આક્ષેપ:સંદેશર પંચાયત હસ્તકની જમીન બેકરી માટે ભાડે આપી દેવાતા ગ્રામજનમાં રોષ

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ-તલાટીએ રૂા 500ના ભાડે આપી દેતા NRI દ્વારા જિ.પંચાયત અપીલ સમિતિમાં રજૂઆત કરાઇ

આણંદ તાલુકાનાં સંદેસર ગામનાં બસ સ્ટેન્ડ પાસે આવેલી અને પંચવટી બનાવવા ફાળવવામાં આવેલી જમીન સરપંચ અને તાલુકા પંચાયતના તત્કાલીન ઉપપ્રમુખની મિલી ભગતથી ઉપપ્રમુખનાં પિતાને બેકરી બનાવવા માટે ફાળવવામાં આવી હોવાનો આક્ષેપ ગામના જાગૃત એનઆરઆઈ દ્વારા કરવામાં આવ્યો છે.

સંદેશર ગામનાં બસ સ્ટેન્ડ પાસે આવેલી ગ્રામ પંચાયત હસ્તકની જગ્યા વર્ષ 2007માં ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરી પંચવટી બનાવવા માટે ફાળવવામાં આવી હતી,જેથી બાળકો તેમાં રમી શકે અને સિનિયર સિટીજન બેસી શકે પરંતુ ગ્રામ પંચાયતનાં સરપંચ અને તત્કાલીન તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ હિતુલ પટેલે ગ્રામ પંચાયત દ્વારા સક્ષમ અધિકારીઓની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય તા.17-08-2021નાં રોજ મળેલી સામાન્ય સભામાં આ જમીન અને પાણીની પરબવાળી જગ્યામાં મરામત કરી દુકાન બનાવી દુકાનમાં ગૃહ ઉદ્યોગ કરવા માટે ફાળવી દીધી હતી.તેમજ પરબમાં રીનોવેશન કરી દુકાન પાછળ કરેલો ખર્ચ જ્યાં સુધી વસુલ થાય નહીં ત્યાં સુધી માસિક 500 રૂપિયા ભાડું લેવું નહીં તેવો ઠરાવ પણ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

ગામના જાગૃત એનઆરઆઈ નાગરિક શશીકાંત વિઠ્ઠલભાઈ પટેલએ દુકાન માટે પરબ અને પંચવટીની જગ્યા આપતો ઠરાવ રદ કરવા માટે જિલ્લા પંચાયતની અપીલ સમિતિ સમક્ષ અપીલ કરી ઠરાવ રદ કરવા માંગ કરી છે.

સક્ષમ અધિકારીની મંજૂરી સિવાય જગ્યા ફાળવી દીધી
સંદેશર ગામનાં બસ સ્ટેન્ડની બાજુમાં ગામનાં દાતાઓ દ્વારા વટેમાર્ગુઓને પીવાનું પાણી મળી રહે તે માટે પરબ બનાવવામાં આવી હતી તેમજ 2007માં ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં આ જગ્યાએ પંચવટી બનાવવા માટે જગ્યા ફાળવતો ઠરાવ થયો હતો તેમ છતાં કૉંગ્રેસના તાત્કાલિન ઉપપ્રમુખ હિતુલ પટેલે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય તેમજ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતને જાણ કર્યા સિવાય ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી આ જગ્યા દિનેશભાઈ મહિજીભાઈ પટેલને બેકરી બનાવવા માટે ફાળવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...