ભાસ્કર વિશેષ:પિયરીયાઓએ યુવતીને પટાવી ઘરે લઈ જઈ નજરકેદ કરી

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમલગ્ન કરનાર યુવતીએ અભયમને ફરિયાદ કરતાં તેને મુક્ત કરાવી પતિને સોંપવામાં આવી હતી
  • બોરસદના એક ગામમાં આંતરજ્ઞાતિય લગ્ન કરનારી યુવતીને પરિવારજનોની જ નફરતનો સામનો કરવો પડ્યો

પ્રેમને જ્ઞાતિના કોઈ વાડા હોતા નથી. પરંતુ ભારતીય સમાજમાં આજે પણ જ્ઞાતિમાં જ લગ્ન કરવાનો રિવાજ-પ્રથા અકબંધ છે. શિક્ષણનો વ્યાપ ગમે તેટલો વધે છતાં પણ જ્ઞાતિમાં લગ્ન કરવું એ જ માનસિકતા રહી છે. અને તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં તો આ બાબત એટલી જડબેસલાક છે કે 21મી સદીમાં પણ હજુ સુધી તેને સુધારી શકાઈ નથી. તાજેતરમાં જ બોરસદના એક ગામમાં આંતરજ્ઞાિતય લગ્ન કરનારી યુવતીને લગ્નના એક વર્ષ પછી પણ પરિવારની માનસિકતા અને નફરતનો સામનો કરવો પડ્યો છે.

સમગ્ર ઘટનાની હકીકત કંઈક એવી છે કે, બોરસદના એક ગામમાં રહેતી 25 વર્ષીય યુવતીને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જોકે, બંને એક જ ધર્મના હોય, પણ જ્ઞાતિ અલગ હોય તેમનો પ્રેમ સમાજ અને પરિવારજનો સ્વીકારશે નહીં તેમ માનીને બંને જણાંએ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. દરમિયાન, લગ્ન કર્યા બાદ યુવક અને યુવતી બંને તેમના ઘરે જ રહેતા હતા. એ પછી બંને જણાંએ તેમના ઘરે વાત કરતાં જ બંનેના પરિવારજનો તેમના પર ભડકી ઉઠ્યા હતા. સાથે જ રહેવું અને સાથે જ મરવું એવા કોલ દઈ બેઠેલાં પ્રેમી પંખીડાઓ આખરે તેમના ઘર છોડી એકલાં રહેવા લાગ્યા હતા.

બાદમાં યુવકના પરિવારજનોની સમજાવટથી તેઓ યુવકના ઘરે રહેવા લાગ્યા હતા. આખરે યુવતીને તેની સાસરીમાં સુખ હતું. સાસુ-સસરા સહિતના સાસરીયાઓ તેને સારી રીતે રાખતા હતા. દરમિયાન, તેણીએ થોડાં સમય બાદ તેના પિયરીયાઓનો સંપર્ક કર્યો હતો. પિયરીયાઓએ પણ જાણે બધું ભૂલી ગયા હોય તેમ પુત્રીને આવકારી હતી. અને તેની સાસરીમાં તેને મળવા માટે ગયા હતા. એ સમયે યુવતીને શરદી-ઉધરસ હોય જાણે પુત્રી માટે અપાર પ્રેમ હોય તેઓ તેને પિયરમાં લઈ જવાનું જણાવ્યું હતું.

એ પછી તેને પિયરમાં લાવ્યા બાદ તેને ઘરમાં જ નજરકેદ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના બાબતે વાત કરતાં અભયમના કાઉન્સિલરે જણાવ્યું હતું કે, લગ્નના એક વર્ષ પછી યુવતીનું બ્રેઈન વોશ કરી રહ્યા હતા. તેઓ તેને હાલમાં પરણેલા યુવક કરતાં પણ વધુ સારો દેખાવડો અને સારૂં કમાઈ શકતો યુવક તેને મળી શકશે તેમ કહેતા હતા. તેને બહાર જવા પર મનાઈ ફરમાવી દેવાઈ હતી.

આખરે, યુવતીએ આ સમય દરમિયાન અભયમનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે સ્થળ પર પહોંચીને સમગ્ર ઘટના જાણ્યા બાદ યુવતીના પિયરીઓને કાયદાકીય સમજ આપી હતી અને તે પુખ્ત હોય તેની મરજી પ્રમાણે લગ્ન કરવા સમજાવ્યા હતા. આખરે, તેઓ સંમત થતાં તેણીને તેની સાસરીમાં મોકલવા રાજી થયા હતા. આખરે અભયમની ટીમે યુવતીને તેના પતિને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...