હવામાન વિભાગની આગાહી:તાઉતેના કારણે ગત ઉનાળામાં માત્ર 20 દિવસ જ્યારે ચાલુ ઉનાળામાં 31 દિવસ સૂર્યપ્રકોપ

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચરોતર સહિત ગુજરાતમાં ગત વર્ષે મે માસનું સરેરાશ તાપમાન 35.06 ડિગ્રી, ચાલુ વર્ષે સરેરાશ 39. 07 ડિગ્રી રહ્યું
  • મે 2021 કરતાં મે 2022માં મહત્તમ તાપમાન સરેરાશ 4 ડિગ્રી વધુ રહ્યું

ચરોતર સહિત ગુજરાતમાં ગત વર્ષે તાઉતેના કારણે ઉનાળામાં માત્ર 20 દિવસ સૂર્યપ્રકોપ રહ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે 31 દિવસ 40 ડિગ્રીથી વધુ તાપમાન સાથે ઉનાળો આકરો બન્યો હતો. ગત વર્ષે મે માસનું સરેરાશ તાપમાન 35.06 ડિગ્રી જ્યારે ચાલુ વર્ષે સરેરાશ 39. 07 ડિગ્રી તાપમાન રહેતાં મે 2021 કરતાં મે 2022માં મહત્તમ તાપમાન સરેરાશ 4 ડિગ્રી વધુ રહ્યું હતું.

ગત વર્ષે 70 દિવસનો ઉનાળો હતો જેમાં એપ્રિલમાં 16 દિવસ અને મેના 4 દિવસ મળી 20 દિવસ જ સૂર્યપ્રકોપ આકરો રહ્યો હતો કારણ કે તાઉતે વાવાઝોડાના કારણે અન્ય દિવસોમાં તાપમાન ઘટી ગયું હતું. જ્યારે ચાલું ઉનાળામાં માર્ચમાં 3 દિવસ, એપ્રિલમાં 13 દિવસ અને મે માસના 15 દિવસ મળી 31 દિવસ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. જેમાં ચરોતરમાં સૌથી વધુ 43.02 ડિગ્રી અને ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 44 ડિગ્રી નોંધાયું હતું.

ગત વર્ષે 2021માં મે માસમાં ત્રીજા સપ્તાહથી તાઉતે વાવાઝોડાની અસરના કારણે સરેરાશ તાપમાનનો પારો ચરોતરમાં 8 દિવસ 40 ડિગ્રી આસપાસ રહ્યો હતો. જયારે બાકીના દિવસો 38 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું હતું. ચાલુ વર્ષે ઉનાળાના 78 દિવસોમાંથી 31 દિવસ 40 ડિગ્રી તપામાન રહ્યું છે.

ચરોતરમાં મે માસના બીજા સત્પાહમાં સૌથી વધુ તાપમાન સતત 5 દિવસ સુધી 40 થી 43 ડિગ્રી વચ્ચે જોવા મળ્યું હતું. જેમાં 12 મે સૌથી વધુ 43.02 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત માર્ચના બીજા સપ્તાહથી થઇ હતી અને હજુ સુધી ગરમીનો પ્રકોપ જારી છે. હવામાન વિભાગ સૂત્રોના જણાવ્યા અનુસાર આણંદ-ખેડા જિલ્લામાં હજુ આગામી 6 દિવસ સુધી ગરમીનું જોર રહેશે પછી વાદળો બંધાશે.

ચરોતરમાં મહત્તમ તાપમાન 1.2 ડિગ્રી વધ્યું
આણંદ -ખેડા જિલ્લામાં સતત તાપમાનમાં ઘટાડો નોંધાઇ રહ્યો હતો. ત્યારે ગુરુવાર બાદ શુક્રવારે તાપમાનનો પારો ઉંચકાયો હતો. જેમાં ગુરૂવારે લઘુતમ તાપમાન 27.4, મહત્તમ તાપમાન 40.0 નોંધાયું હતું. જ્યારે શુક્રવારે મહતમ તાપમાન 41.2 નોંધાયું હોવાથી 1.2 ડિગ્રી વધ્યું હોવાથી કાળઝાળ ગરમીથી નગરજનો તોબા પોકારી ઉઠયા હતા.આગામી બે દિવસ દરમિયાન આકાશ આંશિક વાદળછાયું રહેવાની આગાહી હવામાન વિભાગે કરવામા આવી છે. આ ઉપરાંત, હવાની ગતિ 7.7 કિમી અને હવામાં ભેજનું પ્રમાણ 62 ટકા નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...