હોસ્પિટલની દાદાગીરી:પેટલાદ : હોસ્પિટલનું બિલ ભરો પછી એડમિટ થયેલું બાળક મળશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભયમ દ્વારા બિલની આંશિક રકમ ભરાવી મામલો થાળે પાડ્યો

પેટલાદની એક જાણીતી હોસ્પિટલ દ્વારા ગરીબ મહિલાએ હોસ્પિટલનું બિલ ન ચૂકવતાં બિલ ભરો પછી જ તમને તમારૂં દાખલ બાળક મળશે તેમ કહી દેતાં લાચાર મહિલાએ અભયમની મદદ માંગી હતી. જોકે, અભયમ દ્વારા મહિલાને સમજાવી હતી અને આંશિક બિલની રકમ ચૂકવી હતી. બાદમાં તેમને બાળક સોંપવામાં આવ્યું હતું. આ અંગે વાત કરતા અભયમના કાઉન્સિલર કૈલાશબેને જણાવ્યું હતું કે, મહિલાએ અભયમને ફોન કરી તેમનું બાળક હોસ્પિટલના સત્તાવાળા આપતા ન હોવાની જાણ કરતાં જ અમે પેટલાદ તાલુકાના એક ગામની હોસ્પિટલમાં તુરંત જ પહોંચી ગયા હતા.

દરમિયાન, અમને જાણવા મળ્યું હતું કે, મહિલા ગર્ભવતી હોય, તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. દરમિયાન, તેણીને નોર્મલ ડિલીવરી થઈ હતી. પરંતુ બાળકની સ્થિતિ ગંભીર હોય તેને બાળકોની હોસ્પિટલમાં દાખલ કરવું જરૂરી હતું. જેને પગલે એક તબીબના રેફરન્સથી તેણીને તુરંત જ બાળકોની જાણીતી હોસ્પિટલમાં દાખલ કરાયંુ હતું. દરમિયાન, બાળકને સારૂં થઈ જતાં તેને રજા આપવામાં આવી હતી. પરંતુ મહિલાએ એ સમયે પોતાની પાસે પૈસા ન હોવાનું કહ્યું હતું. જેને પગલે હોસ્પિટલના સત્તાવાળાઓએ જ્યાં સુધી હોસ્પિટલનું બિલ ન ભરો ત્યાં સુધી બાળક મળશે નહીં તેમ કહ્યું હતું.

મહિલાએ આજીજી કરીને પોતે મજૂરી કામ કરે છે આટલા પૈસા ન હોવાનું કહ્યું હતું. નોંધનીય છે કે, હોસ્પિટલનું બિલ રૂપિયા 30 હજાર હતું પરંતુ તબીબે અભયમ ટીમને જણાવ્યું હતું કે, તેમણે 10 હજાર ઓછું કરી દીધું હતું. જોકે, આમ છતાં તેણી પૈસા ભરવા તૈયાર નહોતા. દરમિયાન, અભયમ ટીમે મહિલાનંુ કાઉન્સેલિંગ કરી, મહિલાને તથા તેની માતાને સમજાવ્યા બાદ તેઓ ઉછીના પૈસા સંબંધીઓ પાસેથી લઈ પૈસા ભરવા તૈયાર થયા હતા. આખરે તેમણે 15 હજાર ભર્યા હતા. જેને પગલે હોસ્પિટલે તેમનું બાળક પરત આપ્યું હતું. અને બાકીના રૂપિયા પાંચ હજાર બીજા દિવસે સવારે આપતાં મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...