પેટલાદ પાલિકાના કલાર્કના પત્નીએ ઘર પાસે પાણી રેડ્યું હતું. જેના કારણે નજીકની દુકાનના વેપારીએ ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં વેપારીએ કલાર્કને માથામાં પાઇપ મારી દેતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઝઘડો વધારે ઉગ્ર બન્યો હતો. જેમાં પોલીસે બન્ને પક્ષ સામે ગુનો નોંધ્યો હતો.
પેટલાદના સ્ટેશન રોડ પર અગ્રવાલની બાજુમાં દુર્ગા સોઇલની દુકાન પર રહેતા ફાલ્ગુનીબહેન નીતિનભાઈ પટેલ 14મી માર્ચના રોજ ઘરેથી શાકભાજી લેવા નીચે ઉતર્યાં હતાં. આ સમયે દુર્ગા સોઇલના દુકાનદાર યોગેશ ત્રિભોવનદાસ સુપેડાએ તેમને રોકી તું દુકાનના આગળના ભાગે પાણી કેમ રેડે છે ? તેમ કહી ઝઘડો કરવા લાગ્યો હતો. આ ઝઘડામાં કોઇએ ફાલ્ગુનીબહેનના પતિ નીતિનભાઈ પટેલ કે જેઓ પેટલાદ નગરપાલિકામાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમને જાણ કરતાં તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. જેમાં ઝઘડો વધુ ઉગ્ર બની જતાં યોગેશ દુકાનમાંથી લોખંડની પાઇપ લઇ ધસી આવ્યો હતો અને નિતીન પટેલને માથામાં મારી દેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. આથી, તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે ફાલ્ગુનીબહેનની ફરિયાદ આધારે પેટલાદ શહેર પોલીસે યોગેશ ત્રિભોવનદાસ સુપેડા (રહે. કૃષ્ણનગર સોસાયટી, પેટલાદ) સામે ગુનો નોંધ્યો હતો.
સામાપક્ષે યોગેશ સુપેડાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દુકાન ઉપર રહેતા ફાલ્ગુનીબહેને દુકાનના ઓટલા પર પાણી રેડ્યું હતું. આ અંગે ઠપકો કરતાં ફાલ્ગુનીબહેન ઉશ્કેરાઇ ગયા હતા અને બીજી એક ડોલ પાણી ભરી દુકાનની અંદર નાંખ્યું હતું. આ ઉપરાંત તેનો પતિ નિતિન પટેલ પણ ઉપરાણું લઇ આવી જતાં બન્નેએ ઝઘડો કરી હુમલો કર્યો હતો અને મારમાર્યો હતો. આ અંગે પેટલાદ શહેર પોલીસે ફાલ્ગુનીબહેન પટેલ અને નિતીન વિષ્ણુ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.