આદેશ:આણંદની મહિલાને 76,846 નવ ટકા વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યો

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેડિક્લેઈમના નેશનલ ઈન્સ્યુ. કંપનીએ પુરા નાણા ન ચુકવતા ગ્રાહક તકરારનો આદેશ

આણંદ શહેરમાં જીટોડીયા રોડ ઉપર આવેલ વિશ્રૃતપાર્કમાં રહેતા અર્પિતાબેન તુલસીભાઈ પટેલના પિતાએ નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીમાંથી ગ્રુપ ઈન્સ્યુરન્સ લીધું હતું. જેમાં અર્પિતાબેનનું નામ અનુક્રમ નંબર 3 ઉપર છે. અર્પિતાબેનને પેટમાં દુખાવો થતા તેઓને ડૉ. નયનાબેન પટેલની આંકાક્ષા હોસ્પિટલમાં23-10-2018ના રોજ તપાસ કરાવી હતી. અને ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરી ગાંઠનું ઓપરેશન કર્યું હતું. તેનું કુલ બીલ 1,29,069 થયું હતું. જે નાણાં અર્પિતાબેને ચુકવી આપ્યા હતા અને આ સારવારની ખર્ચની રકમ મેળવવા માટે પોતાના એજન્ટ મારફતે નેશનલ ઈન્સ્યુરન્સ કંપનીમાં ક્લેઈમ કર્યો હતો. અને આ ક્લેઈમ રજીસ્ટ્રર થયાનો તેમને પત્ર મળ્યો હતો.

પરંતુ ત્યારબાદ વીમા કંપનીએ માત્ર 52,223 રૂપિયાનો ક્લેઈમ મંજુર કર્યો હતો. જેથી આ અંગે અર્પિતાબેન તુલસીભાઈ પટેલે બાકીના76846 રૂપિયા ક્લેઈમની રકમ મેળવવા માટે પોતાના વકીલ આઈ. કે. સૈયદ દ્વારા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ કરી ક્લેઈમની બાકી રકમ તેમજ માનસિક ત્રાસ બદલ વળતરની માંગ કરી હતી.

જે અંગે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં સુનાવણીના અંતે પ્રમુખ સી. એમ. ભટ્ટે અર્પિતાબેનને 76,846 રૂપિયા તા. 28-3-2019 થી વાર્ષિક 9 ટકા વ્યાસ સાથે રકમ વસુલ થતા સુધી ચુકવી આપવા અને માનસિક ત્રાસના વળતર પેટે રૂા 3 હજાર અને રૂા 2 હજાર ખર્ચ પેટે અલગથી ચુકવી આપવા નેશનલ ઈન્સ્યુરન્સ કંપની લી.ને આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...