રોષ:કાસોરના સ્મશાનમાં અગ્નિદાહ પર તાંત્રિક દ્વારા મરઘાના અંગો નંખાતા રહીશોમાં રોષ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંજય ભુવાજી નામના તાંત્રિકના કૃત્યથી અમંગળ વિધિ કરાતી હોવાની પણ ગ્રામજનોને શંકા

આણંદ પાસેના કસોર ગામના સ્મશાનમાં અગ્નિદાહ આપેલા શબ પર પાસેના એક ગામના પરા વિસ્તારમાં રહેતા એક તાંત્રિકે મૃત મરઘા અને તેના અંગો નાંખતા વિવાદનો મધપુડો છંછેડાયો છે. જોકે, સમગ્ર ઘટના હાલમાં ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. સંજય ભુવાજી નામના તાંત્રિકના કૃત્યથી અમંગળ વિધિની પણ શંકા હાલ ગ્રામજનોમાં સેવાઈ રહી છે. જોકે, સમગ્ર મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સરપંચ દ્વારા તાંત્રિકને બે હજારનો દંડ ફટકાર્યો છે.

આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કાસોર ગામમાં સ્મશાનમાં અગ્નિદાહ આપ્યા બાદ ગુરૂવારે ગ્રામજનો ઘરે પરત જઈ રહ્યા હતા. દરમિયાન, એ સમયે કાસોર ગામનો પરા વિસ્તારનો એક યુવક મરઘા અને તેના અંગો લઈને આવી ચડયો હતો. તેણે અગ્નિદાહ આપેલા શબ પર મરઘાં અને તેના અંગો નાંખ્યા હતા. જોકે, તે કંઈ કરે તે પહેલાં જ સ્થાનિક યુવકો તેને જોઈ ગયા હતા. અને તુરંત જ ત્યાં દોડી ગયા હતા અને શખસને રંગેહાથ પકડી પાડ્યો હતો.

તેના નામ-ઠામની પૂછપરછ કરતાં તે મૂળ હિંમતનગરનો રહેવાસી હોવાનું અને હાલમાં નજીકના પરાં વિસ્તારમાં રહેતો હોવાનું અને તેનું નામ સંજય ભુવાજી હોવાનું કબુલ્યું હતું. જોકે, ગ્રામજનોએ સમગ્ર મામલે તાંત્રિક િવધિની આશંકા સેવી હતી. દરમિયાન, સરપંચને હકીકત જણાવતાં તેને રૂપિયા બે હજારના દંડની પાવતી આપી હતી. જોકે, મોડી સાંજ સુધી તેણે દંડ ભર્યો નહોતો એમ પણ સરપંચના પતિએ જણાવ્યું હતું.

ફરી વખત ઘટના બનશે તો પોલીસને જાણ કરાશે
કાસોર ગ્રામ પંચાયતના સરપંચ કોકિલાબેનના પતિ પ્રવિણસિંહ પરમારે જણાવ્યું હતું કે, હાલમાં તેને દંડ ફટકાર્યો છે. દંડની રકમનો ઉપયોગ સ્મશાનના વિકાસ માટે કરાશે. હાલમાં તેને છોડી દેવાયો છે. પરંતુ જો તે પુન: આવી ભૂલ કરશે તો તેના િવરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...