તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:તારાપુરના વરસડા પાસે ઓક્સિજન ભરેલી ટેન્કર પલ્ટી મારી, વડોદરા હોસ્પિટલમાં પહોંચાડવાનો 12.5 ટન ઓક્સિજન વેડફાયો

આણંદ3 મહિનો પહેલા
  • અલંગથી ટેન્કર લઇ નીકળેલા ચાલકે વરસડા પાસે કાવો મારતાં ગાડી પલટી ગઈ, એકનું મોત

ભાવનગરના અલંગથી 12.5 ટન ઓક્સિજન ભરી નીકળેલ ટેન્કર પુરપાટ ઝડપે તારાપુરના વરસડા પાસેથી પસાર થતી હતી. જે દરમ્યાન ડ્રાઈવરે ગાડીને કાઉ મારતા જ ટેન્કર રસ્તા નીચે ફસડાઈ પડતા પલટી મારી ગયું હતું. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીને પહોંચાડવાનો આ જથ્થો તેમના સુધી પહોંચે તે પહેલા ચાલકની બેદરકારીના કારણે ગાડી પલટી મારતા ટેન્ક લીકેજ થઈ ગઈ હતી.

તંત્રે કોઇ ગંભીરતા ન દાખવતા ઓક્સિજન વેડફાયો

જેને લઈ ટેન્કનો તમામ ઓક્સિજન જથ્થો લીકેજ થતાં હવામાં ભળી ગયો હતો. જોકે, આ ઘટનામાં ચાલકનું મોત નિપજ્યું હતું. જેની સામે તારાપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ ઘટનામાં બાદ ટેન્કર ઓક્સિજન લીકેજ રોકવા અથવા તેને ટ્રાન્સફર કરવા તારાપુર પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રે પણ કોઇ ગંભીરતા ન દાખવતા ઓક્સિજન વેડફાયો હોવાના લોક આક્રોશ વહી રહ્યો છે.

વડોદરાની ખાનગી હોસ્પિટલના દર્દીઓ માટે ભાવનગરના અલંગથી શ્રીરામ ઓક્સિ ગેસ કંપનીમાંથી 12.5 ટન ઓક્સિજન મંગાવવામાં આવ્યો હતો. આ ઓક્સિજનનો જથ્થો ટ્રાન્સપોર્ટ કંપનીના ટેન્કર નં.જીજે 5 બીટી 6217માં અલંગથી વડોદરા જવા 7મી મેના એકાદ વાગ્યાના સમયે નીકળ્યું હતું. આ ટેન્કરમાં ચાલક તરીકે અશોકભાઈ ચીથરભાઈ શિયાળ હતા. જ્યારે ક્લીનર તરીકે પોપટભાઈ મોહનભાઈ રામોસા હતાં. દરમિયાનમાં સાડા ચારેક વાગ્યાના સમયે વરસડા પાટીયાનો બ્રીજ વટાવી તારાપુર તરફ જતા અશોકભાઈ શીયાળ અચાનક ટેન્કરનું કાવુ મારતાં સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા ટેન્કર રોડની સાઈડમાં પલટી ખાઇ ગયું હતું.

આ અકસ્માતમાં અશોકભાઈ ટેન્કરની કેબીન નીચે દબાઇ જતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પોપટભાઈને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે ટેન્કરને ભારે નુકશાન થયું હતું અને ઓક્સિજન લીકેજ થયો હતો. કોઇ કશુ કરે તે પહેલા 12.5 ટન ઓક્સિજન હવામાં ઓગળી ગયો હતો. જેને પગલે વડોદરા હોસ્પિટલ દર્દીઓ માટે પહોંચાડવાનો જથ્થો વેડફાઇ ગયો હતો.

12.5 ટન ઓક્સિજનથી અનેક દર્દીના જીવન બચી શકે તેમ હતાં

ટેન્કર ચાલકની ઉતાવળ અને બેદરકારીના કારણે અકસ્માત સર્જાતાં 12.5 ટન ઓક્સિજન હવામાં ઓગળી ગયો છે. હાલ કોરોનાની સ્થિતિમાં અનેક દર્દીઓ માટે આ પ્રાણવાયુ જીવનદાન આપી શક્યો હોત. આ ઉપરાંત સ્થાનિક તંત્ર અને પોલીસની પણ એટલી જ બેદરકારી ચર્ચાનો વિષય બની છે. હાલ ઓક્સિજનની અછતમાં તંત્ર દ્વારા લીકેજ અટકાવી આ ઓક્સિજન હોસ્પિટલ સુધી પહોંચાડાઇ શકાયો હતો.

ચાલકની બેદરકારીથી અનેકના જીવ જોખમમાં મુકાયાં

હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં ઓક્સિજનની ભારે અછત છે. કરોડો લીટર લિક્વિડ મેડીકલ ઓક્સિજન રોજ લાખો દર્દીઓની જિંદગી બચાવે છે. વડોદરા જેવા વધુ સંક્રમણ ધરાવતા શહેરોમાં રોજે રોજની ગણતરી અને આયોજન મુજબ ઓક્સિજન જથ્થો મેળવતો હોય છે. હાલ પરિસ્થિતિમાં એક લીટર પણ ઓક્સિજન વેડફાટ થાય તો અફડા તફડી મચી જાય છે. આવા વિકટ સંજોગોમાં ડ્રાઈવરની નજીવી ભૂલે અને ઝડપી પહોંચવાના દબાણે વડોદરાના ખાનગી હોસ્પિટલના સંચાલકો અને જિલ્લા વહીવટ તંત્ર દોડભાગ મચાવી દીધી હતી.

તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા વરસડા ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજના સમયે પુરપાટ ઝડપે જતું ઓક્સિજન ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું હતું.આ ગમખ્વાર ઘટનામાં દબાઈ જવાથી ડ્રાયવરનું મોત થયું હતુ. જ્યારે ક્લીનરને ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. ટેન્કર રોડ થી ફસકી પડતા પટકાઈ પડતા ઓક્સિજન ટેન્ક લીકેજ થઈ અને તમામ લિકવિડ ઓક્સિજન નાશ પામ્યો હતો.આ ઓક્સિજન અનેક દર્દીઓની જીવાદોરી હોઈ તે નાશ પામતા સામાન્ય પ્રજામાં પણ ભારે સંવેદના સાથે નિરાશા વ્યાપી હતી.

મહત્વનું છે કે આ ઘટનામાં ડ્રાયવર ટેન્કરની નીચે દબાઈ જતાં તેને માથામાં, પેટ તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતુ. જ્યારે ક્લીનર પોપટભાઈને ડાબા પગે, ઘુંટણ, તેમજ માથામાં ઈજાઓ થતાં તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે

અન્ય સમાચારો પણ છે...