તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસના કામોની ધીમી ગતિ:પેટલાદમાં ઓવરબ્રિજનું કામ ખોરંભે , પ્રજા અને વાહનચાલકોને હાલાકી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર પ્રજા લક્ષી અને વિકાસના કામો શરૂ કરે છે પરંતુ તેમાં થતા વિલંબને કારણે પ્રજા હેરાન પરેશાન થઈ જાય છે
  • આ કામ ઝડપી અને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ

સરકાર 2022ની ચૂંટણીની તૈયારીઓમાં પડી ગઈ છે. જ્યારે વિકાસના કામો ખોરંભે ચઢી રહ્યા છે. શરૂ થયેલ વિકાસના કામોની ધીમી ગતિ સરકાર વિરોધી મત ઉભો કરી રહી છે. નડિયાદ-ખંભાત રોડ પર આવેલ પેટલાદ ફાટક પાસે છેલ્લાં પાંચેક વરસથી રેલ્વે ઓવરબ્રિજનું કામ ખોરંભે પડતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે સરકારી અતિથિગૃહ પાસેથી પસાર થતું રાજ્ય ધોરીમાર્ગની પણ ભારે અવદશા થવા પામી હોવા છતાં માર્ગ-મકાન વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં હોય તેમ દેખાઈ રહ્યું છે. આ કામ ઝડપી અને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉભી થઇ છે.

પેટલાદ મુકામે નડિયાદ ખંભાત રોડ પર આવેલ ફાટક પાસે ઓવર બ્રીજનું કામ આજથી પાંચેક વર્ષ પહેલા આરંભ કરાયો હતો. જે બ્રિજનું કામ મંથરગતિએ થયા બાદ એકાએક કામ બંધ થતાં રેલ્વે ઓવર બ્રિજનો રસ્તો પણ બંધ રખાતાં આજુબાજુની સોસાયટીઓના રહીશો તેમજ ખંભાત-નડિયાદ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોને પેટલાદ શહેરમાં થઈ જીઆઈડીસી બાયપાસ નીકળવું પડતું હતું.

બ્રિજનું કામ બંધ પડેલ હોવા છતાં ફાટકનો રસ્તો ખુલ્લો ન કરતાં શહેર નાગરિક સમિતિ સહિત વિવિધ સામાજિક સંગઠનોએ ભેગા મળી જન આક્રોશ રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમ છતાં ફાટક ખુલ્લી ન કરતાં રેલ રોકો આંદોલન પણ કરાયું હતું. જે લડત અને આંદોલનના કારણે ફાટકનો રસ્તો ખુલ્લો કરી દેવાયો હતો.

વહેલી તકે બંધ પડેલ ઓવર બ્રિજનું કામ ચાલું કરાશે તેવી હૈયાધારણા આપી હતી અને તે મુજબ પુનઃ ટેન્ટરો બહાર પાડી પેટલાદ રેલ્વે ઓવર બ્રિજનો કામ સોંપાયો હતો. આમ છતાં આજદિન સુધી માત્રને માત્ર ફાટકનો રસ્તો ખુલ્લો કરી તંત્ર નિષ્ક્રિય ભાસી રહયુ છે અને પ્રજામાં આંદોલન અગ્નિ પ્રજ્વલ્લિત થઈ રહયો છે. સરકાર પ્રજા લક્ષી અને વિકાસના કામો શરૂ કરે છે પરંતુ તેમાં થતા વિલંબને કારણે પ્રજા હેરાન પરેશાન થઈ જાય છે.

પેટલાદ બ્રિજના કામને પાંચ વર્ષ જેટલો સમય વિત્યો હોવા છતાં અધુરું કામ આજદિન સુધી પૂર્ણ ન કરાતાં પ્રજામાં સરકાર વિરોધી મત નિર્માણ થઈ રહ્યો છે. વળી આ બ્રિજનું બાંધકામ મટીરીયલ્સ નડીયાદ-ખંભાત રોડ પર ખડકી દેવાતા તે રસ્તાઓ પણ સાંકળા થઈ જવા પામ્યા છે. આ ઉપરાંત આણંદ જતાં વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીઓ વહોરવી પડે છે. જ્યારે સરકીટ હાઉસથી બાવળી જકાતનાકા તરફનો માર્ગ પણ તે જ સમયથી ટૂટેલ પુલ સમાન હોવા છતાં સરકારી તંત્ર વિભાગ દુર્લક્ષ સેવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...