ધડામ કરતાં ગોળાઓ વરસ્યા!:આણંદના ઉમરેઠમાં અલગ અલગ ત્રણ સ્થળે આકાશમાંથી રહસ્યમયી ગોળા પડ્યા, લોકોમાં ડરનો માહોલ

આણંદ3 મહિનો પહેલા
  • જીતપુરા, દાગજીપૂર અને ખાનકુવા ગામે અવકાશમાંથી ભારેખમ ગોળા જેવી વસ્તુ પડી

આણંદના ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશન તાબેના ત્રણ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં અવકાશમાંથી અજાણી ભારેખમ ગોળા જેવી વસ્તુઓ પડી છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આ વસ્તુઓ જોવા લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી આ અવકાશી વસ્તુ અંગે તપાસ હાથ ધરી છે.

આ પદાર્થ સેટેલાઈટમાંથી છૂટા પડેલા કોઈ ઉપકરણ હોવાનું અનુુમાન
આણંદ જિલ્લાના ઉમરેઠ તેમજ ભાલેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવકાશમાંથી ભારેખમ ગોળા જેવી વસ્તુ પડી છે. જિલ્લાના જીતપુરા, દાગજીપૂર અને ખાનકુવા ગામે અવકાશમાંથી ભારેખણ ગોળા જેવી વસ્તુ પડી છે. પોલીસના જણાવ્યા મુજબ અવકાશમાંથી પૃથ્વી ઉપર પડેલા આ પદાર્થ સેટેલાઈટમાંથી છૂટા પડેલા કોઈ ઉપકરણ હોવાનું પ્રતિત થઈ રહ્યુ છે. આ અંગેની ચકાસણી માટે સંબંધિત વિભાગ અને એજન્સીઓને જાણ કરવામાં આવી છે.

ઉપરાછાપરી ત્રણે સ્થળે પદાર્થ પડ્યો
મહત્વનું છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર ન હોઈ તંત્રએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. જોકે, ઉપરાછાપરી ત્રણે સ્થળે પડેલા અવકાશી પદાર્થ ફરી પણ ક્યાંક પડે તો તેની ચિંતાએ સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

FSL તપાસમાં ખૂલશે કે કયાં દેશનો ઉપગ્રહ હતો
સામાન્ય રીતે જે રીતે વાહનોના ચેસીસ નંબરના આધારે વાહનની અને તેના માલિકની ઓળખ થતી હોય છે તે જ રીતે ઉપગ્રહના પણ નંબર હોય છે અને તેના આધારે તે ક્યા દેશનો હોય છે તેની ઓળખ થતી હોય છે. જોકે, હજારો કિલોમીટર દૂરથી ઉપગ્રહ આવતો હોય અને સતત તે પૃથ્વી સાથેના ઘર્ષણમાં આવતો હોય તેનો આકાર અને જે તે નંબર તમામ બાબતો ઘસાઈ ગયેલી હોય છે. જોકે, એફએસએલ દ્વારા સઘન તપાસ કરાય તો ઉપગ્રહ ક્યા દેશનો છે તેની જાણકારી મળી શકે તેમ છે.

તૂટેલા ઘરના વળતર માટે તંત્રને રજૂઆત કરાશે
ગોળાકાર એલ્યુમિનિયમ જેવો દેખાતો 7.8 કિલોનો ગોળો શીલીના નવાપુરાના રહેવાસી રંગીતભાઈ ભાઈજીભાઈ ચૌહાણના ઘર પર પડ્યો હતો. જેમાં ઘરના પતરા તૂટી ગયા હતા. આ ઉપરાંત, ખાટલો અને એક અનાજ ભરેલું પીપળું તૂટી ગયું હતું. ઘરમાં આ સમયે ત્રણ જણાં હાજર હતા. ભારે અવાજ આવતાં તેઓ બહાર નીકળી ગયા હતા. સદનસીબે કોઈને ઇજા થઈ નથી. પરંતુ વળતર માટે તંત્રને લેખિતમાં જાણ કરી રજૂઆત કરાશે. > જશુભા પરમાર, સરપંચ, શીલી.

અન્ય સમાચારો પણ છે...