કિશોરોનું વેક્સિનેશન:આણંદ જિલ્લાના 15થી 18 વર્ષના એક લાખ કિશોરને કોરોનો પ્રતિરોધક રસી આપવાનો આવતીકાલથી પ્રારંભ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 277 સબ સેન્ટર, 53 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે અભિયાન હાથ ધરાશે
  • આરોગ્ય વિભાગ દ્વારા માધ્યમિક શાળાઓ સાથે સંકલન કરવામાં આવશે

આણંદ જિલ્લામાં રાજ્યભરની સાથે સોમવારથી 15થી 18 વર્ષના કિશોર-કિશોરીને કોરોના પ્રતિરોધક રસી આપવાના અભિયાનનો પ્રારંભ થશે. જિલ્લાના 277 સબ સેન્ટર અને 53 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશરે 1.08 લાખ કિશોરને રસી આપવામાં આવશે. જોકે, આ અભિયાનમાં માધ્યમિક શાળાઓ સાથે પણ સંકલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.ટી. છારીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં 3 જાન્યુઆરી, 2022થી 15થી 18 વર્ષના 1 લાખ 08 હજાર 858 કિશોર - કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. 15થી 18 વર્ષની ઉંમરના કિશોર-કિશોરીઓને રસીનો પ્રથમ ડોઝ આપવા માટે રાજય સરકારની સુચના અને માર્ગદર્શન પ્રમાણે આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કલેક્ટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા 3જી જાન્યુઆરી-2022થી 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં 277 સબ સેન્ટર, 53 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે અને જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓમાં ભણતા બાળકોને રસી આપવા માટે શિક્ષણાધિકારી સાથે સંકલન કરી આયોજન કરવામાં આવ્યુ છે.

કોરોના સામે અસરકારક આ વેક્શિન ફાયદાકારક હોઇ 7મી જાન્યુઆરી, 2022 સુધી 15થી 18 વર્ષની વયજુથના કિશોર-કિશોરીઓ અને 10મી જાન્યુઆરી, 2022 પછી હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ, 60 વર્ષથી વધારે વયના સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા દર્દીઓને આ રસીનો લાભ લઈને રસીકરણના કાર્યક્રમમાં સહભાગી થવા આણંદ જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગ અને સિનીયર સીટીઝનોને 10મીથી બુસ્ટર ડોઝ આપવામાં આવશે

આણંદ જિલ્લાના તમામ હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને પણ પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં 10મી જાન્યુઆરી, 2022 પછી 13,528 હેલ્થ વર્કર અને 15,752 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા દર્દીઓને પ્રીકોશન (બુસ્ટર) ડોઝ આપવા પણ આરોગ્ય તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...