશામાં એનો વિકાસ થયો એ આપણે બધાએ ખૂબ નજીકથી જોયું છે. હવે આઝાદીના 100મા વર્ષ સુધીની અમારી સફર નવી જરૂરિયાતો, નવા પડકારો અનુસાર ખેતીને અનુકૂલિત કરવાની છે. છેલ્લાં 6-7 વર્ષમાં બિયારણથી લઈને બજાર સુધી, ખેડૂતની આવક વધારવા માટે એક પછી એક અનેક પગલાં લેવામાં આવ્યાં છે. માટી પરીક્ષણથી લઈને સેંકડો નવાં બીજ સુધી, PM કિસાન સન્માન નિધિથી લઈને ખર્ચના દોઢ ગણા MSP સુધી, સિંચાઈના મજબૂત નેટવર્કથી લઈને કિસાન રેલ સુધી અનેક પગલાં લેવામાં આવ્યાં છે. એ વાત સાચી છે કે હરિયાળી ક્રાંતિમાં રસાયણો અને ખાતરોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે આપણે એકસાથે તેના વિકલ્પો પર કામ કરતા રહેવું પડશે. કૃષિ સંબંધિત સમસ્યાઓ વધુ વિકટ બને એ પહેલા મોટાં પગલાં લેવાનો આ યોગ્ય સમય છે.

વિશ્વ જેટલું આધુનિક બની રહ્યું છે, એટલું જ એ 'બેક ટુ બેઝિક' તરફ આગળ વધી રહ્યું છે
આપણે આપણી ખેતીને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળામાંથી બહાર કાઢીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવી પડશે. જ્યારે હું પ્રકૃતિની પ્રયોગશાળા વિશે વાત કરું છું ત્યારે એ સંપૂર્ણપણે વિજ્ઞાન આધારિત છે. આજે વિશ્વ જેટલું આધુનિક બની રહ્યું છે એટલું જ એ 'બેક ટુ બેઝિક' તરફ આગળ વધી રહ્યું છે. આનો બેઝિક પર પાછા ફરવાનો અર્થ શો છે? એનો અર્થ છે તમારા મૂળ સાથે જોડાયેલા રહેવું. આ વાત તમારા બધા ખેડૂત મિત્રો કરતાં વધુ સારી રીતે કોણ સમજી શકે? જેટલું વધારે આપણે મૂળને પાણી આપીએ છીએ એટલો છોડ વધે છે. આપણે કૃષિ સંબંધિત આ પ્રાચીન જ્ઞાનને નવેસરથી શીખવાની જરૂર છે. એટલું જ નહીં, આધુનિક સમય અનુસાર એને વધુ ધારદાર બનાવવાની પણ જરૂર છે. આ દિશામાં આપણે નવેસરથી સંશોધન કરવું પડશે, પ્રાચીન જ્ઞાનને આધુનિક વૈજ્ઞાનિક ઢાંચામાં ઢાળવું પડશે.

માટીને જ્યારે તપાવવામાં આવે ત્યાં એ ઇટનું રૂપ લે છે અને ઇટ ઇમારત બની જાય છે​​​​​​
નિષ્ણાતો કહે છે કે ખેતરમાં આગ લગાડવાથી પૃથ્વી તેની ફળદ્રુપ ક્ષમતા ગુમાવે છે. જે રીતે માટીને જ્યારે તપાવવામાં આવે ત્યાં એ ઇટનું રૂપ લઇ છે અને ઇટ ઇમારત બની જાય છે. તેમ આપણે આપણી પ્રાકૃતિક ખેતી પર મક્કમ રહેવું પડશે. નવું શીખવા સાથે આપણે આપણી ભૂલોને પણ ભૂલવી પડશે. જ્યાં શોષણ હશે ત્યાં પોષણ નહીં હોય એટલે જમીનનું શોષણ કર્યા વગર આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે, જેનાથી ઘણા ફાયદા થશે.

પ્રાકૃતિક ખેતીનો સૌથી વધુ ફાયદો નાના ખેડૂતોને થશે
રસાયણો વિના પાક સારો નહીં આવે એવો ભ્રમ પણ ઊભો થયો છે. જ્યારે સત્ય તદ્દન વિપરીત છે. અગાઉ રસાયણો ન હતાં, પરંતુ પાક સારો થતો હતો. ઈતિહાસ માનવતાના વિકાસનો સાક્ષી છે. પ્રાકૃતિક ખેતીનો સૌથી વધુ ફાયદો દેશના 80 ટકા ખેડૂતોને થશે, તે નાના ખેડૂતો, જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. આમાંના મોટા ભાગના ખેડૂતો રાસાયણિક ખાતર પર ઘણો ખર્ચ કરે છે. જો તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળે તો તેમની સ્થિતિ સારી રહેશે.

