આક્ષેપ:ફરિયાદ ન હોવા છતાં ટ્રેક્ટર સાથે ખેડૂતને હાજર થવા પોલીસની ધમકી

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોચર જમીનના ખોટા દસ્તાવેજો બનાવ્યા હોવાનો આક્ષેપ
  • કોન્સ્ટેબલ વિરૂદ્ધ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત

પેટલાદના બોરીયા સ્થિત ભાથીજી મંદિર પાસે રહેતાં પિયુષકુમાર ચંદુભાઈ પટેલે સમગ્ર બાબતે લેખિત રજૂઆત આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના ગામના કેટલાંક ઈસમોએ ભેગા મળીને ગૌચરની જમીન બ્લોક નંબર 190માં ગેરકાયદે બાંધકામ કરી ખોટા આકારણી પત્રક બનાવી મે‌ળવ્યા હતા. એ રીતે ગૌચરની જમીનમાં બિનઅધિકૃત રીતે બાંધકામ કર્યું હોય વર્ષ 2019ના 18મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી.

ગૌચરની જમીનના ખોટા દસ્તાવેજો બનાવ્યા હોવાના આક્ષેપ સાથે પિયુષકુમાર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, દબાણ કરનારા પૈકી નરેન્દ્ર ગિરધર વાળંદ, હાર્દિક સુરેશ વાળંદ, જયદીપ ઘનશ્યામ વાળંદના રે.સ. નંબ 912માં થઈ રસ્તો આવેલો હોય આ ફરિયાદની રીષ રાખી રસ્તાના અવર-જવરમાં અવરોધ ઊભો કરતા હોય આ મામલે ફરિયાદો પણ કરવામાં આવી છે.

જોકે, આ બાબતને લઈ ગત 22મી ઓગસ્ટના રોજ પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસકર્મી સંજય રાઠોડ દ્વારા પિયુષકુમાર પટેલને ફોન કરીને તેમના ટ્રેક્ટર અને તેમને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે આદેશ કરી જેલમાં ધકેલી દેવાની ધમકીઓ આપી હતી. હાલમાં આ મામલે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી સમગ્ર મામલે પોલીસકર્મી વિરૂદ્ધ સઘન કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...