તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિગ્રી વગરના ડોક્ટર:આણંદની જનતાને 25 વર્ષથી છેતરતા આઠ પાસ ડોક્ટર સહિત પોલીસે સાત બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં આરોગ્ય વિભાગની ભ્રષ્ટ કામગીરી મુદ્દે તપાસની માંગ
  • ઝડપાયેલા બોગસ ડોક્ટરોમાં કોઈક પાસે ડીગ્રી જ નહીં, તો કોઈક 12 પાસ અને કોઈક બીએ થયેલા

કોરોનામાં કાળની આફત મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલ તમામ વ્યાવસાયિકો માટે અવસર બની વરસી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં હાટડીની જેમ બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે. જનતાને લૂંટનારા અને જનઆરોગ્ય સાથે ચેડાં કરનાર આ તત્વોની બેદરકારીએ અનેક નાગરિકોના જીવ જોખમમાં મુક્યા હશે. આણંદ પોલીસે સ્પે ડ્રાઈવ ગોઠવી જેમાં સાત બોગસ ડોક્ટર ઝડપાયા છે. પોલીસ વિભાગે આ કામગીરી કરી આરોગ્યની વિભાગમાં ચાલતી લાલીયાવાડી ખુલ્લી પાડી દીધી હતી.

આણંદ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ બોગસ ડોક્ટરની શોધમાં કામે લાગેલ જેમાં જિલ્લામાંથી સાત મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા છે. ડોક્ટરના પ્રિસ્પ્રીક્શન વિના આપી ન શકાય તેવી અનેક દવાઓ આ ઝોલછાપ તત્વોએ દર્દીઓને આપતા હતા. મહત્વનું છે કે, ઝડપાયેલા બોગસ ડોક્ટરોમાં કોઈક પાસે ડીગ્રી જ નઈ તો કોઈક 12 પાસ તો કોઈક બીએ થયેલો છે. જ્યારે અન્ય એક તો આઠ પાસ જ હોવાનું ખુલ્યું છે. આ તત્વોની બેરોકટોક પેક્ટિસ બાબતે આરોગ્ય ખાતું આંધળું છે કે ભ્રષ્ટતાથી આંખ બંધ કરી લીધી છે તે સરકારી તપાસનો વિષય બની રહ્યો છે.

આણંદ નજીક ગામડી ગામે પોસ્ટલ કોલોની સામે ગાયત્રી ક્લીનીક નામનું અનઅધિકૃત દવાખાનુ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે આણંદ શહેર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે હાજર શખ્સ પરેશકુમાર જયંતિલાલ મહેતા (રહે. ગંગોત્રી પ્રવેશ સોસાયટી, ડી.ઝેડ.હાઈસ્કૂલની પાછળ, આણંદ) હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલો શખ્સ ડોક્ટર તરીકે સેવા આપતા હોય તેની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર માંગતા પોતે હોમીયોપેથી ડિગ્રી ધરાવતા હોવા છતાં હોમિયોપેથીની સારવારને બદલે એલોપેથી ચલાવી લોકોની સારવાર સાથે ચેડા કરતા હોવાનું ખૂલ્યું હતું. એ જ રીતે ગંભીરા ગામે ટાવર પાસે આવેલા મકાનમાં દવાખાનું ચલાવનારો શખ્સ કોઈપણ જાતની ડિગ્રી વિના લોકોની સારવાર કરી આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું ખૂલતાં પોલીસે પુનમ હરમાન ગોહેલ (રહે. નાની શેરડી મોટું ફળિયું તા. બોરસદ)ને ઝડપી પાડયો હતો. તેની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર હતું નહીં ઉપરાંત તે ધોરણ 12 સુધી જ ભણેલો હતો.

કમ્પાઉન્ડર તરીકે નોકરી કર્યા બાદ અનુભવના આધારે તેણે દવાખાનું ખોલ્યું હતું. આંકલાવના ભેટાસીમાંથી તુષાર મંગળ ઝાલા (રહે. મંદિરવાળું ફળિયું, અંબાલી, આંકલાવ) પાસે એલોપેથી ડોક્ટર તરીકેની સારવાર કરવાનું પ્રમાણપત્ર હતું જ નહીં. તે હોમિયોપેથી તબીબ હતા. છતાં એલોપેથીક મેડીકલ પ્રેકટીસ કરતા હોય પોલીસે કાર્યવાહી કરી હતી. ચોથા બનાવમાં બોરસદ તાલુકાના વહેરા ગામમાં હજારીયાપુરા ટેકરા વિસ્તારમાં પાણીની ટાંકી પાસેથી જયેશ ગોવિંદ ઠાકોર (રહે. હજારીયાપુરા પાણીની ટાંકી પાસે, વહેરા)ને હોમિયોપેથીને બદલે એલોપેથીની સારવાર કરતો હોય ઝડપી પાડ્યો હતો. જ્યારે રોહિણી ગામેથી ઝડપાયેલો ભાવિન શાંતિલાલ રાવળ (રહે. રોહિણી બસ સ્ટેન્ડ, મૂળ રહે. નગરા) બી.એ. સુધી ભણેલો હતો. અને એક માસ અગાઉ તેણે દવાખાનું ખોલ્યું હતું. અગાઉ તે કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતો હતો. અને પહેલાં પણ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જ્યારે કરમસદ ગામેથી પકડી પાડેલા સંજય રાવજી ભોઈ કોઈ પણ જાતની ડિગ્રીઓ વિના મેડીકલ પ્રેક્ટિસ કરતો હોય પોલીસે ઝડપી પાડ્યો હતો.

