ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલની સ્પર્ધામાં આણંદ સેતુ ટ્રસ્ટના યોગ કોઓર્ડીનેટર મીસ યોગીની પૂજા ઘનશ્યામભાઈ પટેલે ફિમેલ કેટેગરીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.જેને લઈ તેના પરિવારજનો અને ચરોતરમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે.
ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલ મ્યુનિ.કોર્પોરેશન ઝોન લેવલની આ સ્પર્ધામાં પાંચ જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા અને મહીસાગર જિલ્લાઓની સમાવેશ થતો હતો. દરેક જિલ્લાના 6-6 સ્પર્ધકો મળી કુલ 30 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં આણંદ સેતુ ટ્રસ્ટના યોગ કોઓર્ડીનેટર મીસ યોગિની પૂજા પટેલ પ્રથમ ક્રમે રહી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન (ઝોન) લેવલની આ યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર રૂ.21000નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તેણીને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં. મેડલ વિતરણ મેયર હિતેશભાઈ મકવાણા અને ઘનશ્યામભાઈ જાનીના હસ્તે કરાયાં હતાં. મીસ યોગીની પૂજા પટેલની સિધ્ધિ આકાશને આંબતી જાય છે જેને લઈ ચરોતરવાસીઓમાં ખુશીનો માહોલ છે. મીસ યોગીની પૂજા પટેલની આ સિધ્ધિને વધાવી સેતુ ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ પટેલ, સેક્રેટરી સુધાબેન પટેલ તેમજ ખજાનચી ચિરાગભાઈ પટેલ સહિત સેતુ ટ્રસ્ટ પરિવારના સૌ સભ્યોએ અભિનંદન પાઠવ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.