તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરસદ ભાજપમાં ઉકળતો ચરૂ:મહેનત અમારી અને જશ ખાટે તાલુકા સંગઠન - શહેર પ્રમુખની હૈયાવરાળ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરસદમાંથી લોકસભામાં ભાજપને સરસાઇ પણ વિધાનસભામાં ધબડકો

ભાજપની પ્રદેશ નેતાગીરી માટે બોરસદ ભાજપમાં ચાલતી જૂથબંધી હંમેશા પડકારજનક બની રહી છે. તેમાંય ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય છે તે પૂર્વે વકરતા અસંતોષના કારણે બોરસદ વિધાનસભાની બેઠક હંમેશા ભાજપે ગુમાવાનો વારો આવ્યો છે. સોમવારે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં ભાજપના શહેર અને તાલુકા સંગઠન વચ્ચે થયેલી ખેંચતાણ બીજા દિવસે પણ ટૅાક ઓફ ધ ડિસ્ટ્રીક્ટ બની રહી હતી. શહેર ભાજપ પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ખર્ચો અને મહેનત કરે શહેર સંગઠન અને પ્રસિધ્ધિ મેળવે તાલુકા સંગઠન એ કેટલું યોગ્ય છે ?

બોરસદ વિધાનસભાની વાત કરી તો છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં બોરસદ વિધાનસભામાં ભાજપને 2 હજારની સરસાઇ મળે છે.પરંતુ વિધાનસભાની ચૂંટણી આવતાં જ આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી જાય છે. અંદરો અંદર ચાલતા જૂથો વચ્ચે ખેંચતાણ ચાલતી હોય છે. તેના કારણે વિધાનસભાની બેઠક ગુમાવવાનો વખત આવે છે.

એટલું જ નહીં પણ અસંતુષ્ટ જૂથ જાણે કોઇ નેતાની હાજરી ટાણે શક્તિ પ્રદર્શન કરવાની રાહ જોતું હોય એમ અગાઉ 25 દિવસ પહેલા પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે હતા તેના એક દિવસ પહેલા જ 12 જેટલા નગરસેવકોએ સમિતિઓમાંથી રાજીનામા આપી પ્રદેશ કક્ષાએ પડઘો પાડ્યો હતો. દરમિયાન ગઈકાલની ઘટના અંગે તાલુકા ભાજપ પ્રમુખ વિજયસિંહ રાજે જણાવ્યું હતુ કે, તાલુકા કે શહેર સંગઠન વચ્ચે કોઈ મતભેદ નથી. આવનારા દિવસોમાં પણ અમે સાથે મળીને જ પાર્ટીનું કામ કરીશું.

તાલુકાના હોદ્દેદારો વાહવાહી માટે નેતાઓને ઘરે લઈ જાય છે
બોરસદ શહેરમાં કાર્યક્રમ હોય તેનો ખર્ચ શહેર ભાજપ સંગઠન ઉઠાવે છે તેમજ અવારનવાર કાર્યક્રમોનો ખર્ચ પણ શહેર ભાજપ સંગઠન ઉઠાવે છે. તેમ છતાં તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારો વાહવાહી મેળવવા માટે નેતાઓને ઘેર લઇ જાય ને સ્વાગત કરે તે કેવી રીતે ચાલે, પ્રદેશ પ્રમુખ પાટીલ બોરસદ શહેર ભાજપ પ્રમુખ, મંત્રી કે પાલિકા પ્રમુખના ઘરે આવ્યા હોત તો અને વાંધો ન હતો પરંતુ તાલુકા ભાજપ પ્રમુખના ઘરે લઇ જવાયા. અલબત્ત આ બાબતે એક સામાન્ય મનભેદ હતો. હાલ બંને સંગઠન વચ્ચે કોઇ અસંતોષ નથી. - દીપક પટેલ, પ્રમુખ, બોરસદ શહેર ભાજપ.

અન્ય સમાચારો પણ છે...