તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને પરીક્ષા ફી 10 દિનમાં પરત કરવા આદેશ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલેજો દ્વારા પરીક્ષા ફી વસૂલ્યા બાદ વિદ્યાર્થીઓને પરત ન આપતાં યુનિવર્સિટીમાં રજૂઆત કરવામાં આવી હતી

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અને સંસ્થાઓ દ્વારા ગત વર્ષે લેવાયેલી પરીક્ષા ફી દસ દિનમાં પરત કરો, નહીં તો કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહો તેવો પરિપત્ર જારી કરતા શૈક્ષણિક સંકુલમાં ખળભળાટ મચી ગયો છે.

આ અંગે વાત કરતાં યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા ગત વર્ષે પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ 19ને લઈને જે વિદ્યાર્થીઓને ગત વર્ષે મેરીટ બેઈઝ્ડ પ્રોગ્રેશન આપવામાં આવ્યું હતું તે વિદ્યાર્થીઓની પરીક્ષા ફી મજરે આપવી. જોકે, આમ છતાં પણ હજુ સુધી કેટલીંક કોલેજ-સંસ્થા દ્વારા ફી મજરે આપવામાં આવી નથી કે પરત આપવામાં આવી નથી. વિદ્યાર્થીઓ તરફથી ઓછામાં ઓછી પાંચથી સાત આવી ફરિયાદો મળી છે. જેને પગલે યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, કોલેજ-ઈન્સ્ટીટ્યુટ દ્વારા વર્ષ 2020-21ના વિદ્યાર્થીઓ કે જેઓએ ત્રીજા અને પાંચમા સેમિસ્ટરમાં (વાર્ષિક પદ્ધતિ હેઠળ પ્રથમ વર્ષ અને બીજું વર્ષ) મેરીટ બેઈઝ્ડ પ્રોગ્રેશન મળેલું છે તેવા વિદ્યાર્થીઓની સ્તાનક કક્ષાની ફી પરત લેવાની થતી નથી. જોકે, આમ છતાં પણ કેટલીક કોલેજ-સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ત્રીજા અને પાંચમા સેમિસ્ટરની (વાર્ષિક પદ્ધતિ હેઠળ પ્રથમ વર્ષ અને બીજું વર્ષ) પરીક્ષા ફી લેવામાં આવી છે. તેવી કોલેજ અને સંસ્થાઓએ પરીક્ષા ફી વિદ્યાર્થીઓને દસ દિવસમાં પરત આપવી. જો કોઈ કોલેજ-સંસ્થા દ્વારા આવી ફી વિદ્યાર્થીઓને મજરે આપવાની થતી હશે અને તે નહીં આપે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ત્રીજા-પાંચમા સેમિસ્ટરની પરીક્ષા ફી મજરે આપવામાં આવી છે
યુનિવર્સિટીમાં વર્ષ 2017 પછી રજિસ્ટર થયેલા રેગ્યુલર વિદ્યાર્થીઓને કે જેઓ સ્નાતક કક્ષાના બીજા અને ચોથા સેમિસ્ટરમાં અથવા પ્રથમ, બીજામાં મેરિટ બેઈઝ્ડ પ્રોગ્રેશનથી ઓગસ્ટ 2020માં પ્રમોશન આપવામાં આવ્યું છે તેવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા આગળના સેમિસ્ટરમાં એટલે કે ત્રીજા સેમિસ્ટરની નવેમ્બર 2020ની અને પાંચમા સેમિસ્ટરની નવેમ્બર 2020ની પરીક્ષા ફી મજરે આપવામાં આવેલ છે. જોકે, યુનિવર્સિટીના આ નિર્ણયથી દસથી 15 હજાર વિદ્યાર્થીઓને તેનો લાભ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...