સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ:તારાપુરની મીલમાંથી સરકારી અનાજના 210 કટ્ટા પોલીસે ઝડપી પાડયા, 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એ.એમ. એગ્રો રાઈસ મીલમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો
  • પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

આણંદના તારાપુરની મીલમાંથી પોલીસે સરકારી અનાજના 210 કટ્ટા ઝડપી પાડ્યા હતા. એસઓજી પોલીસ તારાપુર પંથકમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. ત્યારે બાતમી મળી હતી કે, તારાપુર વિસ્તારમાં આવેલા એક રાઈસ મીલમાં સસ્તા અનાજની દુકાનમાં ફળવાતા ઘઉંના જથ્થા જેવો માલ મોટી સંખ્યામાં ઉતર્યો છે. જેથી એસઓજી પોલીસે બાતમીવાળી રાઈસ મીલોમાં તપાસ કરતા 210 કટ્ટા ઘઉં અને ચોખાના મળી આવ્યા છે. જે સરકારી અનાજ હોવાની સંભાવનાને લઈને તાત્કાલિક સ્થાનિક પુરવઠા અધિકારીને જાણ કરી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લામાં મોટા પાયે સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ચાલી રહ્યુ છે. ગરીબોનું અનાજ લૂંટનારા કાળા બજારીઓ ગરીબના મોં એ થી અનાજનો કોળીયો છીનવી રહ્યા છે છતાં પુરવઠા તંત્ર સબ સલામતનો ઢોલ પીટે છે. બીજી તરફ આણંદ એસઓજીએ પુરવઠા તંત્રની વહીવટી નબળાઈ ખુલ્લી પાડી દીધી છે.

આણંદ એસઓજીને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મેળી કે, તારાપુર મોરજ રોડ ઉપર આવેલી એ.એમ.એગ્રો રાઈસ મીલમા આઈસર ગાડીમાં સરાકરી અનાજ ક્યાંકથી ભરી લાવી મીલમા ખાલી કરવામાં આવનાર છે. જેથી એસઓજી પોલીસે તાત્કાલિક બાતમી વાળી એ.એમ. એગ્રો રાઈસ મીલમાં છાપો મારીને તપાસ કરતા મીલમાં આઈસર ટેમ્પોમાં 150 ઘઉંના અને 60 કટ્ટા ચોખાના મળી આવ્યાં હતા. જે સઘળો માલ સરકારી અનાજ હોવાનું ખુલ્યું હતું.

મહત્વનું છે કે, આ માલ અંગે અને તેના બિલો બાબતે પોલીસે ડ્રાઈવરને પૂછપરછ કરતા ડ્રાઈવરે પોતાનુ નામ મોહંમદ સલીમ મોહંમદ હુસેન શૈખ રહે- ખંભાત ખુરજા મહોલ્લા કોર્ટની પાસે તા-ખંભાત જિ- આણંદનો હોવાનુ જણાવ્યુ હતું. ડ્રાઈવર પાસે આ માલ ભર્યા અંગેના બીલ તથા અન્ય રસીદો માગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા અને સંતોષકારક જવાબ આપ્યો નહોતો.

આઈસરમા ભરેલા ઘઉં તથા ચોખાના કટ્ટા સરકારી અનાજ હોવાનું તેણે કબૂલ્યું હતું. જેથી તેના વિરુદ્ધમા સી.આર.પી.સી.41(1) ડી તથા 102 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આ મુદ્દામાલ ક્યાંથી ભરી લાવ્યો છે? તેમજ અગાઉ પણ કેટલો મુદ્દામાલ સગેવગે કર્યો છે તે અંગે આગળની કાયદેસરની તપાસ ચાલુ કરી છે. આ દરોડામાં આણંદ એસઓજીએ આઈસર ટેમ્પો અને ઘઉં ચોખાના કટ્ટા મળી કુલ 6,91,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...