આણંદના ગુરૂકૂળમાં હોબાળો:સિનિયર બાળકો જૂનિયરને મારમારતા હોવાનો આક્ષેપ થતાં વાલીઓ રોષે ભરાયા, આચાર્યએ આક્ષેપો નકાર્યા

આણંદએક મહિનો પહેલા
  • 27 જેટલા વિદ્યાર્થીના પ્રવેશ રદ કરી વાલીઓ બાળકોને પરત લઈ ગયાં
  • વિદ્યાર્થીઓની ફરિયાદને પગલે વાલીઓએ ચિંતિત બની ગુરૂકૂળ પહોંચ્યા હતા

આણંદ શહેરના બાકરોલ-વડતાલ રોડ પર આવેલી સ્વામિનારાયણ ગુરૂકુળ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આજે સવારે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ ગુરૂકૂળમાં પખવાડિયા પહેલા જ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓએ ભોજન, રહેવા સહિતના મામલે વાલીઓને ફરિયાદ કરી હતી. જેથી ચિંતિત વાલીઓ ગુરૂકૂળ પર પહોંચી ગયાં હતાં.

જોકે, શરૂઆતમાં ગુરૂકુળનો મુખ્ય દરવાજો બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ વાલીઓનો મિજાજ પારખી ગયેલા ગુરૂકૂળના સંચાલકોએ અંતે ગેટ ખોલ્યો હતો. વાલીઓએ સ્વામિ સહિત પ્રિન્સીપાલ સમક્ષ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક સમયે વાતાવરણ એટલું ગરમ થઇ ગયું હતું કે પોલીસને બોલાવવી પડી હતી.

સમગ્ર ઘટનાથી હચમચી ગયેલા કેટલાંય બાળકો અને તેમની માતાઓ સ્કૂલ સંકુલમાં જ રડી પડ્યાં હતાં. ગુરુકુળમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ એકસૂરમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગુરુકુળમાં 12-12 કલાક સુધી પૂજા કરાવાય છે. પૂજામાં જો કોઈ ભૂલ થઈ જાય તો વિદ્યાર્થીઓને મારવામાં આવે છે. નિયમોનું પાલન ન કરે તો સંતો પણ મારે છે. નિયમ મુજબ કોઈ બાળક હાથ પાછળ રાખવાનું ભૂલી જાય તો હોસ્ટેલના રેક્ટર અને શિક્ષક સ્ટીલના રોડથી મારે છે.

એક બાળકને ગાલ પર રોડ મારતાં આંખ નીચે ઇજા પહોંચી હતી. એક બાળકને પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી, તેને દોઢ કલાક સુધી તાપમાં ઊભો રાખ્યો હતો. બીજી બાજુ સિનિયર વિદ્યાર્થીઓ નાનાં બાળકો સાથે રેગિંગ કરતાં હોવાની પણ અનેક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે. જમવામાં જીવડાં પડ્યાં હોય અને ફરિયાદ કરાય તો તે ખાવા માટે દબાણ કરાય છે. કેટલાંક વિદ્યાર્થીઓએ વાલીઓને માર માર્યાનો વીડિયો મોકલી આપતાં વાલીઓ ગુરુકુળ પહોંચી ગયાં હતાં.

સિનિયર વિદ્યાર્થીઓ જૂનિયર વિદ્યાર્થીઓને હેરાન કરે છે
આ શાળાના વિદ્યાર્થીઓનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે, અહિ જમવાનું સારૂ આપવામાં આવતું નથી. ભોજનમાં કીડા હોય છે. તેમજ સાફ-સફાઈ પણ કરવામાં આવતી હતી. સિનિયર વિદ્યાર્થીઓ જૂનિયર વિદ્યાર્થીઓને લોખંડની પટ્ટીથી માર મારે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યાં છે. તેમજ અન્ય રીતે પણ વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમારે અહિં રહેવું જ નથી. જેને લઈ અનેક વાલીઓએ પોતાના વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા હતા.

