વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે વડોદરા ખાતેના તેમના કાર્યક્રમમાં આણંદ જિલ્લામાંથી 120 જેટલી એસટીબસો ફાળવવામાં આવી હતી. જેમાં પેટલાદ એસ. ટી. ડેપોની 60 બસો ફાળવાતા શહેરના એસ. ટી. બસ સ્ટેન્ડે દેકારો બોલી ગયો છે. જિલ્લામાં 110 રૂટો કેન્સલ કરવામાં આવતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના નડીઆદ ડિવિઝનના પેટલાદ એસ. ટી. ડેપો દ્વારા વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બસો મોકલી દેતા પેસેન્જરોમાં દેકારો મચી ગયો છે.
એકસપ્રેસ અને લોકલ બંને રૂટો બંધ કરી નાખતા મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા છે ત્યારે સરકારી તંત્ર દ્વારા બસો ફાળવી દેવાતા અનેક મુસાફરો આકરા તાપમાં પણ બસની રાહ જોવા મજબુર બન્યા હતા.આકરા તાપમાં પોતાના વતન કે કામ-ધંધાની જગ્યાએ જવા માંગતા લોકોને એસ.ટી. સ્ટેન્ડે પહોંચ્યા બાદ રૂટો બંધ છે ની ખબર પડતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
એસ. ટી. બસો રદ થતા મુસાફરો કફોડી હાલતમાં મૂકાયા છે. પેટલાદ એસ. ટી. તંત્ર દ્વારા પેટલાદથી જતી અનેક બસોના રૂટો બંધ કરાયા હતા. આમ, મુસાફરો માટે વ્યવસ્થા ન થતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે ઉપરાંત એસ. ટી. બસો ફાળવવામાં આવતા અપડાઉન કરતા રોજિંદા મુસાફરો રઝળી જતાં હેરાન પરેશાન થઈ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.