ભાસ્કર વિશેષ:મોબાઈલ સ્ટેટસના આધારે પોલીસે યુવકનો જીવ બચાવ્યો

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રેડિટ કાર્ડ અને લોકો પાસેથી લીધેલા ઉછીના રૂપિયા મળી 3 લાખનું દેવું થઈ જતાં યુવક નાસીપાસ થયો

હું હાલ આણંદ શહેર આવેલો છું અને હું મારૂં જીવન ટૂંકાવવાનો નિર્ણય કરૂં છું એવા મોબાઈલ પર મૂકેલા સ્ટેટ્સને લઈને ચાંદખેડા પોલીસે આણંદ શહેર પોલીસને માહિતી આપી હતી. જેના આધારે આણંદ શહેર પોલીસ તુરંત જ સ્ટેટ્સ મુકનારા યુવક પાસે પહોંચી ગઈ હતી અને આપઘાત કરવા આવેલા મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ અમદાવાદ રહેતા યુવકને બચાવી લીધો હતો. યુવકને દેવું થતાં તેણે આપઘાતનો નિર્ણય લીધો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.

આ અંગે વાત કરતાં આણંદ શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. સી. નાગોલે જણાવ્યું હતું કે, અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકેથી શહેર પોલીસને ટેલિફોન વર્ધી મળી હતી. જેમાં મૂળ ઉત્તરપ્રદેશનો અને છેલ્લાં 12 વર્ષથી અમદાવાદ ખાતે રહેતો અમિતકુમાર સીંગ નામનો યુવક શાપુરજી કન્સ્ટ્રક્શન નામની કંપનીના સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતો હતો. તે સવારે 4 વાગ્યાની આસપાસ તેના ઘરેથી નીકળી ગયો હતો અને હાલ તે આણંદમાં આવેલા ભગવાન શિવના મંદિરે છે.

તેણે તેના સ્ટેટ્સ પર હું આણંદ શહેર આવેલો છું અને હું આપઘાત કરવાનો છું, હાલ તે ભગવાન શિવજીના મંદિરે છે તેવું મૂક્યું હતું. નોંધનીય છે કે, તેનું સ્ટેટ્સ તેના કંપનીના સહકર્મીઓએ જોયું હતું. જેને પગલે તેઓ તુરંત જ સક્રિય બન્યા હતા અને તેમણે ચાંદખેડા પોલીસનો સંપર્ક કર્યો હતો. ચાંદખેડા પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તેની ભાળ મેળવી હતી જેમાં તે આણંદમાં હોવાની ચોક્કસ બાતમી મળતાં તેમણે આણંદ શહેર પોલીસને બનાવની હકીકત જણાવી હતી. આણંદ શહેર પોલીસની સર્વેલન્સ સ્કવોડ તુરંત જ સક્રિય થઈ હતી અને તેની ભાળ મેળવી હતી.

યુવકને શોધી કાઢીને તેને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. જેમાં તેણે કબુલાત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંય સમયથી તે નવર્સ થઈ ગયો હતો. તેનું ક્રેડિટ કાર્ડનું બિલ અને લોકો પાસેથી લીધેલા ઉછીના નાણાં મળી રૂપિયા ત્રણથી સાડા ત્રણ લાખનું દેવું થઈ જતાં તેણે આપઘાત કરવાનું મન મનાવી લીધું હતું. જોકે, પોલીસે દરેકનો ખરાબ સમય આવતો જ હોય છે પરંતુ તેમાં નાસીપાસ ન થઈ મહેનત કરી દેવું ભરપાઈ કરી દેવાનું સમજાવ્યું હતું. આમ, યુવકનું કાઉન્સેલિંગ કરતાં તે જીવન પ્રત્યે હકારાત્મક બન્યો હતો.

બાળકોની સ્કૂલ ફી પણ ભરી નહોતી
પોલીસના જણાવ્યા અનુસાર, યુવકે પોલીસને જણાવ્યું હતંુ કે તે છેલ્લાં 12 વર્ષથી અમદાવાદમાં રહેતો હતો અને તેનો પરિવાર યુપીમાં રહે છે. તેને ત્રણ બાળકો છે જે હાલ ભણી રહ્યા છે. કોરોનાને પગલે આર્થિક સ્થિતિ તેની કફોડી બનવાના પગલે તેના બાળકોની સ્કૂલ ફી પણ ભરી શક્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...