આણંદ જિલ્લામાં ખેડૂતો બાગાયતી છૂટા ફૂલોની ખેતી તરફ વળી રહ્યા છે. સરકાર પણ ખેડૂતની આવક વધે તેમજ તેને પાકમાં ઓછા ભાવ મળે કે નુકશાની જાય તેવા સંજોગને ધ્યાને લઈ વિવિધ યોજનાઓ થકી ખેડૂતને સહાય આપે છે.ખેડૂતને પ્રોત્સાહન પણ આપે છે. આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ત્રીસ લાખથી વધુ સહાય બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને આપવામાં આવી છે.
આણંદ તાલુકાના રાહતલાવ ગામના ખેડૂત માનાભાઈ રોહિત તેમની 50 ગુંઠા જમીનમાં છેલ્લા 22 વર્ષથી પપૈયા, ટામેટા, તુવેર, તમાકુ વગેરે જેવા પાકોની ખેતી કરે છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ગલગોટાની ખેતી પણ કરે છે.ફૂલોની ખેતી અને વેચાણ અંગે માનાભાઈએ જણાવ્યું હતું કે, ફૂલોની ખેતી એ ઓછી માવજતથી થતો રોકડીયો પાક છે. વળી, ફૂલોના વેચાણમાં પણ તકલીફ પડતી નથી કારણ કે, વેપારીઓ સીધા ખેતર પરથી જ ફૂલોની ખરીદી કરીને લઈ જાય છે તેથી બહાર વેચવા પણ જવું પડતું નથી.જોકે આ વર્ષે થોડી વિકટ પરિસ્થિતિ હતી પરંતુ સરકારી સહાયનો લાભ મળતા મોટી નુકસાનીથી બચી જવાયું હતું.
યોજના વિશે વાત કરતા ખેડૂત માનાભાઈ રોહિતે જણાવ્યું હતું કે, મારા એક મિત્ર થકી બાગાયત વિભાગની આ યોજના અંગે જાણકારી મળતા મેં બાગાયત વિભાગની કચેરીએ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી, ત્યારબાદ મને કેન્દ્ર સરકાર તરફથી રૂ.7680 અને રાજ્ય સરકાર તરફથી રૂ.4,800 મળી કુલ રૂ.12,480 ની સહાય મળેલ છે. આ સહાય મળતા મને ખરેખર ખુબ રાહત થઈ હતી.વળી આ યોજના ઉપરાંત મને કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ષમાં ત્રણ વાર રૂ.2000 ના હપ્તા મળે છે, જેના થકી મને પાક વાવણી સમયે ખુબ ફાયદો થઈ રહ્યો છે. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મને અત્યાર સુધીમાં બાર હપ્તા મળ્યા છે. આ બધી સહાય આપવા બદલ હું સરકારનો ખૂબ આભાર માનું છું અને હું એટલું જ કહીશ કે સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતો માટે યોજનાઓ અમલમાં મુકીને સીધી બેંક ખાતામાં સહાય આપવામાં આવે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે.
ગલગોટાની ખેતી વિશે વાત કરતા માનાભાઈએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ત્રણ વર્ષથી ગલગોટાની ખેતી કરું છું, ગલગોટાના પાકને ઠંડુ વાતાવરણ જરૂરી હોવાથી ચોમાસા અને શિયાળા દરમિયાન ગલગોટાની તેમજ ઉનાળામાં બાજરીની ખેતી કરું છું. મેં ગયા ઓગસ્ટ મહિનામાં ગલગોટાની ખેતી કરી હતી, જેમાંથી મને ડિસેમ્બર-જાન્યુઆરીમાં અંદાજે 15હજાર કિલો ગલગોટાનું ઉત્પાદન મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન આણંદમાં ખાસ કરીને એન.આર.આઇ. લોકોના લગ્ન હોય છે જેમાં ફૂલોની સારી એવી માંગ હોય છે. પરંતુ આ વર્ષે ફૂલોનો પૂરતો ભાવ ના મળવાને કારણે હું ચિંતામાં હતો. કારણ કે ખેતી માટેના ખર્ચની સામે મને પૂરતું વળતર મળ્યું ન હતું. પરંતુ સરકારના બાગાયત વિભાગની છૂટા ફૂલો માટેની યોજના અંતર્ગત રૂ.12480ની સહાય મળતા ઘણી રાહત થઈ હતી.
નોંધનીય છે કે, બાગાયત વિભાગની છૂટા ફૂલોની ખેતી માટેની યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં વર્ષ 2021-22 દરમિયાન 121 ખેડૂતોને રૂ.10.27 લાખ અને વર્ષ 2022-23 દરમિયાન 172 ખેડૂતોને રૂ.20.06 લાખ મળી છેલ્લા બે વર્ષમાં 293 ખેડુતોને કુલ રૂ 30.33 લાખની સહાય ચૂકવાઇ છે. જે પૈકી અનુસૂચિત જાતિના બે ખેડૂતોને રૂ. 25,480ની સહાય ચૂકવાઇ છે. સરકારના બાગાયત વિભાગની છૂટા ફૂલોની ખેતી માટેની યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા હેક્ટર દીઠ વાવેતરના ખર્ચના 40 % મહત્તમ રૂ.16હજારની મર્યાદામાં તેમજ રાજ્ય સરકાર દ્વારા વાવેતરના ખર્ચના 25 ટકા રકમ સહાય પેટે આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.