તાલીમ:આણંદ જિલ્લાના 255 માઇક્રો ઓબ્ઝર્વરની એક દિવસીય તાલીમ યોજાઇ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લાની વિધાનસભા બેઠકો માટે 5મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. તે અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભા મતદાર વિભાગોના બુથ મથકો માટે જરૂરિયાત મુજબના વિવિધ સંસ્થાઓના લગભગ 255 અધિકારીઓની માઇક્રો ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ તમામ માઇક્રો ઓબ્ઝર્વરની આણંદની ડી. એન. હાઇસ્કૂલ ખાતે પ્રથમ એક દિવસીય તાલીમ યોજાઇ હતી.

આણંદ જિલ્લા માટે નિયૂકત કરવામાં આવેલા જનરલ ઓબ્સર્વર નિધિ નિવેદિતાએ માઇક્રો ઓબ્ઝર્વરની ફરજ પર પ્રથમ વખત નિમણૂક પામેલા અધિકારિઓને માર્ગદર્શક સૂચનો કરી પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ. જ્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડી.એસ.ગઢવીએ તાલીમમાં ઉપસ્થિત દરેક માઇક્રો ઓબ્ઝર્વરને શુભેચ્છા પાઠવી હતી. દરેકને પોતાની જવાબદારીઓ અને ફરજો નિભાવવાની સાથે સાથે આ લોકશાહીના અવસરમાં સહભાગી બનવાની તક મળી છે તેનો ગર્વ લેવા જણાવ્યુ હતુ. વધુમાં તેમણે મતદાન પ્રક્રિયા, મતદાન મથકની નાનામાં નાની બાબતો અને વ્યવસ્થાનું ધ્યાન રાખવા તથા મતદાનના દિવસે તમામ ઓબ્ઝર્વરનું આરોગ્ય જળવાય રહે તે માટે જરૂરી તકેદારી રાખવા જણાવ્યું હતુ.

આ તાલીમ કાર્યક્રમમા માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂંક, તેમને નિભાવવાની થતી જવાબદારીઓ, તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતી ફરજો, મતદાનના દિવસે રજુ કરવાનો થતો સંપૂર્ણ દિવસની કાર્યપ્રણાલીનો અહેવાલ, પોલીંગ સ્ટેશનની આંતરીક તેમજ બાહ્ય વ્યવસ્થા, ઇવીએમ અને વીવીપેટ, મોક પોલ, પોલિંગ ટીમ, પોલીંગ એજન્ટ અને સુરક્ષા વિષયક બાબતોનું ધ્યાન રાખવા, મતદાન સબંધિત તમામ આચારસંહિતાનું અચૂક પાલન થાય તે જોવા વગેરે જેવી બાબતો માટે ડીસ્ટ્રીક્ટ લેવલ માસ્ટર ટ્રેનર અને નાયબ પશુપાલન નિયામક ડો.સ્નેહલ પટેલ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન આપી વિસ્તૃત સમજણ પુરી પાડવામા આવી હતી.

આ તાલીમના પ્રારંભમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી લલિત પટેલે તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને તેમને મુંઝવતા પ્રશ્નોનો જવાબ આપી મતદાન સમયે કોઇપણ મુશ્કેલી ઉભી થાય તો તુરંત સંબંધીત આર.ઓ. નો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમની શરૂઆતમા નોડલ ઓફિસર તાલીમ અને પ્રાચાર્ય ડાયટએ સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...