બોરસદના નાપા તળપદ ગામે રહેતા લવિંગ પઠાણે રૂ.20 હજાર આપવાની ના પાડતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને મોડી રાત્રે પોતાના ભાડુતી માણસોને સાથે લઇ યુવક પર ધારીયા અને લાકડીથી હુમલો કર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. લવીંગ ખાન સામે નાપા ગામમાં રોષ ભડક્યો હતો અને બંધ પાળી તાત્કાલિક ધરપકડ માટે માંગણી કરી હતી. આખરે દબાણ વધતા પોલીસે નડિયાદથી લવીંગખાન અને તેના પુત્રને પકડી જ્યુડીશ્યલ કસ્ટડીમાં ધકેલી દીધો છે.
નાપા તળપદનો આલીફખાન ઉર્ફે લવિંગ રસુલખાન પઠાણે સપ્તાહ પહેલા અર્શમહંમદ ઉસ્માનમીયાં મલેકને ફોન કરી રૂ.20 હજાર હાથ ઉછીના માંગ્યાં હતાં. જોકે, અર્શમહંમદે ના પાડતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને તું મને પૈસા આપવાની કેમ ના પાડે છે ? તેમ કહી ગુસ્સામાં ફોન કાપી નાંખ્યો હતો. દરમિયાન 7મી મે,22ના રોજ મોડી રાત્રિના અર્શમહંમદ પાનના ગલ્લાએ હતો તે દરમિયાન નાપા છાપરા તરફથી બોલેરો ગાડી આવી હતી. જેમાં આલેફ ઉર્ફે લવિંગ રસુલ પઠાણ, અહેમદ ઉર્ફે જાડીયો રસુલ પઠાણ, બસીર રસુલ પઠાણ, ઇમરાન ઉર્ફે ટેલર કાલુ પઠાણ, ઇમ્તિયાઝ ઉર્ફે ભાણો વજીરમીયા કાજી, શાવઝ સાબીર પઠાણ, આસીફ આલેફ ઉર્ફે લવિંગ પઠાણ ઉતર્યાં હતાં અને ધારીયા અને લાકડીથી હુમલો કર્યો હતો.
આ હુમલામાં અર્શમહંમદને ગંભીર ઇજા પહોંચતા જીવન – મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. આથી, તેને તાત્કાલિક સારવાર માટે બોરસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે આલેફખાન ઉર્ફે લવિંગ, અહેમદખાન ઉર્ફે જાડીયો, બસીરખાન રસુલખાન, ઇમરાનખાન ઉર્ફે ટેલર, ઇમ્તિયાઝ ઉર્ફે ભાણો, શાવઝખાન સાબીરખાન અને આસિફખાન આલેફખાન સામે ગુનો નોંધ્યો હતો.
આ ઘટનાના ત્રીજા દિવસે લવીંગ ખાતે ફરી પોત પ્રકાશી અન્ય એક યુવકને મરણતોલ મારમાર્યો હતો. જેના કારણે નાપા ગામમાં ભારે રોષની લાગણી જન્મી હતી. બેફામ બની ગયેલા લવીંગ સામે કાર્યવાહીની ઉગ્ર માંગ ઉઠી હતી. નાપાના ગ્રામજનોએ બંધ પણ પાળ્યો હતો અને જ્યાં સુધી લવીંગખાનની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા સુધી ચીમકી ઉચ્ચારી હતી. આખરે પોલીસે નડિયાદથી લવીંગખાન ઉપરાંત તેના પુત્ર આસીફ, ઇમરાન ઉર્ફે ટેલર અને શાવઝખાનની ધરપકડ કરી શુક્રવારના રોજ કોર્ટમાં રજૂં કરવામાં આવ્યાં હતો. જ્યાં ચારેયને જ્યુડીશ્યલ કસ્ટડીમાં ધકેલી દેવા કોર્ટે આદેશ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.