અકસ્માત:આંકલાવના આસોદર નજીક વાસદ ઓવરબ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત

આણંદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંકલાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આણંદ જિલ્લામાં પ્રતિદિન અકસ્માતથી થતા મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. ક્યારેક વાહન ચાલકોની ગફલત ભરી ડ્રાઈવિંગને લઈ સર્જતાં અકસ્માતોના અટકાવ માટે સરકાર અને સામાજિક સંસ્થાઓએ સુચારુ પહેલ કરવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય તેમ જણાઈ રહ્યું છે. આંકલાવ તાબેના આસોદર ગામ પાસેથી પસાર થતાં વાસદ તરફ જતાં ઓવરબ્રીજ પર પુરપાટ ઝડપે જતાં અજાણ્યા વાહને રાહદારીને ટક્કર મારતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે આંકલાવ પોલીસે ગુનો નોંધ્યો હતો.

આસોદર ગામના ઉંડુ ફળીયું ખાતે રહેતાં સરપંચ મનુભાઈ મેલાભાઈ પઢીયાર 23મી નવેમ્બરની સાંજના સાતેક વાગ્યાની સુમારે આસોદર ઓવરબ્રીજ તરફથી કંથારીયા તરફ સામાજીક કામે જતાં હતાં, તે વખતે ઓવરબ્રીજના વાસદ તરફ જવાના રોડના છેડા નજીક અકસ્માત થયો હોવાથી માણસોનું ટોળું જોયું હતું. આથી, તેઓ તે જગ્યાએ જઇ જોયું તો એક અજાણ્યા પુરૂષની લાશ જોવા મળી હતી. આ વ્યક્તિએ જાંબલી કલરનું પટ્ટાવાળું શર્ટ તથા કોફી કલરું પેન્ટ પહેર્યું હતું. તેના જમણા હાથ ઉપર અંગ્રેજીમાં એચ કોતરાવેલું હતું.

મહત્વનું છે કે, આ મૃતકની ઓળખ જાણવા મળી નહતી. આ યુવકને અજાણ્યા વાહને ટક્કર મારતાં મોત નિપજ્યું હોવાનું જણાયું હતું. આ અંગે આંકલાવ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...