આણંદ નગરપાલિકા સામે આવેલા લક્ષ્ય ઈમ્પિરિયલ કોમ્પલેક્ષમાં સોમવારે સાંજે મયુર સેલ્સ નામની ફટાકડાની દુકાનમાં આગ લાગ્યા બાદ ઉપરના માળે આવેલા ફટાકડાના ગોડાઉન સહિત સમગ્ર કોમ્પલેક્ષમાં આગ પ્રસરી હતી. જેને પગલે કોમ્પલેક્ષ ઉપરાંત તેની બાજુમાં આવેલા ઈલેકટ્રોનિક શો રૂમનો સામાન પણ સળગીને ખાખ થઈ ગયો હતો. સમગ્ર બનાવમાં કોમ્પલેક્ષ વિવાદનું કેન્દ્ર બન્યું છે.
કારણ કે, ફટાકડાની દુકાન ધરાવતા માલિકે ફક્ત બે કાયમી પરવાનાની મંજૂરી લીધી હતી, અને છતાંયે તેણે ત્રીજા માળે આવેલા પેન્ટહાઉસમાં, કોમ્પલેક્ષની બાજુમાં આવેલા ખુલ્લા પેસેજમાં તથા પાછળના ભાગે ખૂબ જ મોટી માત્રામાં દારૂખાનાનો સ્ટોક કરી દીધો હતો. દુકાનના માલિકે અેવો દાવો કર્યો હતો કે તેની પાસે ગોડાઉનમાં દારૂખાનાનો સંગ્રહ કરવાનો પરવાનો છે.
પરંતુ ચીફ ફાયર અોફિસર અને સીટી મામલતદારે જણાવ્યું હતુ કે રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં દારૂખાનાનું ગોડાઉન બનાવવાની પરમિશન આપી જ ન શકાય.પરંતુ આશ્ચર્યની બાબત તો એ છે કે, આસપાસના રહીશો તો છોડો પરંતુ ખુદ પાલિકા પ્રુમખ અને પ્રાંત પણ ભરચક વિસ્તારમાં ગોડાઉન છે તે બાબતે અજાણ હતું.
આ કોમ્પલેક્ષમાં જી 5 દુકાનમાં કનૈયાલાલ ખટવાણી, એફ 6માં આવેલી દુકાનમાં મોહિત સુનિલકુમાર ખટવાણીના નામે એમ કુલ બે દુકાન માટે કાયમી દારૂખાના વેચાણ માટેની પરવાનગી આપી હતી. આણંદ પ્રાંત કચેરી દ્વારા આપવામાં આવેલા લાયસન્સમાં ફક્ત 900 કિલો લાયસન્સ વેચાણ માટે રાખી શકાશે તેવો પણ ઉલ્લેખ છે. શહેરમાં જ્યારે દારૂખાનું વેચવાનું હોય ત્યારે દારૂખાનું પરવાના મુજબ જ વેચી શકાય છે. પરંતુ મોટી માત્રામાં સંગ્રહ કરી શકાતો નથી.
ઘટનાનું કારણ કયું ? શોર્ટ સર્કિટ કે ગ્રાહકને કોઠી સળગાવીને બતાવી તે
એફએસએલની ટીમ દ્વારા મંગળવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સ્થળ તપાસ કરાઈ હતી. જોકે, કાટમાળ એટલો હતો કે આગ ક્યાંથી લાગી તે શોધવું જ એફએસએલની ટીમ માટે મુશ્કેલ હતું. આગ લાગી ત્યારથી લઈને શહેરીજનોમાં આગ કેવી રીતે લાગી તે વિષય ચર્ચાનો બન્યો છે. આગ શોર્ટ સર્કિટથી લાગી હોય તેવું માની શકાય તેમ નથી. કોઈ ગ્રાહકને કોઠી સળગાવીને બતાવવા જતાં આગ લાગી હતી તેવું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે. જો કે, દુકાનના માલિક સોનુ ખટવાણીઅે ગ્રાહકવાળી વાતનો ઈન્કાર કર્યો હતો.
દુકાન માલિકને નિવેદન માટે બોલાવાશે
ઘટના બાદ સ્થળ તપાસમાં ગોડાઉનમાંથી વિપુલ માત્રામાં સળગેલો દારૂખાનાનો જથ્થો મળી આવ્યો હતો. તપાસનીશ અેજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ 4થી 5 ટ્રેક્ટર ભરાય તેટલો કાટમાળ ઘટના સ્થળેથી નીકળે અેમ છે. આમ દારૂખાનાનો વિપુલ જથ્થો ભર્યો હતો. ટાઉન પીઆઈ યશવંતસિંહ ચૌહાણેે જણાવ્યુ હતુ કે, માત્ર પંચનામુ કર્યું છે આવતીકાલે માલિકને નિવેદન માટે બોલાવવામાં આવશે.
કોમ્પલેક્ષમાં ગોડાઉન છે તેની જાણ નથી
કોમ્પલેક્ષમાં મોહિત ખટવાણીએ તેમજ તેના અન્ય પરીવારજનોએ
ચાર દુકાનો ખરીદી છે. આણંદ પાલિકા દ્વારા ચાર દુકાનોની વેરા વસુલાત કરવામાં આવતી હોય છે. જોકે, આ જગ્યાએ ગોડાઉન છે તેની જાણ નથી. - રૂપલબેન પટેલ, પ્રમુખ, આણંદ નગરપાલિકા.
મને ખબર જ નથી કે અહીં ગોડાઉન છે
હું તો એવું માનતો હતો કે માત્ર ફટાકડાની દુકાન જ આવેલી છે. ગઈકાલે જ્યારે આગ લાગી અને જે રીતે હવાઈ અને ફટાકડા ફૂટતા હતા તે પછી ખબર પડી કે અહીં ગોડાઉન આવેલું છે. - અઝહર, કર્મચારી, સ્પાટન ઈલેક્ટ્રોનિક્સ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.