• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Outrage In Goddess worshiping Community Over Detention Of Heroes Of Borsad Floods, Demand Suspension Of Two Police Personnel

આત્મસમ્માન માટે સંઘર્ષ:બોરસદ પુરસંકટના હીરોની અટકાયત બાબતે દેવીપૂજક સમાજમાં આક્રોશ, બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાની માંગ

આણંદ3 મહિનો પહેલા
આણંદ કલેકટરને આવેદન - Divya Bhaskar
આણંદ કલેકટરને આવેદન
  • બોરસદ પુરસંકટ પૂર્વે ગોરધનભાઇને 20 દિવસ પહેલા જ હાર્ટએટેક આવ્યો હતો
  • ગોરધનભાઇ તળપદાએ 120 વ્યક્તિ અને 164 બકરાંના જીવ બચાવ્યો

બોરસદમાં ગત સપ્તાહમાં જળસંકટ બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની સ્થળ મુલાકત સમયે દેવી પૂજક સમાજનાં ગોરધનભાઈ તળપદાની કારણ વગર અટકાયત કરાઈ હતી. જે બાબતના ઘેરા પ્રત્યાઘાતો ચરોતર દેવીપૂજક સમાજમાં પડ્યા છે. સમાજ આ ઘટનાને પોલીસની તાનશાહી અને દદાગીરીના સંદર્ભે મૂલવી રહી છે અને તે બાબતે બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે આંદોલન કરી રહ્યા છે.

આણંદ કલેકટરને આવેદનપત્ર આપ્યું
બોરસદ પોલીસની તાનાશાહી સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. વનતળાવ વિસ્તારમાં ગળાડૂબ પાણીમાં ફસાયેલા લોકોને જીવના જોખમે તરાપામાં બેસાડી સલામત સ્થળે સ્થળાંતર કરાવનાર વ્યક્તિને પૂર્વ ધંધા બાબતે અટકાયત કરી પોલીસ મથકમાં ગોંધી રાખવામાં આવેલ હતા તે બાબતે ચરોતર દેવીપૂજક સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. સેવાભાવી વ્યક્તિ સાથે પોલીસ દ્વારા ગેરવર્તુણક કરી જાતિવાચક શબ્દો બોલવા બાબતે તળપદા સમાજમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે. શુક્રવારે તળપદા સમાજનાં આગેવાનો દ્વારા આણંદ કલેકટરને આવેદનપત્ર આપીને વનતળાવ વિસ્તારમાં બેઠક યોજી પોલીસ સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

અપમાનની સામે પોલીસને યોગ્ય શિક્ષા કરાવવા સમાજ એકજુથ
​​​​​​​
બોરસદ શહેરના વનતળાવ વિસ્તારમાં વરસાદી પાણીથી તારાજી સર્જાઈ હતી અને લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયા હતા અને સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઇ ગયો તે સમયે સ્થાનિક ગોરધનભાઈએ 120 જેટલા પુર અસરગ્રસ્ત લોકોને અને 164 બકરાને જીવના જોખમે તરાપામાં બેસાડી બચાવ્યા હતા. તેઓની આ કામગીરીને લઇ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી દ્વારા તેઓની પીઠ થાબડી ગોરધનભાઈ સાથે ફોટો પડાવ્યો હતો. ત્યારે બીજા દિવસે રાજ્યના મહેસુલ મંત્રી આવનાર હોઈ પોલીસ દ્વારા ગોરધનભાઈને તેઓના કોઈ ગુના વગર વહેલી સવારે ઘરેથી ઉઠાવી લાવી પોલીસ મથકે ગોંધી રાખ્યા હતા. અને બે પોલીસ કર્મીઓ દ્વારા જાતિવાચક શબ્દો બોલી ગાળાગાળી કરવામાં આવી હતી. જેને લઇ સ્થાનિક સમાજના લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. આ ઉદ્દે ખેડા-આણંદ જિલ્લામાંથી સમાજના આગેવાનો અને લોકોએ એકત્ર થઈ ગોરધનભાઇના સમર્થનમાં આંદોલન કરવા અને અપમાનની સામે પોલીસને યોગ્ય શિક્ષા કરાવવા એકજુથ થતા મામલો ગરમાયો હતો.

પોલીસે દવા પણ ન લેવા દીધી
પોલીસ કાર્યવાહીને વખોડતા ગોરધનભાઇએ જણાવ્યું હતું કે, અત્રે બોરસદ પુરસંકટ પૂર્વે 20 દિવસ પહેલા જ હાર્ટએટેક આવ્યો હતો અને પોલીસ મને લેવા આવી ત્યારે મેં દવા પણ લીધી નહોતી. મારી પત્નિ પોલીસકર્મીઓને કરગરી હતી પરંતુ પોલીસકર્મીઓએ તે પણ નજરઅંદાજ કરી મને ગેરકાયદેસર ઉઠાવી ગયા હતા.

ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી
આ મુદ્દે બોરસદ તળપદા સમાજ અને બૃહદ ચરોતરના ના આગેવાનો દ્વારા આણંદ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. જેમાં ગોરધનભાઇને પકડી જનાર અને જાતિવાચક ગાળો બોલનાર બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. જો તેમ કરવામાં નહિ આવે તો ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે. જોકે કલેકટર દ્વારા આ મુદ્દે આગેવાનોને સેવાકાર્યથી વિસ્તારમાં ગોરધનભાઇ સાથેનો લોકવ્યવહાર આદરપૂર્ણ થયો હોઇ આ મુદ્દે ઘર્ષણ ન કરી સકારાત્મક વ્યવહાર રાખવા સલાહ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...