ગૌરવની વાત:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આણંદ એસ.પી.યુનિવર્સિટીની કામગીરીને બિરદાવી

આણંદ3 મહિનો પહેલા
  • વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં થતા શોધ કાર્યો વિકાસ પ્રક્રિયામાં સરકારને મદદરૂપ થતા હોય છે: નરેન્દ્ર મોદી

દુનિયાના કેટલાય દેશોએ વિવિધ ક્ષેત્રે કરેલા વિકાસમાં મોટું યોગદાન ત્યાંની યુનિવર્સિટીનું પણ છે. યુનિવર્સિટી સતત સામાજિક-આર્થિક અને વૈજ્ઞાનિક વિષયો પર રિસર્ચ કરે છે. સરકારને સલાહ-સુચન આપે છે. આજ કલ્ચર અને કાર્ય પદ્ધતિ આપણે ત્યાં વિકસિત કરવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (યુજીસી) દ્વારા વારાણસી ખાતે આયોજિત અખિલ ભારતીય શિક્ષણ સમાગમના ઉદ્દઘાટન પ્રસંગે યુનિવર્સિટીઓ કેવી રીતે વિકાસમાં સહભાગી બની શકે છે? તે વિષે વિશદ્દ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે આણંદ એસ.પી.યુનિવર્સિટીનો ઉલ્લેખ કર્યો હતો.

સંશોધન કાર્ય સરકાર માટે ઘણું મદદગાર સાબિત થયું: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
આણંદ એસ.પી.યુનિવર્સિટીનો ઉલ્લેખ કરતા તેઓએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રૂરલ ડેવલપમેન્ટ પર ખુબ સારૂં સંશોધન કાર્ય સરકાર માટે ઘણું મદદગાર સાબિત થયું. સરકારમાં એસી રૂમમાં બેસીને નિર્ણય કરવા મુશ્કેલ હોય છે.અને જ્યારે એ ફિલ્ડમાં આપણી યુવા પેઢી જાય છે, તે ખૂબ જ સરસ રીતે તેમાંથી સત્વ કાઢીને લાવતી હોય છે. જેના પરિણામે કેટલીક બાબતોમાં કલ્પના બહારનો લાભ થયો હોય એ પણ ધ્યાને આવ્યું છે.

વિકાસ કાર્યમાં મને ઘણી મદદ મળી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
તેઓએ જણાવ્યું હતું કે, હું જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતો તે સમયે વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીએ ગ્રામીણ વિકાસ માટે કરેલા સંશોધન કાર્યનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હતો. એકવાર સરદાર પટેલ યુનિવર્સિટીમાં કાર્યક્રમ સમયે સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ રૂરલ ડેવલપમેન્ટ પર ખુબ સારૂં સંશોધન કરીને કેટલાક પુસ્તકો તૈયાર કર્યા હતા, અને એ દિવસે મને ભેટમાં આપ્યા. મેં ઘણી ઝીણવટભરી નજરે પુસ્તકોને જોયા, મને બહુ રસપ્રદ લાગ્યા. મેં ડિપાર્ટમેન્ટને કામ આપ્યું અને તેઓને કહ્યું કે, આ વિદ્યાર્થીઓએ જે કામ કર્યું છે તે આપ જરા જુઓ. સરકાર જ્યાં જઈ રહી છે અને આ વિદ્યાર્થીઓ જે કહી રહ્યા છે, તેમાં કેટલો તફાવત છે. તમને નવાઈ લાગશે એમાંથી ઘણી બધી વસ્તુઓને લીધે વિકાસ કાર્યમાં મને ઘણી મદદ મળી હતી.

આ યાદગાર પ્રસંગને ઉલ્લેખીને તેઓએ ઉપસ્થિત સભાગૃહને જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓ દ્વારા તેમની આસપાસના 50થી 100 કિલોમીટર વિસ્તારમાં રહેતી સામાન્ય પ્રજાની સમસ્યા, તેના ઉપાયો, સંશોધનો અને એ સંશોધનો માટે શું કરી શકાય તે વિશે વિદ્યાર્થીઓને પ્રોજેકટ આપી ત્યાંના સામાન્ય વ્યક્તિઓની કાર્ય પ્રવૃત્તિ શું છે, તેના પર સ્થાનિક રૂપે એક સરસ અહેવાલ તૈયાર થઈ શકે જે સરકારને સારા પરિણામ આપી શકે. તેમ જણાવી સરકારની કોઈ યોજના ચાલતી હોય તો તેના સારા નરસા પાસાં અને સુધારણાના અવકાશને અનુલક્ષીને પણ એક સરસ અહેવાલ તૈયાર થઈ શકે અને આવી બાબતોને સરકાર દ્વારા ગંભીરતાથી લેવામાં આવે તો તેના સકારાત્મક પરિણામ મળી શકે છે તેમ પણ ઉમેર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...