આણંદ રેલવે સ્ટેશન નજીકથી 8મી ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે પસાર થઈ રહેલી ટ્રેનમાંથી મુસાફરના રોકડ અને દાગીના મળી કુલ રૂ.94 હજારની મત્તા ચોરી કરી એક શખ્સ નાસી ગયો હતો. આ અંગે મુસાફરને ફરિયાદ કરવા અમદાવાદ, વડોદરા અને આણંદ સુધી ધક્કા ખાવા પડ્યાં હતાં.
અમદાવાદના હાથીજણ ખાતે રહેતા આશુતોષ અનિલભાઈ દુબે 7મી ફેબ્રુઆરીના રોજ વારાણસીથી અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસમાં પરિવાર સાથે નિકળ્યાં હતાં. તેઓ પરિવાર સાથે તેમની સીટ પર ઉંઘી ગયાં હતાં, મોડી રાત્રે ઉઠીને તેઓ બાથરૂમ ગયા હતા, બાદમાં આવીને જોતા સામાનમાંથી પર્પલ કલરની બેગ ગાયબ હતી. આથી, આસપાસમાં જોતા કોઇ મળી આવ્યું નહતું.
આ બેગમાં દાગીના, રોકડ સહિત કુલ રૂ.94 હજારનો મુદ્દામાલ હતો. આખરે બેગ ચોરી થયાનું જણાતા આશુતોષભાઈએ તુરંત ટીટીઇને જાણ કરતાં પોલીસ ફરિયાદ કરવાનું સુચન કર્યું હતું. બાદમાં 139 પર જાણ કરતાં અમદાવાદ ખાતે આરપીએફના જવાનો આવ્યાં હતાં અને ચોરીની વિગતો મેળવી સહી લીધી હતી. પરંતુ કોઈ કોપી આપી નહતી. જોકે, આરપીએફ દ્વારા આ અંગે ફરિયાદ કરવા જીઆરપીએફમાં મોકલ્યાં હતાં. જ્યાં ફરિયાદ લખાવતા સમયે અચાનક છાયાપુરી રેલવે સ્ટેશને તપાસ કર્યા બાદ ફરિયાદ કરવા સલાહ આપી હતી.
આશુતોષ ફરી વડોદરા છાયાપુરી રેલવે સ્ટેશને પહોંચ્યાં હતાં. અહીં પોલીસ જવાન નરસિંહભાઈએ હકિકત સાંભળ્યા બાદ છાયાપુરી રેલવે સ્ટેશનમાં કોઇ કેમેરાની સુવિધા ન હોવાનું કહ્યું હતું. આખરે તેઓ ફરિયાદ આપવા વડોદરા રેલવે પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં. જ્યાં ફરિયાદ લીધા બાદ વધુ તપાસ અર્થે આણંદ રેલવે પોલીસ તરફ મોકલી આપી હતી. જેના પગલે આણંદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આશુતોષ દુબેના દાગીના અને રોકડ ભરેલી બેગ ચોરી સંદર્ભે તેઓએ રેલવે પોલીસમાં ફરિયાદ આપી હતી. જેમાં તેઓએ સાથે મુસાફરી કરતા એક શખ્સ પર શંકા વ્યક્ત કરી હતી. આ શખસ છાયાપુરી રેલવે સ્ટેશને ઉતરી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.