આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં પશુપાલનના વ્યવસાય સાથે 7 લાખ પરિવારો જોડાયેલા છે. એક વર્ષમાં સુકા ઘાસચારાના ભાવમાં 100 ટકાનો વધારો થતાં બમણાં થઇ ગયા છે. ચરોતરમાં દૈનિક અંદાજીત 50 ટન સુકા ઘાસચારાનો વપરાશ છે પરંતુ અન્ય જિલ્લામાં ઘાસચારાની અછત છે. તેમ જ ચાલુ વર્ષે ત્રણેય સિઝનમાં માવઠા સહિત વાદળછાયા વાતાવરણના પગલે કેટલાંક જિલ્લામાં પાકને અસર થતાં સુકા ઘાસચારની તંગી જોવા મળી છે. સુકા ઘાસચારાની માંગ સામે આવક ઓછી છે. ગત વર્ષે એક પશુ પાછળ દૈનિક 120 રૂપિયા જેટલો ખર્ચ થતો હતો. તે હવે એક પશુને પાલવવાનો ખર્ચ દૈનિક 240 થઇ ગયો છે. જેના કારણે પશુપાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
આણંદ -ખેડા જિલ્લામાં ઘાસચારાના ભાવ દિનપ્રતિદિન વધી રહ્યાં છે. ગત વર્ષે ડાંગરના પૂરા 1000 નંગ 4 થી 5 હજારમાં મળતાં હતા. તે ચાલુ વર્ષે 7થી 8 હજારમાં મળી રહ્યાં છે. જ્યારે બાજરીના પૂરા ગત વર્ષે 7 હજારમાં મળતાં હતા તે વધીને 12000એ પહોંચ્યાં છે. ચરોતરમાં 5 લાખથી વધુ પાલતું પશુઓ છે. એક પશુને દૈનિક 10થી12 પૂરા જોઇએ છે. તાઉતે વાવાઝોડા બાદ ત્રણેય સિઝનમાં વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે અવારનવાર માવઠા થતાં તેની અસર બાજરી, ડાંગરના પાક પર જોવા મળી હતી.જેના કારણે હાલમાં સુકા ઘાસચારાની અછત જોવા મળી રહી છે. ખંભાત,તારાપુર,માતર પંથકમાં સિંચાઇના પાણીની પણ વ્યવસ્થા નથી. તેથી ત્યાં લીલો ઘાસચારો ઉપલબ્ધ ન હોવાથી સુકાઘાસની માગ વધુ છે.
સુકા ઘાસચારાના 1000 નંગ પૂરાના ભાવમાં અધધ વધારો | |||
ઘાસપૂરા | 2020 | 2021 | 2022 |
ડાંગર | 3000 | 5000 | 7000 |
બાજરી | 5000 | 8000 | 12000 |
ઘવારીયું | 3000 | 4000 | 7000 |
આવક માત્ર 30 ટકા વધી જ્યારે 1 પશુ પાછળ દૈનિક ખર્ચ બેવડાયો
મારે પાંચ ભેંસો છે. હાલમાં સુકા ઘાસના પૂરાના ભાવ વધી ગયા છે. ગત વર્ષે 5 રૂપિયે ડાંગરનો પૂરો મળતો હતો. તેની સામે ચાલુ વર્ષે 7 રૂપિયે મળે છે. તેની સામે દૂધના ભાવમાં માત્ર 4 રૂપિયાનો વધારો થયો છે. એક પશુ પાછળ દૈનિક 240 રૂપિયા ખર્ચ થાય છે. એક પશુને દિવસમાં 10થી 15 સુકા પુરા, 8 કિલો લીલુ ઘાસ, દાણ અને ખોર વગેરે પાછળ 240 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. દૈનિક 7 થી 8 લીટર દૂધ સવાર સાંજનું થઇને આપે તો માંડ 400 રૂપિયા મળે છે. > દમંયતિબેન ભોઇ, પશુપાલક, સૈયદપુરા, તા. ઉમરેઠ
દરેક જિલ્લામાં સુકો ઘાસચારો પૂરતા પ્રમાણમાં ન હોવાથી ભાવ વધ્યાં
દર વર્ષે આણંદ-ખેડા જિલ્લામાં મોટા પ્રમાણ ઘાસચારાનું ઉત્પાદન થતું હતું. અન્ય જિલ્લામાંથી સુકો ઘાસચારો પણ આવતો હતો. પરંતુ આ વર્ષે બહારના રાજ્ય કે જિલ્લામાં ટ્રેકટર કે ટ્રકો ભરીને સુકો ઘાસચારો આવતો નથી અને સ્થાનિક કક્ષાએ ઘાસચારાનું ઉત્પાદન પણ ઘટ્યું છે. હાલમાં ગરમી વધુ પડી રહી છે.જેથી લીલુઘાસ ઓછું જોવા મળે છે. તેથી સુકા ઘાસચારાનો ભાવ વધી ગયો છે. > પોપટભાઇ ભરવાડ, પશુપાલક, તારાપુર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.