મતદારોએ કરી માથાકૂટ:આણંદના લાંભવેલ ગામમાં પોલિંગ બુથ સ્ટાફે રીસેસ લેતા હોબાળો થયો, નવી મતપેટીઓ મુકવાની ફરજ પડી

આણંદએક મહિનો પહેલા
  • મતદારોનો ઘસારો સતત વધતા લાંબી કતારો, કર્મચારીઓએ અચાનક રીસેસ પાડી દેતા માથાકૂટ
  • ઉમેદવારો-મતદારોમાં રોષ પ્રવર્તતા ઝોનલ ઓફિસર દોડી આવ્યા, માફી માંગી મામલો થાળે પાડ્યો
  • ગત ટર્મમાં પણ આ મથકે રાત્રીના 9 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હોવાનું સરપંચે જણાવ્યું
  • પેટલાદના મહેળાવ ગામના વોર્ડ નં. 10માં પણ મતદારોનો ઘસારો વધતા નવી મત કુટિરની માંગ

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે.ચૂંટણી પંચ વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામ પ્રકારે જાગરૂકતા અને સક્રિયતા દાખવાઈ હતી. ત્યારે આણંદના લાંભવેલ ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદારોનો ઘસારો સતત વધતા મતદારોની લાંબી કતારો થઈ હતી. એક તરફ વધુ ઝડપી મતદાન કરી મતદારો પોતાની ફરજ પુરી કરવા માંગતા હતા, ત્યાંજ પોલિંગ બુથ સ્ટાફના તમામ કર્મચારીઓએ અચાનક રીસેસ પાડી દેતા મતદાન બંધ થઈ ગયું હતું. જેને લઈ ભારે હોબાળો મચ્યો હતો.

ઉમેદવારો અને મતદારોમાં પણ ભારે રોષ પ્રવર્તતા અને તે અંગે ઝોનલ ઓફિસરને રજૂઆતો થતા તે દોડી આવ્યા હતા. તેમણે આ મામલે માફી માંગી મામલો થાળે પાડ્યો હતો. નોંધનીય છે કે ગત ટર્મમાં પણ આ મતદાન મથકે રાત્રીના 9 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હોવાનું સરપંચ મહેશભાઈ પરમારે જણાવ્યું હતું. વળી આ વખતે પણ ઘસારો વધતા મતદારોમાં રોષ વ્યાપ્યો હતો.

મતદારોનું દબાણ વધતા ઉમેદવારો થકી મતદાનની ઝડપ વધારવા તથા ઘસારો ઘટાડવા વધુ મત કુટિરની માંગણી કરવામાં આવી હતી. જેના પછી એક વધારાની મત કુટિર બનાવી આપવામાં આવી હતી. જોકે પોલીંગ બુથ સ્ટાફમાં વધારો ન હોવાથી અને કતાર ધીમી જ જતી હોવાથી મતદારોનો રોષ સતત વ્યક્ત થતો રહ્યો હતો હતો. જે બાબતે ઉમેદવારો વિનંતી કરી મતદારોને શાંત પાડી ધીરજથી મતદાન કરવા સમજાવતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મતદારોના ઘસારાની સમસ્યા અન્ય ગ્રામપંચાયતના મથકોમાં પણ જણાઈ હતી. જેમાં પેટલાદ તાલુકાના મહેળાવ ગ્રામ પંચાયત ચૂંટણીમાં વોર્ડ નં. 10માં પણ મતદારોનો ઘસારો વધતા નવી મત કુટિરની માંગ મામલતદાર પાસે કરવામાં આવી હતી. આ અંગે પેટલાદ મામલતદાર માહેશ્વરીબેન રાઠોડનો સંપર્ક કરતા તેમણે મતદારોનો ઘસારો વધતા ધર્મજ અને પંડોળી ગ્રામપંચાયતની ચૂંટણીમાં એક એક મતકુટિર વધારવામાં આવી હતી એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...