તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડર નહીં સાવચેતી રાખો:આણંદમાં માનસિક રોગના નિષ્ણાતોને ત્યાં દર્દીનો ધસારો, ઘાતક કોરોનાથી લોકોમાં ફોબિયા; કહે છે, ‘સાહેબ મને સારૂ તો થઈ જશેને’

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ડર-ચિંતા-ડિપ્રેશન નહીં, પણ સાવચેતી રાખો

કોરોના સંક્રમણની બીજી લહેર જેટલી ઘાતક છે, એટલી જ ઘાતક માનસિક અસરની છે. છેલ્લાં એક બે મહિનામાં જ આણંદ શહેરમાં રહેતા માનસિક રોગોના નિષ્ણાંત પાસે પાંચથી છ દર્દીઓ પૈકી ત્રણથી ચાર દર્દીઓ એવા આવે છે કે જેઓને કોરોના થઈ જવાનો ડર અને લોકડાઉન તો નહીં થઈ જાય ને એવો ફોબિયા સતાવે છે. જોકે, આણંદ શહેરના જાણીતા નિષ્ણાંત ડો. સાવન શાહ અને ડો. સંદીપ પટેલ કહી રહ્યા છે કે સાવચેતી રાખો અને ડર ચિંતા-ડિપ્રેશનથી ડિસ્ટન્સ બનાવો.

મને શ્વાસમાં ખૂબ ગભરામણ થાય છે, મને સારૂં તો થઈ જશે ને…
આણંદ શહેરમાં રહેતા અમિતભાઈ પટેલને છેલ્લાં કેટલાંય સમયથી એવું રહ્યા કરતું હતું કે તેમને શ્વાસ લેવામાં ગભરામણ થાય છે. તેમને હરહંમેશા એવો ડર સતાવતો હતો, કે મને ક્યાંક કોરોના થઈ જશે તો.. મનમાં હમેશા ઊચાટ રહેતો હતો. અને તેને કારણે જ તેઓ વારેઘડીએ તબીબ પાસે દોડી જતા હતા. તેમની માનસિક સ્થિતિ એવી હતી કે તેઓને કોરોના થશે અને લોકડાઉન થશે તો તેમને સારવાર મળશે કે કેમ.

ગળામાં ખૂંચે છે એવા ડરથી ઈએનટી સ્પેશ્યાલિસ્ટની સલાહ લેતા હતા
પ્રિયાંક પરમાર નામની વ્યક્તિ હંમેશા કાન-નાક-ગળાના તબીબની મુલાકાત લેતા હતા. તેમને ગળામાં કંઈક ખૂંચે છે એવી હરહમેશ ફરિયાદ કરતા હતા. જેને પગલે જ્યારે પણ તેઓ તબીબને બતાવવા જતા હતા. ત્યારે તેનો રિપોર્ટ નોર્મલ જ આવતો હતો. તેમને હકીકતમાં કંઈ હતું જ નહીં. સોમેટોફોમ ડિસઓર્ડરથી પીડાતા આ દર્દીએ એવું માની લીધું હતું કે, તેમને ગળામાં ખૂંચે છે અને તેમને કોરોના છે. જોકે, તેઓ જ્યારે પણ રિપોર્ટ કરાવતા ત્યારે રિપોર્ટમાં સ્વસ્થ જ હતા.

ડરના માર્યા પોતે અને પરિવારના હાથ વારેઘડીએ ધોવડાવતા હતા
કોમલબેન વાળંદ નામની પરણિતાને કોરોના થવાનો એટલો ડર હતો કે તેઓ વારેઘડીએ પોતાના હાથ ધોઈ નાંખતા હતા. વધુમાં તેમના પરિવારજનોને પતિ અને બાળકોને પણ તેઓ સતત હાથ ધોવાની સૂચના આપતા હતા. તબીબી ભાષામાં આ વર્તુંણકને ઓબ્સેસીવ કમ્પલશન ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. તબીબ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, દિવસમાં કોરોના થવાના ડરે વારેઘડીએ હાથ ધોવડાવતા હોઈ તેમની સ્કીનને પણ એલર્જિ થઈ હતી.

પંદર દિવસની દવા હોવા છતાં બીજી ત્રીસ દિવસની દવા લઈ ગયા
રાજ્ય સરકાર દ્વારા થોડાં દિવસ અગાઉ રાત્રિ કર્ફ્યું જાહેર કર્યું હતું. જોકે, કર્ફ્યું જાહેર થતાં જ મોટાભાગના દર્દીઓમાં એવો ડર જોવા મળ્યો હતો કે ક્યાંક સરકાર લોકડાઉન તો નહીં કરે દે ને. જેને પગલે ઓપીડી કેસમાં અચાનક વધારો થઈ ગયો હતો અને મોટાભાગના દર્દીઓ પાસે પંદર દિવસની દવા હોવા છતાં તેઓ બીજી ત્રીસ દિવસની દવા લેવા આવ્યા હતા.
(દર્દીના તમામ નામ બદલ્યા છે)

અન્ય સમાચારો પણ છે...