વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 9મી માર્ચથી ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા ‘પ્રશ્નોપનિષદ’નું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા આશરે અઢી હજાર જેટલા પ્રશ્નો નક્કી કરવામાં આવ્યાં છે. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીને રોકડ સ્વરૂપે પુરસ્કાર આપવામાં આવશે.
રાજ્ય કક્ષાએ ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વીઝની ભવ્ય સફળતા બાદ જી20 અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિશ્વ વિદ્યાલયના વિવિધ વિભાગો અને સંલગ્ન કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2022-23માં અભ્યાસ કરતાં પચાસ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓને વરી લઇ ઓનલાઇન ક્વીઝ પ્રશ્નોપનિષદનો પ્રારંભ 9મી માર્ચથી કરવામાં આવી રહ્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના બૌધિક વિકાસને ઉત્તેજવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તેમજ સજજ કરી રોજગાર લક્ષીતા વધારવા તથા સાંપ્રત પ્રવાહોથી તેમને માહિતગાર કરવાના ઉદ્દેશ સાથે યોજાનારા આ ઓનલાઇન ક્વીઝમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ચાલતા અભ્યાસ અંતર્ગતના તમામ વિષયોના પાયાના જ્ઞાન તથા જીવનલક્ષી વૈવિધ્યસભર આયામોને લગતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો આવરી લેવામાં આવશે.
આ અંગે કુલપતિ પ્રો. ડો. નિરંજનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ક્વીઝ ઓનલાઇન મોડ પર કુલ પાંચ રાઉન્ડમાં રમાશે. પ્રત્યેક રાઉન્ડમાં સહભાગી થનારા વિદ્યાર્થીઓને સહભાગિતા – સર્ટીફિકેટ એનાયત થશે. પ્રત્યેક રાઉન્ડમાં 50 ટકા ગુણ પ્રાપ્ત કરનારા સ્પર્ધક આગળના રાઉન્ડમાં રમી શકશે તેવી વ્યવસ્થા છે. પાંચ રાઉન્ડના અંતે સર્વાધિક ગુણ પ્રાપ્ત કરનારા વિજેતાઓને આકર્ષક રોકડ પારિતોષક એનાયત કરવામાં આવશે. આમ, આ ક્વિઝ સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ટેકનોલોજીના માધ્યમથી પોતાની જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવા માટે એક નવીન તક પુરી પાડશે. પ્રસ્તુત ક્વિઝના નોડલ ઓફિસર પ્રાધ્યાપક ડો. કોમલ મિસ્ત્રી અને સંવાહક ડો. અલકા મેકવાનના માર્ગદર્શન હેઠળ ઓનલાઇન મોડ પર ક્વિઝના સુચારુ સંચાલન અર્થે યુનિવર્સિટીના વિવિધ વિબાગો અને સંલગ્ન કોલેજોમાંથી કો ઓર્ડીનેટરને તાલીમ પણ આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.