અનોખી પહેલ:દીકરીને ભરખી જનાર બ્રેસ્ટ કેન્સરથી અન્યોને બચાવવા દર માસે ફ્રી સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુમીબેન પટેલનું દીકરી બિજલની યાદમાં ફાઉન્ડેશન શરૂ કરી જાગૃતિ અભિયાન

છેલ્લા કેટલાક વર્ષોમાં, મહિલા સ્તન કેન્સરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. આ જીવલેણ રોગ સામે લડવા માટે ‘ઇલાજ કરતાં નિવારણ સારું’ની વ્યૂહરચનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે અંગે જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામા આવી રહ્યાં છે. બીજલ પટેલ ફાઉન્ડેશન અને વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા એક જાગૃતિ કાર્યક્રમ અને બ્રેસ્ટ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમ 12 સપ્ટેમ્બર 2022ના રોજ સવારે 10 વાગે યુનિવર્સિટીના આદિ શંકરાચાર્ય ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર ઉત્પલાબેન ખારોડએ સ્ત્રીઓમાં સ્તન કેન્સર થવાના વિવિધ કારણોસર વિશે મહિલાઓને માહિતગાર કર્યા હતાં. તેઓએ મહિલાઓ દ્વારા પોતાના સ્વાસ્થ્યને કેવી રીતે જાળવવું તેના વિશે વાત કરતાં કહ્યું હતું કે સ્ત્રીઓ પોતાના સ્તનનું દર્દ કોઈને કહી શકતી નથી. એક તારણ એવું પણ છે ગ્રામીણ સ્ત્રીઓ કરતાં શહેરી સ્ત્રીઓમાં સ્તન કેન્સર થવાની શક્યતા વધારે છે. આ બીમારી સામે ડરવા કરતાં માનસિક રીતે શસક્ત બની લડવું પડશે. આ પ્રકારના કાર્યક્રમ સમાજમાં જાગૃતિ લાવશે.

નોંધનીય છે કે યુએસએ સ્થિત બીજલબેનનું આ રોગને કારણે નાની ઉંમરે અવસાન થયું હતું અને તેમનો પરિવાર તેમની યાદમાં દર મહિને બ્રેસ્ટ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરે છે. સુમીબેન પટેલએ પોતાની દીકરીના અવસાન બાદ 79 વર્ષની ઉંમરે આ કામ સમાજ માટે શરૂ કર્યું છે. બીજલ ફાઉન્ડેશન વિશે મેઘાબેન જોશીએ જણાવતા કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં, મહિલા સ્તન કેન્સરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. આ જીવલેણ રોગ સામે લડવા માટે ‘ઇલાજ કરતાં નિવારણ સારું’ ની વ્યૂહરચનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કેમ્પમાં હેલ્થ સેન્ટર ખાતે 2 દિવસના સમયગાળામાં 70થી વધુ મહિલાઓનું સ્ક્રીનીંગ કરાશે.

કેન્સર જણાશે તો બીજલ ફાઉન્ડેશન સમગ્ર ખર્ચ આપશે
તા. 12 અને 13 દરમ્યાન સરદાર પટેલ યુનિવર્સિટીના હેલ્થ સેન્ટર ખાતે આશરે 80 જેટલી મહિલા માટે બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કરવામાં આવશે અને જો કોઈ મહિલાને આ કેમ્પમાં કેન્સર જણાશે તો બીજલ ફાઉન્ડેશન તેનો સમગ્ર ખર્ચ આપશે તેમ સુમીબેન પટેલે જાહેર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...