ખંભાતના શક્કરપુરમાં રવિવારના રોજ ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારાના પગલે ભારે તંગદીલી કોમી હુલ્લડમાં પરિણામી હતી. ઘાયલ વ્યક્તિઓમાંથી મોડી રાત્રે આ પથ્થરમારામાં ઘવાયેલા આશરે 60 વર્ષિય વૃદ્ધના મોત બાદ ભારેલો અગ્ની જોવા મળ્યો હતો. આ અંગે પોલીસમાં ઉગ્ર રજૂઆત કરાતા આખરે હત્યાનો ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો હતો .જેમાં પોલીસે સામસામે ફરિયાદ લેતા બહુમતી સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી. બહુમતી સમાજના આગેવાનોએ પોલીસની આ કામગીરીને અન્યાયપૂર્ણ ગણાવી હતી. આ બાબતે સ્થાનિક સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા ઉચ્ચકક્ષાએ રાજદ્વારે રજૂઆતનો દૌર ચાલ્યો છે. આ અગે હત્યારાઓને કડકમાં કડક સજા થાય તે માટે સાંસદ મિતેષ પટેલ અને ધારાસભ્ય મયુર રાવલ દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરાઈ છે.
ખંભાતના કોમી હુલ્લડ ઘટનાની પોલીસ તપાસમાં આ બનાવ પૂર્વઆયોજિત ષડયંત્ર હોવાનું ખુલ્લું પડ્યું છે. કોરોના કાળના બે વર્ષ બાદ રામનવમીએ નીકળેલ શ્રીરામની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. જ્યાં વિધર્મી તત્વો દ્વારા હિંચકારો હુમલો કરાયો હતો. જેમાં શ્રદ્ધાળું કનૈયાલાલ રાણાનું કરુણ મોત નીપજ્યું હતું. જે અંગે પોલીસે સામસામે ફરિયાદ નોંધી છે.
ખંભાત શહેર પોલીસે દિનેશચંદ્ર ઉર્ફે બલુન મણીલાલ પટેલની ફરિયાદ આધારે સો માણસના ટોળા સામે ગુનો નોંધ્યો છે. જ્યારે સામા પક્ષે રઝાક અયુબ મલેકની ફરિયાદ આધારે શોભાયાત્રામાં જોડાયેલા એક હજારથી વધુ સામે ફરિયાદ નોંધાઈ છે. બહુમતી સમાજની ધાર્મિક ઉત્સવની ઉજવણી ઉપર હુમલો થયો અને શોભાયાત્રામાં સામેલ બહુમતી સમાજના લોકોએ કરેલ પ્રતિકારને પણ પોલીસે ગુનો ગણતા ખંભાત પંથકમાં ભારે નારાજગી વ્યાપી છે.
આ અંગે સ્થાનિક સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા પોલીસ કામગીરી અંગે તેમજ સ્વ.કનૈયાલાલ રાણાના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી યોગ્ય ધનરાશી મળે અને આ ઘટનાના આરોપીઓને સખ્તમાં સખ્ત સજા મળે તે માટે ખંભાત ધારાસભ્ય મયૂર રાવલ ,પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ અને સાંસદ મિતેષભાઈ પટેલની આગેવાનીમાં રાણા સમાજના આગેવાનો અને અન્ય અગ્રણી આગેવાનો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆતો કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.