આણંદની જનતાને 25 વર્ષથી છેતરતો ધો.આઠ પાસ ડોક્ટર

આણંદ શહેરના મંગળપુરા ખાતે રહેતો કનુ ભુપતસિંહ ગોહેલ ગણેશ ચોકડી નજીક વગર ડિગ્રીએ પ્રેક્ટીસ કરતો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં કનુ ગોહેલની પૂછપરછ કરતાં તે છેલ્લા 20થી 25 વરસથી ડોક્ટરી પેક્ટિસ કરતો હોવાની કબુલાત કરી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, તે માત્ર ધો.આઠ સુધી જ ભણ્યો છે. પોલીસે તેની પાસેથી વિવિધ એન્ટીબાયોટીક દવા, રજીસ્ટર સહિત કુલ રૂપિયા 18 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બોરસદનો પેક્ટિસનર ડોક્ટરે કોઈ ભળતા કોર્ષની ડીગ્રી મેળવી ગંભીરામાં ક્લિનિક શરૂ કર્યું

બોરસદના નાની શેરડી ગામે રહેતા પુનમ હરમાનભાઈ ગોહેલે ડોક્ટરીના કોઈ ભળતા કોર્ષની ડિગ્રી મેળવી ગંભીરા ગામમાં ક્લિનિક શરૂ કરી દીધુ હતું. આ બાબતની જાણ આંકલાવ પોલીસને થતાં તેના દવાખાના પર દરોડો પાડ્યો હતો. જેની તપાસમાં પુનમ ગોહેલ પાસે બીઆઈએએમએસ જેવી ડિગ્રીની ઝેરોક્ષ મળી હતી. જ્યારે ઓરીજનલ કોઇ જ ડિગ્રી રજુ કરી શક્યો નહતો. આ ઉપરાંત તેની પાસે મળેલી એન્ટી બાયોટીક દવા તેને શંકાસ્પદ કોરોના દર્દીની પણ સારવાર કરતો હોવાની શંકા ગઇ હતી. હાલ આંકલાવ પોલીસે ડો. રક્ષીતકુમારની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભેટાસીમાં બીએચએમએસ ડોક્ટર ગેરકાયદેસર રીતે એલોપેથી સારવાર કરતો ઝડપાયો

આંકલાવના અંબાલી ગામે રહેતા તુષાર મંગળભાઈ ઝાલાના ભેટાસી ખાતેના દવાખાના પર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં તેની પાસેથી એન્ટી બાયોટીક દવા મળી આવી હતી. આ દરોડા અંગે પોલીસે ખડોલ (હ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રક્ષીતકુમાર શાહને સાથે રાખી તપાસ કરતાં ગુજરાત મેડિકલ કાઉન્સિલનું એલોપેથીક ડોક્ટર તરીકેની સારવાર કરવા અંગેનું પ્રમાણપત્ર મળી આવ્યું નહતું. જોકે, તેની પાસેથી વિવિધ 13,164 રૂપિયાની દવા મળી આવી હતી. આ તમામ મુદ્દામાલ સીઝ કરી પોલીસે તુષાર ઝાલા સામે ગુનો નોંધ્યો હતો.

બીએચએમએસ ડિગ્રી મેળવી ગેરકાયદેસર રીતે એલોપેથી સારવાર કરતો ઝડપાયો

આણંદ ટાઉન પોલીસે બાતમી આધારે ગામડી પોસ્ટલ કોલોની સામે ચાલતા દવાખાના પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પરેશકુમાર જયંતીલાલ મહેતા (રહે.આણંદ) નામનો બોગસ ડોકટર વિવિધ રોગની એલોપેથી દવાની સારવાર કરતો હતો. જોકે, પૂછપરછ કરતાં તેની પાસે બીએચએમએસની ડિગ્રી મળી આવી હતી. આથી, તેની પાસેથી એન્ટીબાયોટીક દવા, રોકડ સહિત રૂ.39 હજાર 363નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કરમસદના બોગસ ડોક્ટર હેલ્થ કેર વર્કરનું સર્ટી મેળવી સારવાર કરતો

