તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુપાલકોને રાહત:આણંદમાં 14 પશુ દવાખાના મંજુર અને 7 કેન્દ્ર માટે જમીન સંપાદનની તૈયારી હાથ ધરાઇ

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિમાર પશુ માટે લાંબા સમયથી ડોક્ટરની રાહ જોતા દૂધ ઉત્પાદકોને ઝડપથી સેવા મળશે

આણંદ જિલ્લો દૂધ ઉત્પાદકમાં અગ્રેસર છે અને ગ્રામ્ય વિસ્તારમાં ખેતી બાદ પશુ પાલન આવકનું મોટુ સ્ત્રોત છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી બિમાર પશુની સારવારને લઇ પશુપાલકો પરેશાન હતાં. ડોક્ટરનો અભાવ ઉપરાંત યોગ્ય જગ્યાના અભાવે ક્યાં જવું ? તે મોટો પ્રશ્નાર્થ હતો. આ પ્રશ્નોના હલ માટે રાજ્ય સરકારે આણંદ જિલ્લામાં 21 પશુ દવાખાનાના નવા બિલ્ડીંગ બનાવવા કામગીરી હાથ ધરી છે. જેમાં 14ને મંજુરી આપી છે. જ્યારે બાકીના 7ના જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સિદ્ધ કરવા સરકાર દ્વારા પશુપાલનને મહત્વ આપવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા પશુ લોન સહિતની ખેડૂત અને પશુપાલક માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ સંજોગોમાં પશુઓની નાની મોટી બીમારી કે અન્ય માંદગીના અનુસંધાને પશુઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા પશુ દવાખાના વધારવાનું આયોજન હાથ ધર્યું છે. જે પૈકી આણંદ જિલ્લામાં 21 દવાખાના મંજુર થયા છે, જેમાં 14 માટે ટેન્ડરીંગ કરવામાં આવશે. જ્યારે 7 માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરી છે. ભાજપ કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ કેતન પટેલે નવા પશુ દવાખાનાના નિર્માણથી ખેડૂત અને પશુપાલકોને ખૂબ મદદ મળી રહેશે તેમ જણાવ્યું હતું.

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લોકો પશુપાલન વ્યવસાય પર જીવન ગુજરાન ચલાવે છે. પશુપાલકોના પશુઓ બિમાર પડે ત્યારે નજીકમાં સારવાર મળી રહે તેવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળ આણંદ જિલ્લાના ત્રણ જૂથમાં આવેલા 21 ગામોમાં પશુ દવાખાના બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં 14 દવાખાના રૂા.3.36 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. જેમાંથી 14 ગામોમાં દવાખાના માટે જગ્યા મળી જતાં ત્યાં ટુંક સમયમાં બાંધકામ હાથ ધરવામાં આવશે.

કયા કયા ગામમાં પશુ દવાખાના બનશે ?

આણંદ જિલ્લામાં નાપાડ જૂથ અને દાવલપુરા જૂથ યોજના હેઠળ દરેક તાલુકામાંથી ગામો પસંદ કરવામાં આવ્યા હતા. તે માટે જે તે ગામમાં દવાખાના માટે જગ્યા નીમ કરવા માટેની દરખાસ્ત કલેકટરને મોકલી આપી હતી. જેમાં 14 ગામો જગ્યા મળી જતાં ટુંક સમયમાં દવાખાનાનું કામ હાથ ધરવામાં આવશે. નાપાડ જૂથ યોજના હેઠળ આણંદ તાલુકામાં નાપાડ, ઉમરેઠના ખોરવાડ, વણસોલ, બોરસદ તાલુકામાં ગાંજણા, કોઠિયાખાડ, કિંખલોડ અને ડાલી ગામે પશુ દવાખાનનું નિર્માણ થશે. જયારે દાવોલપુરા જૂથમાં પેટલાદના દાવોલ, સોજીત્રા તાલુકાના કાસોર, તારાપુર તાલુકાના રીંઝા, કસ્બારા અને મોભા તથા ખંભાત તાલુકામાં વટાદારા અને કલમસર ગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લામાં ઉમેટા સંદેશર તથા વહેરાખાડી, ગાંલાણા, ગલીયાણા, જોગણ અને ધૈર્યપુરામાં હાલ દવાખાના બનાવવાનું આયોજન છે. જે માટે હાલ જમીન સંપાદન માટે કલેક્ટરને દરખાસ્ત મોકલી આપવામાં આવી છે.

સરકારને જમીન સંપાદનમાં દસ વર્ષ લાગ્યાં ..!

આણંદ જિલ્લામાં નવા પશુ દવાખાના બનાવવા માટે 2011માં જમીન સંપાદન માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ અંગે દરખાસ્ત પણ કરવામાં આવી હતી. જોકે, આ કામગીરી પૂર્ણ થતાં દસકાનો સમય વિતી ગયો છે. તેમાં પણ હજુ સાત દવાખાના માટે જમીન સંપાદનની કામગીરી બાકી જ છે.

પશુ દવાખાનાના અલગ બિલ્ડીંગ બનતા પશુપાલકોને રાહત થશે

આણંદ જિલ્લા પશુપાલન અધિકારી ડો. સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં પશુ દવાખાના કાર્યરત હતાં. પરંતુ તે દૂધ મંડળી અથવા ગ્રામ પંચાયતના ભાડાના મકાનમાં ચાલતાં હતાં. હવે તેના અલગ નવા બિલ્ડીંગ બનાવવામાં આવશે. જ્યાં યોગ્ય સ્ટાફ પણ હશે. કૃત્રિમ વિર્યદાન સહિત પશુ સુધારણા, પશુપાલકોની યોજના સહિતની કામગીરી અહીં કરવામાં આવશે. જેથી પશુપાલકોને ઘરઆંગણે જ તમામ સુવિધા મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...