નાના બાળકો પાસે શૌચાલયો સાફ કરાવાઈ છેઃ વાલી
આ અંગે વાલીઓએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ગુરુકુળમાં બાળકોને નિયમિત અને યોગ્ય માત્રામાં ભોજન આપવામાં આવતું નથી. સિનિયર બાળકો નાના બાળકો સાથે મનફાવે તેવું વર્તન કરે છે. એટલે સુધી કે તેમની જાતિય સતામણી પણ કરવામાં આવે છે. સૌથી ગંભીર બાબત એ છે કે, વોર્ડન દ્વારા વિદ્યાર્થીને બેફામ માર મારવામાં આવતો હતો. રૂમમાં સફાઇ કરવામાં આવતી હોય તેવું દેખાતું નથી. નાના બાળકોને શૌચાલયો પણ સાફ કરવા મજબૂર કરવામાં આવતાં હતાં. આથી, ના છુટકે પ્રવેશ રદ કરાવી રહ્યાં છે. 27 જેટલા વિદ્યાર્થીના પ્રવેશ રદ કરી વાલીઓ બાળકોને ઘરે પરત લઇ ગયાં હતા.

બાળકોને અહીં ગમતું નથી તેથી બહાના બતાવી રહ્યા છેઃ આચાર્ય
આ અંગે પ્રિન્સીપાલે સ્પષ્ટતા કરી હતી કે, કોરોના કાળમાં વિદ્યાર્થીઓ બે વર્ષ ઘરે રહ્યાં હતાં. આ દરમિયાન માતા-પિતાના અનેક લાડ મળ્યાં છે. બાળકોને મોડા ઉઠવાથી લઇ અનેક પ્રવૃત્તિમાં વાલીઓ જતું કર્યું છે. હાલ ગુરુકૂળમાં દરેક નિયમનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. જેથી બાળકોને અહીં ગમતું નથી. તેઓ અહીં ન રહેવા માટે અલગ-અલગ બહાના બતાવી રહ્યાં છે.

નંદન પટેલ, આચાર્ય
નંદન પટેલ, આચાર્ય

અમદાવાદના જયેશ પટેલે જણાવ્યું હતું કે, મારો પુત્ર પણ ગુરૂકુળમાં અભ્યાસ કરે છે. અહીં બધુ જ સરસ છે. બાળકોએ કોરોનામાં આરામપ્રિય જીવનશૈલી જીવી છે. ભોજન જલ્દીથી બાળકોને ફાવતું નથી. સંબંધીના ઘરે પણ ઘણી વખત સેટ નથી થવાતું. આ ગુરુકૂળ છે, અહીં શુદ્ધ અને સાત્વીક ભોજન મળે છે. અમે પણ પાંચથી છ વખત જમીને ગયાં છીએ. વાલીઓએ જ સમજાવટથી બાળકોના ભવિષ્ય માટે બાળકોને ટેવ પાડવી જોઈએ. ગુરુકુળ જેવી સંસ્થાઓ વારે ઘડીએ નિર્માણ નથી થતી.

પ્રતિક્રિયા : વિદ્યાર્થીઓને માર મારનારા શિક્ષકોને વાલીઓએ મેથીપાક ચખાડ્યો, કેટલાંકે એડમિશન રદ કરાવ્યાં

કોઈને માર્યા નથી, સારું ભોજન અપાય છે
કોઈ વિદ્યાર્થીને મારવામાં આવતો નથી. સારું ભોજન અપાય છે. વિદ્યાર્થીઓની નાસમજના લીધે પ્રોબ્લેમ ઊભા થાય છે, જે અમારા પર ઢોળાય છે. - સંત આત્મસ્વરૂપદાસ સ્વામી, ગુરુકુળ

પ્રાઇવેટ પાર્ટ સાથે અડપલાં કરાય છે
ધો.10ના વિદ્યાર્થીઓ બાળકોને ગુપ્ત ભાગે હાથ મૂકતા હોવાની ફરિયાદ મારા બાળકે કરી. વોર્ડન મારી હાજરીમાં ધમકાવે છે.ફી પાછી આપો, જેથી બીજી સ્કૂલમાં જઈ શકીએ. - ઝંખનાબેન, વાલી

ખરાબ બિસ્કિટ અપતાં ચક્કર આવ્યા
મારા બાળકને એક્સપાયર ડેટના બિસ્કિટ નાસ્તામાં અપાયાં હતાં, જેથી તેને ચક્કર આવ્યા હતા. આથી મેં મારા બાળકને ઉઠાવી લેવાનો નિર્ણય લીધો હતો. - ભારતીબેન પટેલ, વાલી

એક જ રૂમમાં 20 બાળકને રખાય છે
એડમિશન વખતે સંચાલકોએ એક રૂમમાં 8 બાળક રાખીએ છીએ એમ કહ્યું હતું, પણ એક રૂમમાં 20 બાળકોને રખાય છે. હવે બાળકોને અહીં ભણાવવા નથી. - ઉમેશ શર્મા, વાલી, ઇન્દોર

અન્ય સમાચારો પણ છે...