કામગીરી:કરમસદ નગરપાલિકાનું નવું ભવન બનાવવાની તૈયારી શરૂ

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંચાઇ વિભાગની સ્ટેશન રોડ પરની જમીન હસ્તગત કરશે
  • હાલનું ભવન નાનું પડતું હોવાથી​​​​​​​ અને પાર્કિંગની સમસ્યા હોવાથી મંજૂરી મળે પાલિકા નવી ઇમારત બનાવશે

કરમસદ નગરપાલિકાનું ભવન વર્ષો જુનું હોવાથી અને શહેરની મધ્યમ આવેલું હોવાથી પાર્કિંગ સહિતની સમસ્યા સર્જાય છે અને પ્રમાણમાં તે નાનું પણ પડી રહ્યું હોવાથી સિંચાઇ વિભાગના પડતર ક્વાર્ટરની જમીન ફાળ‌વવા માટે વિભાગને લેખિતમાં રજૂઆત કરી જમીન માપણી કરી છે. આ રજૂઆત મળતાં સાથે સિંચાઇ વિભાગે રાજય સરકારને લેખિતમાંમંજૂરી માટેની દરખાસ્ત મોકલી છે.

કરમસદ નગરપાલિકા પ્રમુખ નિલેશ પટેલે જણાવ્યું હતું કે, કરમસદ નગરમાં વર્ષોથી શહેરની વચ્ચે સંતરામ મંદિર પાસે પાલિકાનું ભવન આવેલું છે. જગ્યા ઓછી હોવાથી ઓફિસો માટે રૂમ ઓછો પડે છે. જેથી એક રૂમમાં બે થીત્રણ વિભાગ ચલાવવા પડે છે. તેમજ રસ્તા ને અડીને આવેલું હોવાથી વાહન પાર્કિંગની સમસ્યા પણ સર્જાય છે. તેના કારણે પાલિકામાં આવતાં અરજદારો અને પાલિકાના કર્મચારીઓને પાર્કિંગની મુશ્કેલીઓ પડે છે. તેને ધ્યાને લઇ નગરપાલિકાનું અદ્યતન ભવન બનાવવા માટે વિચારણા ચાલી રહી છે. તે માટે વિશાળ જગ્યાએ જોઇએ તે પાલિકા પાસે હાલમાં નથી. જેથી સ્ટેશન રોડ પર આવેલ સિંચાઇ વિભાગના કવાર્ટરવાળી જગ્યા બિનઉપયોગી પડી છે.

તેથી પાલિકા પ્રમુખે સિંચાઇ વિભાગને લેખિત રજૂઆત કરીને સિંચાઇ વિભાગની જમીન પાલિકા ભવન માટે ફાળવવા રજૂઆત કરી છે. જેના પગલે સિંચાઇ વિભાગ દ્વારા રાજય સરકારને દરખાસ્ત મોકલી આપી છે. દરખાસ્ત મંજૂર થયે જમીન ફાળવવા માટેની કાર્યવાહી કરાશે. કરમસદ પાલિકા પ્રમુખે જમીન મળ્યા બાદ કેટલા બજેટમાં પાલિકા ભવન તૈયાર કરવું, તેમાં કેવા પ્રકારની સુવિધા ઉભી કરવી તે અંગેનો ઠરાવ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...