પથ્થરમારા મામાલે કાર્યવાહી:ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી પથ્થરમારાની ઘટનામાં વધુ 8 આરોપીની પોલીસે ધરપકડ કરી

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મામલે ઝડપાયેલા આરોપીઓની સંખ્યાનો આંકડો 35 સુધી પહોંચ્યો
  • શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો જેમાં એક વુદ્ધનું મોત થયુ હતું

ખંભાત શક્કરપુર પથ્થરમારા પ્રકરણમાં પોલીસ સખ્ત સતર્કતા કાર્યવાહી કરી રહી છે. આ ઘટના ખૂબ જ સુયોજિત ષડયંત્ર હોવાનું ખુલ્યું હોઈ રાજ્ય અને કેન્દ્રની ઈન્ટેલિજન્સ ટીમ પણ આ સમગ્ર તપાસ ઉપર નજર રાખી રહી છે. ત્યારે ખંભાત પોલીસે આ પ્રકરણમાં વધુ 8 આરોપીઓની ધરપકડ કરી છે.

ખંભાતના શક્કરપુરમાં રામનવમીના દિવસે શ્રીરામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો છે. જેમાં ખંભાતના એક વૃધ્ધનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે તાત્કાલિક ધોરણે સખ્ત કાર્યવાહી કરતા મોટી કોમી હોનારત અટકી હતી.

ખંભાત પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ ફરિયાદ દાખલ કરી ગણતરીના કલાકોમાં મુખ્ય સૂત્રધારને ઝડપી લીધા હતા અને સમગ્ર ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો હતો. જે બાદ ઘણા આરોપીઓ વિસ્તાર છોડી ભાગી ગયા હતા પરંતુ પોલીસની કાર્યવાહી આ આરોપીઓ સુધી પહોંચી છે. જે મુજબ આરોપીની ધરપકડનો સિલસિલો ચાલુ છે. ખંભાત પોલીસ દ્વારા આજે વધુ 8 ફરાર ઓરોપીઓની અટકાયત કરાઈ છે. જે સાથે હાલ ઝડપાયેલા આરોપીઓની સંખ્યાનો આંકડો 35 સુધી પહોંચ્યો છે. આ મામલે ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સહયોગથી સખ્ત અને આયોજનબદ્ધ પ્રયત્નો કરી રહી છે.

આજે ઝડપાયેલા આરોપીઓના નામ

અબ્દુલમુનાફ નુરમહમદ મલેક, બાબુભાઇ ઉર્ફે ડાલ અબ્દુલકદર મલેક, અલ્લારખા કાલુભાઈ શેખ, અલ્તાફખાન કાળુખાન પઠાણ, આલ્ફાજહુસેન ઉર્ફે અલ્લુ અકબરહુસેન મલેક, ઉદાયત સલીમભાઈ મલેક, મોહંમદઅસપાક સીદીકભાઈ મલેક, આસીફભાઇ ઉર્ફે બોડુ ઉસ્માનભાઈ મલેક

શું હતો સમગ્ર મામલો?

આણંદ જિલ્લાના સંવેદનશીલ તાલુકા ખંભાતમાં 10 એપ્રિલે બપોરે રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો. બંને ટોળાંમાંથી સામસામો પથ્થરમારો થતાં અને કેટલાંક તોફાની તત્ત્વોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બે દુકાન અને બે ચપ્પલની લારી, એક મકાનમાં આગચંપી, તોડફોડ કરતાં સમગ્ર શહેરમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. બનાવને પગલે જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટોળાંને કાબૂમાં લેવા પાંચ ટિયરગેસના શેલ છોડ્યા હતા. સમગ્ર બનાવમાં પોલીસ જવાનો સહિત પંદરથી વધુ લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે એકનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...