પત્નીને બદનામ કરવા કાવતરૂ:પેટલાદના યુવકે લગ્ન પહેલા બનાવટી આઈડી બનાવી તેની જ પત્નીને બિભત્સ મેસેજ લખ્યા હતા, સગાઇ તોડવા કૃત્ય કર્યું હોવાનું ખુલ્યું

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પેટલાદના ગંગામૈયા પાર્કમાં રહેતા યુવકની સગાઇ આણંદની યુવતી સાથે થયાં હતાં. આ સગાઇ બાદ યુવતીના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર બિભત્સ લખાણ મળતાં હતાં. પરંતુ કોણ મોકલે છે ? તે બાબતે દરકાર કરી નહતી. જોકે, લગ્ન બાદ તેનો પતિ જ લખાણ મોકલતો હોવાનો ભાંડો ફુટ્યો હતો. તેના પતિને પ્રેમલગ્ન કરવા હતા અને સગાઇ તોડી નાંખવા તેણે આ કૃત્ય કર્યું હતું. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો હતો.
મેસેજમાં અપશબ્દ લખ્યા
આણંદ શહેર ખાતે રહેતી યુવતીની સગાઇ 2017માં પેટલાદની કોલેજ ચોકડી પાસે આવેલી ગંગામૈયા પાર્કમાં રહેતા યુવક સાથે થયાં હતાં. દરમિયાનમાં 21મી ઓક્ટોબર,21ના રોજ યુવતીના સોશ્યલ મિડિયાના એકાઉન્ટ પર મેસેજ આવ્યો હતો કે, તું તે યુવક સાથે લગ્ન કરીશ નહીં. જો લગ્ન કરીશ તો તું જોઇ લેજે. તારા ખરાબ હાલ કરીશ. હું તારો બોયફ્રેન્ડ છું. તેમ જણાવી અપશબ્દ લખ્યાં હતાં.
યુવતી પરત પિયર આવી ગઈ
આ અંગે યુવતીએ તેના ભાઇને જાણ કરતાં તેણે જે આઈડીથી મેસેજ આવ્યાં હતા તે મેસેજ અંગે પુછપરછ કરી હતી. પરંતુ સામેની વ્યક્તિએ ફરી અપશબ્દ લખી મેસેજ કર્યાં હતાં. આથી, આ આઈડીને યુવતીએ બ્લોક કરી દીધું હતું. બાદમાં અન્ય આઈડી પરથી બિભત્સ લખાણ આવ્યું હતું. આ આઈડી પણ યુવતીએ બ્લોક કરી દીધું હતું. આ ઘટનાને યુવતી ભુલી ગઇ હતી અને 26મી નવેમ્બર,21ના રોજ તેના લગ્ન યુવક સાથે ધામધૂમથી થયાં હતાં. જોકે, લગ્નના થોડા દિવસ બાદ યુવતી પરત પિયર આવી ગઈ હતી અને તેણે પરિવારને જાણ કરી કે, તેના પતિને બીજે પ્રેમલગ્ન કરવા હતા. પરંતુ તેના પરિવારે જબરજસ્તી મારી સાથે લગ્ન કરાવ્યાં છે.
​​​​​​​​​​​​​​પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો
જોકે, યુવતી પિયર હતી. આ ગાળામાં યુવકે સમાજના કેટલાક માણસો સામે યુવતીની બદનામી કરી હતી અને યુવક સાથે સંબંધ હોવાનું જણાવ્યું હતું. આથી, પતિને આ આઈડીની કેવી રીતે ખબર પડી ? તે બાબતે શંકા ઉપજતાં તપાસ કરવામાં આવી હતી. જેમાં આ આઇડી તેના પતિએ જ બનાવ્યું હોવાનું ખુલ્યું હતું. યુવકે બનાવટી આઈડી બનાવી તેની જ પત્નીને લગ્ન પહેલા અભદ્ર ભાષા વાપરી બિભત્સ લખાણ લખતો હતો અને સમાજમાં અન્ય છોકરાઓ સાથે સંબંધ રાખતી હોવાની વાતો ફેલાવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...