સર્વે:169 હોટલોમાંથી માત્ર 10 ભોજન બાબતે શ્રેષ્ઠ રેન્કીંગમાં

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિવિધ હોટલો, રેસ્ટોરન્ટમાં મળતા ભોજનની શુદ્ધતાની વિગતો જાહેર કરી
  • 102માં સારૂ કહી શકાય તેવું, 55માં સામાન્ય, 2માં સુધારાની જરૂર જ્યારે 2માં સાવ ખરાબ ભોજન

જિલ્લાવાસીઓ, કોરોનાની બીજી લહેર પછી બધું સામાન્ય થઈ જતા હોટલો, રેસ્ટોરન્ટ, રિસોર્ટ, ઢાબામાં ઉમટી પડે છે અને ભોજનનો સ્વાદ માણે છે. આણંદ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોટેલ,રેસ્ટોરન્ટ, રિસોર્ટ, ઢાબા સહિત ડેરી અને બેકરી પ્રોડક્ટ વેચનારાઓ પાસેથી ખરીદી કરતા ગ્રાહકો પાસે ઇટ રાઇટ મુવમેન્ટ અંતર્ગત ફીડબેક મંગાવવામાં આવ્યા હતા. કૃપોષણ અને અતિપોષણ એટલે કે મેદસ્વિતા સામે લડી શકાય તે માટે આવી હોટલ, રેસ્ટોરન્ટ , રીસોર્ટ , ડેરી વગેરેમાં મળતા ખાદ્યપદાર્થની શુધ્દ્વતાની ચકાસણી કર્યા બાદ તેની વિગતો બહાર પાડવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લામાં રિસોર્ટ, હોટેલ, રેસ્ટોરન્ટ , પરોઠા હાઉસ, બેકરી, વગેરે મળીને કુલ 169 જગ્યામાં તમને કેવું ભોજન મળે છે તે માટે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આણંદ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીની સૂચનાથી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેમાં કુલ 169 હોટલો, રેસ્ટોરન્ટ, રિસોર્ટમાંથી માત્ર 10માં જ ગ્રાહકોને શ્રેષ્ઠ એટલે કે ઉત્તમ કક્ષાનું ભોજન મળે છે. જયારે 102 જગ્યાએ સારૂં કહી શકાય તેવું ભોજન મળે છે. 55 જ્ગ્યાએ તો માત્ર સામાન્ય ભોજન જ મળે છે.

ચોંકવનારી બાબત એ છે કે આમાંથી 2 જગ્યાએ એવી છે કે, જયાં ભોજનની ગુણવત્તામાં ભારે સુધારાની જરૂર હોવાનું સામે આવ્યું છે. તેમજ અન્ય કેટલી જગ્યાએ તો સાવ ખરાબ ભોજન મળતું હોવાનું પણ સર્વેમાં બહાર આવ્યું છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સર્વેમાં સમાવેશ કરાયેલ વેપાર
તાજેતરમાં આણંદ ફૂડ અેન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં હોટલો, ડેરી, રિસોર્ટ, પરોઠા હાઉસ,બેકરી, ડાઇનીંગ હોલ, ખમણની દુકાનો, રેસ્ટોરન્ટ, મીઠાઇની દુકાનો, લોજ સહિત ખાણીપીણી દુકાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

રેન્કીંગ કેવી આપવામાં આવ્યા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં ભોજનની કવોલીટીને લઇને 1 થી 5 રેન્કીંગ આપવામાં આવ્યા છે. 5 નંબર રેન્કીંગ મતલબ શ્રેષ્ઠ ભોજન, 4 નંબરનું રેન્કીંગ એટલે સારૂં કહી શકાય તેવું ભોજન, 3 નંબરનું રેન્કીંગ એટલે સામાન્ય કવોલીટીનું, 2 નંબર રેન્કીંગ એટલે ભોજનમાં સુધારો કરવાની ખાસ જરૂર છે.જયારે 1 નંબરનું રેન્કીંગ એટલે જયા સાવ ખરાબ ભોજન મળે છે.

ઇટ રાઇટ મુવમેન્ટ અંતર્ગત સર્વે
જિલ્લાની જનતાને સારૂ ભોજન મળે તે માટે સોશિયલ મીડિયા પર ફીડબેકનું આહવાન કરાયું હતું. આણંદ જિલ્લાના રહીશોમાં ઇટ રાઇટ મૂવમેન્ટ હેઠળ જાગૃતિ આવે તેમજ ફુડ હેબીટમાં સુધારો કરવાથી કૃપોષણ કે અતિ પોષણ એટલે મેદસ્વિતા સામે લડી શકાય તે હેતુથી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...