બોરસદ તાલુકા હેલ્થ ઓફિસરની દાદાગીરી અને અભદ્ર ભાષા વર્ણતુંકને લઈ તાલુકાના આરોગ્ય કર્મીઓ ભારે આક્રોશ સાથે આંદોલિત થયા છે. એક મિટિંગ દરમિયાન બોરસદ તાલુકા હેલ્થ ઓફિસરે મહિલા કર્મચારીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરતાં ભારે હોબાળો મચ્યો હતો. આ અંગે રોષે ભરાયેલા મહિલા કર્મચારી રજૂઆત માટે પોતાનો ફરજકાળ પતાવી સાંજે 6 કલાકની આસપાસ જિલ્લા પંચાયત કચેરીએ આરોગ્ય અધિકારી અને ડીડીઓને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જે બાદ ડીએસપી કચેરી અને કલેકટર કચેરીએ પહોંચીને પણ તાલુકા હેલ્થ ઓફિસર વિરૂદ્ધ ઉગ્ર 100થી વધુ કર્મચારીઓએ ભેગા થઈ રજૂઆતો કરી હતી.
બોરસદમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કરની 26મી એપ્રિલના રોજ બેઠક યોજવામાં આવી હતી. જેમાં એફએચએસ સહિત કુલ 60 જેટલા મહિલા કર્મચારી હાજર રહ્યાં હતાં. આ મિટીંગમાં બોરસદના તાલુકા હેલ્થ ઓફિસર (દાવોલ)એ બપોરે 15 મિનિટનો બ્રેક આપ્યો હતો. આ દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસરએ તમામ બહેનો સમક્ષ તેમની સત્તાના જોરે ધાક - ધમકી આપી હતી અને અભદ્ર ભાષામાં બહેનો સાથે વાણી - વિલાસ અને એક અધિકારીને ન શોભે તેવું અયોગ્ય વર્તન કર્યું હતું.
આ ઉપરાંત સગર્ભા મહિલા કર્મચારીને મિટીંગ દરમિયાન છુટછાટ આપી નહતી અને મિટિંગમાં એક જ સ્થળે એકધાર્યું સળંગ બેસી રહેવા તેમજ નાના બાળકોને ઘરે મુકીને આવેલા મહિલા કર્મચારીને થોડી ઘણી પણ છુટછાટ આપી નહતી. આ બેઠકમાં તમામ બહેનોને રાત્રે 7-20 કલાકે ઘરે જવા છોડ્યાં હતાં.
આ રજુઆતમાં આરોગ્ય કર્મચારીઓએ નોંધનીય બાબત ઉપર વહીવટી કચેરી અને અધિકારીઓનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, આ પહેલા ભુતકાળમાં પણ મહિલા કર્મચારી સાથે જાતિવાચક શબ્દો વાપરી, બેહુદ વર્તન કરી જાતીય સતામણી કરી હેરાન-પરેશાન કરેલ પરંતુ તાલુકાનું જીલ્લામાં ગૌ૨વ જાળવી રાખવા મધ્યસ્થી કરી આ ઘટનાનું સમાધાન કરેલું હતુ.
આ અંગે રજૂઆત માટે મહિલા કર્મચારીઓ સોમવાર પોતાનો ફરજકાળ પૂર્ણ કરી સાંજે જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યાં હતાં.જે બાદ ડીએસપી કચેરી અને કલેકટર કચેરીએ પહોંચી જ્યાં કોઇ પણ પ્રકારનો પરિપત્ર કે ઠરાવ કરેલો ન હોવા છતાં વારંવાર કર્મચારી તેમજ બહેનોને હેરાનગતિ કરવામાં આવતી હોવાનું અને બળજબરીપૂર્વક ફરજ પરના સ્થળેથી મોબાઇલ લોકેશન મોકલી આપવાનું દબાણ કરવામાં આવતું હોવાની અને ખોટી બિનજરૂરી હેરાનગતિ કરવામાં આવતી હોવાની રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.