કરમસદ રેલવે સ્ટેશન સામે રહેતા સંજય રાવજીભાઈ ભોઇએ ઘરમાં જ છેલ્લા કેટલાક સમયથી દવાખાનું શરૂ કર્યું હતું. જે અંગે બાતમી મળતાં વિદ્યાનગર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આરોગ્ય વિભાગના ડો. સુધીર પંચાલ પણ હતાં. જેમની તપાસમાં સંજય ભોઇ પાસે હેલ્થ કેર વર્કરનું સર્ટીફિકેટ મળ્યું હતુ. જોકે, તે મેડિકલ કાઉન્સીલમાં માન્ય નથી. આ ઉપરાંત આ સર્ટીફિકેટ આધારે ખરેખર સારવાર કરી શકાય કે કેમ? તે પણ તપાસનો વિષય છે. આથી, પોલીસે સ્થળ પરથી વિવિધ દવા, રોકડ સહિત કુલ રૂ.6718નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સંજય ભોઇ પાસે કેટલીક એન્ટીબાયોટીક દવા મળી હતી. જે કોરોના શંકાસ્પદ દર્દીની સારવાર કરતાં હોવાની પણ શંકા છે.

નગરાનો બોગસ ડોકટર 12 પાસ હતો છતાં બે વરસથી દવાખાનું ધમધામાવતો હતો

ખંભાતના રોહિણી ગામે પોલીસે બાતમી આધારે દરોડો પાડ્યો હતો. જેમાં મુળ નગરાના ભાવીન શાન્તીલાલ રાવળ દર્દીઓની સારવાર કરતો મળી આવ્યો હતો. ભાવીનની પૂછપરછ કરતાં તે છેલ્લા બે વરસથી વધારે સમયથી દવાખાનું ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, તેની પાસે સર્ટીફિકેટ માંગતા તે માત્ર ધો.12 પાસ જ હોવાનું કબુલ્યું હતું. પોલીસે તેની પાસેથી વિવિધ સાધનો, દવાઓ મળી કુલ રૂ.3768નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બોરસદના મુન્નાભાઈ બીએ પાસ કરી નાગરિકોને મેડિકલ સારવાર આપતો

બોરસદના વહેરા ગામે રહેતા જયેશ ગોવિંદભાઇ ઠાકોરે ગામમાં જ દવાખાનું શરૂ કરી દીધું હતું. જે સંદર્ભે બોરસદ ગ્રામ્ય પોલીસે દરોડો પાડ્યો હતો. આ સમયે સાથે રહેલા બોચાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. શીલ્પેશકુમાર પટેલે પુછપરછ કરતાં જયેશ ઠાકોર પાસે કોઇ જ પ્રકારની મેડિકલ ડિગ્રી મળી આવી નહોતી. આ ઉપરાંત તે બીએ પાસ હોવા છતાં એન્ટીબાયોટીક દવા આપતો હતો અને શંકાસ્પદ કોરોનાના દર્દીની પણ સારવાર કરતો હતો. આથી, પોલીસે તેની પાસેથી દવા, રોકડ મળી કુલ રૂ.20 હજાર 823નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જન આરોગ્યની સાથે ચેડાં કરતા બોગસ ડોકટરોને ઝડપી પોલીસ વિભાગે અનેક નાગરિકોના જીવ બચાવ્યા હોવાની લાગણી નગરના બુધ્ધિજીવી અને પ્રામાણિક નાગરિક વહી રહી છે.તો બીજી તરફ આરોગ્ય વિભાગની નબળી અને ભ્રષ્ટ કામગીરી પ્રત્યે જનરોષ વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ આ બોગસ તત્વો સાથે મોટી રકમની ભાગ બટાઈ કરે છે ના આરોપો વધી રહ્યા છે. સરકાર આ મુદ્દે વિજિલન્સ દ્વારા કાયદેસર તપાસ કરાવે ની લોકમાંગ બુલંદ બની રહી છે.

1.28 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરાયો
આણંદ જિલ્લામાંથી પોલીસે છ સ્થળેથી દરોડો પાડીને સ્ટેથોસ્કોપ, બ્લડ પ્રેશર માપવાનું મશીન, જુદી જુદી દવાઓ, ઈંજેકશનો, દવાખાનને લગતંુ ફર્નિચર સહિત કુલ કુલ રૂપિયા 1.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આણંદ જિલ્લામાં 52 જેટલાં પીએચસી અને છ સીએચસી કેન્દ્ર આવેલા છે. જેમાં 50 ટકા જેટલાં તબીબો અને નર્સિંગ સ્ટાફની ઘટ છે. જેને પગલે મોટાભાગના દર્દીઓ આવા લેભાગુ તબીબો પાસે જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...