આણંદ-ખેડા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી આંશિક વાદળો અને પવનની ગતિ વધુ રહેતા ગરમીમાં રાહત અનુભવાઇ હતી. બુધવારે વાદળો હટી જતાં પુન: તાપમાન 0.8 ડિગ્રી ઉંચકાયું છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ બાદ પ્રિ-મોન્સુન એકટીવીટી સક્રીય થવાની સંભાવના વર્તાઇ રહી છે. ત્યારબાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. બુધવારથી પવનનું જોર ઘટયું છે. જેથી વાહનચાલકોને ધુળની ડમરીઓમાંથી છુટકારો મળ્યો છે.
આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચરોતરમાં આગામી ત્રણ દિવસ બાદ પ્રિ-મોન્સુન એકટીવીટી સક્રિય થવાની સંભાવના છે. આંશિક વાદળો વચ્ચે પવનની ગતિ 15 થી 20 કિમીની ઝડપે પવન ફુંકાશે. જેના કારણે ગરમી રાહત રહેશે જો કે જૂનના પ્રથમ સપ્તાહમાં ચોમાસાની સિસ્ટમ ચરોતર તરફ આગળ વધશે તેવી વકી છે.
હાલમાં પવનનું જોર વધુ જોવા મળે છે. ત્યારે કેળ અને વેલાવાળા શાકભાજી નમી ના જાય તે માટે કેળના છોડને ટેકો આપવો તેમજ વેલાવાળા શાકભાજીને ટેકા આપીને ઉભા રાખવા જોઇએ, સુકા પાંદડા,પરાળ, ઉપયોગ કરીને કેળના પાકને આવરણ આપીને જમીનમાં ભેંજનું પ્રમાણ વધારી શકાશે.
આણંદ કૃષિ હવામાન વિભાગમાં બુધવારે નોંધાયેલા આંકડા પર નજર કરી તો મહતમ તાપમાન 37.08,લઘુતમ તાપમાન 29.05,ભેજના ટકા 68 અને પવનની ગતિ પ્રતિકલાક 8.02 નોંધાઇ છે. આગામી દિવસો સામાન્ય તાપમાન રહેશે. જો કે જૂનના બીજા સપ્તાહમાં વરસાદની સંભાવના વર્તાય રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.