દરેક પંચાયતનું ઓછામાં ઓછું એક ગામ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલું હોવું જોઈએ
આજે હું દેશના દરેક રાજ્યને, દરેક રાજ્ય સરકારને પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવવા માટે આગળ આવવા વિનંતી કરીશ. આ અમૃત મહોત્સવમાં દરેક પંચાયતનું ઓછામાં ઓછું એક ગામ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલું હોવું જોઈએ, જેના માટે અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ. ચાલો, આઝાદીના અમૃત મહોત્સવમાં ભારત માતાની ભૂમિને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી મુક્ત બનાવવાનો સંકલ્પ લઈએ.

ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય: અમિત શાહ
અમૂલ ડેરીના હોલમાં યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે. અમિત શાહે જણાવ્યું હતું કે સહકાર મંત્રાલયની સ્થાપના કરી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કદાચ આઝાદી બાદ દેશમાં પહેલીવાર જીડીપીમાં કૃષિ ઉત્પાદનનું જે યોગદાન છે એને સાર્થક રીતે વધારવાની એક પહેલ તેમણે કરી હતી. કૃષિ ઉત્પાદનથી પણ જીડીપી વધી શકે છે અને એક વૈજ્ઞાનિક રીતે જીડીપીમાં કોન્ટ્રિબ્યુટર બનાવી શકાય છે.

ખેડૂતોની સમૃદ્ધિ માટે કામ કરી શકાય છે, એનું ઉદાહરણ સમગ્ર દેશમાં સૌથી પહેલા ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે થયું હતું. અનેક વર્ષો સુધી 10 ટકા કૃષિ ગ્રોથ રેટને જાળવી રાખ્યો હતો. કૃષિ મહોત્સવ થકી ખેડૂતો માટે જરૂરી તમામ બાબતો તેમના સુધી પહોંચાડવાનું કામ કરાયું. ખેડૂતોને જિલ્લાની કે તાલુકાની ઓફિસે જવાની જરૂર ન રહે એ માટે તમામ લાભો તેમને ગામમાં જ મળે એવા પ્રયોગો કરવામાં આવ્યા.

માઇક્રો ઇરિગેશનને પ્રોત્સાહન આપવામાં આવ્યું. વૈજ્ઞાનિક ઢબે પાણીનો યોગ્ય ઉપયોગ કરીને અનેક ગણી સિંચાઇને વધારીને 10 ટકા કૃષિ ગ્રોથ રેટને 10 વર્ષ કરતાં વધુ સમય સુધી જાળવી રાખ્યો હતો. 2019થી દેશભરના ખેડૂતોને એક અપીલ કરી છે કે પ્રાકૃતિક ખેતીને ખેડૂતો અપનાવે, જે રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરીએ છીએ એનાથી ભૂમિની ઉત્પાદકતા તો ઘટે જ છે, સાથોસાથ જળસંગ્રહની શક્તિ પણ ઘટે છે. ખાવા-પીવાની વસ્તુઓ માનવશરીર માટે હાનિકારક છે. વર્ષો જૂની પાંરપરિક પ્રાકૃતિક ખેતીને પુનર્જીવિત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે આઝાદીનાં 75 વર્ષ સુધી કોઇ સરકારે સહકાર મંત્રાલયની સ્થાપના નહોતી કરી. પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ સહકાર મંત્રાલયની સ્થાપના કરી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય હાથ ધર્યું છે. અત્યારે ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટના પણ ઊંચા ભાવ મળી રહ્યા છે. રાસાયણિક ખેતીને કારણે જનીનની ઉત્પાદકતા ઓછી થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીને કારણે જમીનની ઉત્પાદકતા વધે છે.

ઉલ્લેખનીય છે કે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ – એન્ટરિંગ એ ન્યૂ એરા ઓફ કો-ઓપરેશન શીર્ષક હેઠળ આણંદમાં ત્રિદિવસીય કાર્યક્રમો યોજાયા હતા. એમાં કૃષિ અને કૃષિકારોના કલ્યાણ માટે ટેક્નોલોજીના વિનિયોગ તથા નીતિ નિર્ધારણની બાબતો અંગે દેશ-વિદેશના તજજ્ઞો દ્વારા વિચારમંથન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...