આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ઓફ એગ્રીલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સતત બીજા વર્ષે 100 ટકા પ્લેસમેન્ટનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને મહત્તમ ત્રણ લાખનું પેકેજ મળ્યું છે, જ્યારે ગયા વર્ષે મહત્તમ પેકેજ રૂ. ત્રણ લાખ અને સરેરાશ રૂ.1.76 લાખનું પેકેજ મેળવ્યું હતું. આ વર્ષે કુલ 28 કંપનીઓ દ્વારા 37 વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ અને 20 કંપનીઓ દ્વારા 27 વિદ્યાર્થીઓની પ્લેસમેન્ટ દરમ્યાન પસંદગી કરવામાં આવી હતી અને કુલ 45 ઇન્ટર્નશિપ ઓફર અને 31 જોબની ઓફર વિદ્યાર્થીઓને મળી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ પેટે દર મહિને મહત્તમ 12 હજાર અને સરેરાશ સાડા ત્રણ હજાર ચૂકવવામાં આવ્યાં હતાં. એટલે કે, વિદ્યાર્થીઓને એકથી વધુ જોબ અને ઇન્ટર્નશિપ ઓફર થઇ હતી. કોલેજના પ્રિન્સીપાલ અને ડીન, ડો. ડી.આર.કથિરિયા અને પ્લેસમેન્ટ કો-ઓર્ડીનેટર ર્ડા. એમ.પી.રાજે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ:2008માં સ્થપાયેલી આ સંસ્થાએ વર્ષ પ્રતિ વર્ષ પ્લેસમેન્ટમાં વધારો કરેલ છે અને છેલ્લા 2 વર્ષથી 100 ટકા પ્લેસમેન્ટનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે.
કોલેજ ઇસરો દેહરાદૂનનું કો-ઓર્ડીનેટીંગ ઇન્સ્ટિટ્યૂટ છે. એટલે વિદ્યાર્થીઓને રિમોટ સેન્સિંગ અને જીઆઈની જોબ તેમજ માસ્ટર્સ માટે મદદરૂપ થાય છે. કોલેજના વિદ્યાર્થીઓ આઇ.સી.ટી., નેધરલેન્ડ એકસીલેન્સ સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત એડમીશન મેળવ્યું છે. આ સિદ્ધિ મેળવવા બદલ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.કે.બી.કથિરિયા તથા સંશોધન નિયામક અને ડીન પી.જી. ર્ડા.એમ.કે.ઝાલાએ સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તા અને પ્લેસમેંટની કામગીરીને બીરદાવી છે. આ કોર્સ માટેની વધુ જાણકારી www.aau.in તથા એડ્મિશન માટે જાણકારી www.gsauca.in વેબસાઇટ ઉપરથી મેળવી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.